Menu

રવિવાર, 31 મે, 2026

2:17 વાગ્યે તડકામાં શેકાયેલી શાંતિ

ઉનાળાની બપોરનું સત્ય એટલે સ્થગિત જગતનું તત્ત્વજ્ઞાન

-ભરત જોશી “પાર્થ મહાબાહુ” 

આપણે ત્યાં ઉનાળાની બપોર એક ખાસ પ્રકારની શાંતિ લઇને આવે છે. ના, લાઇબ્રેરી જેવી શાંતિ નહીં કે પછી ફિલ્મોમાં બારીનાં પડદા પવનમાં લહેરાય અને પાછળથી કોઈ મંદમંદ વાંસળી વગાડતું હોય એવી શાંતિ પણ નહીં. આ શાંતિ તો જાણે તડકામાં શેકાઈને આવે છે. બપોરે બે વાગીને સત્તર મિનિટે તમે એને અનુભવો. શેરીનાં કૂતરાં પણ એ સમયે જીવનથી થોડાં કંટાળેલાં લાગે. જે રસ્તો સવારે ધમાલ મચાવતો હોય, એ અચાનક શાંત પડી જાય. રિક્ષાઓ ઓછી થઈ જાય. કૂકર પણ થોડો આરામ લઈ લે. ગપ્પાં મારનારા લોકોનાં અવાજ પણ ધીમા થઇ જાય. ઉનાળાની બપોર માત્ર અલગ દેખાય એવું નહીં, એ સંભળાય પણ અલગ રીતે. દરેક ઉનાળે મને વારંવાર વિચાર આવે કે આવું કેમ?

 ઉનાળાની સવારના ઉત્સાહનો અવાજ જોઇ શકાય તેવો હોય છે. દરવાજા પાસે દૂધની ઠંડી થેલીઓ પડવાનો અવાજ, સ્કૂટરનો હાંફતા હાંફતા સ્ટાર્ટ થવાનો અવાજ, સ્કૂલના બાળકોની બેગ સાથેની લડાઈનો અવાજ, શાકવાળો “ટમેટા…!” એમ એવી રીતે બૂમ પાડે જાણે રિયાલિટી શોમાં ઓડિશન આપતો હોય તેનો અવાજ. પણ બપોર? બપોર તો થાકેલી જ લાગે છે. સવારમાં ક્રિકેટ સ્ટેડિયમ જેવો લાગતો રસ્તો હવે કેરી-ભાત ખાઈને સૂવા ગયેલા કાકા જેવો લાગે. કાગડાઓ પણ ઓછું બોલે. ગરમી માણસને જ નહીં, બધાને બદલી નાખે છે. પંખા એમ ફરે જાણે સરકારી કર્મચારી ફરજ બજાવતા હોય. વૃક્ષો સંત જેવી શાંતિમાં ઊભાં રહે. ચાની કીટલીઓનો ઉત્સાહ પણ ઓછો થઇ જાય અને ક્યાંક દૂર કોઇક ઘરમાં કૂકર એવી સીટી મારે જાણે બીજા જ કોઈ ગ્રહ પરથી ટ્રેન નીકળવાની જાહેરાત થતી હોય. આ ગરમી આપણું એવું શું કરે છે?

ભલે ઓફિસના ઈમેઇલ્સ એ વાત માનવા તૈયાર ન હોય, પણ માણસ મશીન નથી. આપણું મન હવામાન સાથે ગાઢ રીતે જોડાયેલું છે. શિયાળામાં લોકો લાંબી વાતો કરે, વરસાદમાં કવિ બની જાય અને ઉનાળાની બપોરે પંખા નીચે પડ્યા પડ્યા ફિલોસોફર બની જાય કારણ કે ગરમી શરીરને ‘શાંત’ કરે છે જેમાં મગજ અંદરથી કહે, “બોસ, આજે બસ સાંજ પડે ત્યાં સુધી ટકી જવું પૂરતું છે.”

મે મહિનાની બપોરે ઝઘડાં પણ ઓછાં થાય. ગુસ્સો પણ પરસેવામાં ભીંજાઈને આળસુ થઈ જાય. ધ્યાનથી જોજો. સાંજે પાંચ વાગ્યે ક્રિકેટ રમતા રમતા કોમેન્ટેટર જેવી બૂમો પાડતો છોકરો બપોરે એક વાગ્યે માત્ર એક જ શબ્દ બોલે: “પાણી.” આખી ભાષા એક શ્રદ્ધેય સત્યમાં સમાઇ જાય. મનોવિજ્ઞાનના પુસ્તકોમાં કદાચ અઘરા પારિભાષિક શબ્દો હશે પણ ભારતીય ઘરો તો પહેલેથી જ આ વિજ્ઞાન જાણે છે એટલે મમ્મી કહે, “હવે બહાર ન નીકળતા. દિમાગ ઉકળી જશે.” (કોનું તે આપણે જ નક્કી કરી લેવાનું) અને તે જે કહે છે તે ખોટું પણ નથી.

 ઉનાળાની સુસ્ત બપોરે કે તડકાએ ઘણા કવિઓને ચેતનવંતા કર્યા છે. ઉમાશંકર જોશી, જયંત પાઠક, લાભશંકર ઠાકર, રાવજી પટેલથી માંડી છેક છેલ્લે જયંત દાંગોદરાએ તેની અનોખી ઓળખ આપતા ઉનાળો, બપોર કે તડકા વિશે કાવ્યો આપ્યાં છે. જૂની વાર્તાઓમાં બપોર એટલે વિરામ. ખેડૂત ઘટાદાર વૃક્ષ નીચે આરામ કરે, દાદી અડધી ઊંઘમાં વાર્તા કહે, દૂર ક્યાંક ધીમે રેડિયો વાગતો હોય. ઉનાળાની બપોર એટલે મેકઅપ ઉતારેલું જીવન. સવાર દેખાડો છે, સાંજ નાટક છે, બપોર સચ્ચાઈ છે. કદાચ એથી જ બપોરે જૂની યાદો અચાનક આવી ચડે અને જૂનાં મધુર અને ધીમા ગીતો, ખસના પડદાની સુગંધ, સ્ટીલના ગ્લાસમાં ઓરેન્જ રસના, અને હેલિકોપ્ટર જેવા અવાજ કરતો પંખો સહજ રીતે હૃદયમાં ઉભરી આવે. ઉનાળાની બપોર યાદોનું ખોદકામ કરનાર મજૂર જેવી છે. એ આપણી અંદર ધરબાયેલાં સ્મરણોને બહાર લાવે છે.

ટેકનોલોજીએ ઘણું કર્યું છે. દસ મિનિટમાં ઑર્ડરની ડિલિવરી, દુનિયાભરમાં વિડિયો કૉલિંગ, કે AIના ચમકારા ભલે ટેકનોલોજીનો જયજયકાર કરે પણ આપણા ઉનાળાની બપોર સામે ટેકનોલોજી પણ હાથ જોડી દે. વાઈ-ફાઈ ધીમું પડી જાય, લેપટોપ ભાજીપાવના તવા જેવું ગરમ થઈ જાય અને મોબાઈલ પોતે જ ગરમીની ફરિયાદ કરવા લાગે. મોટિવેશન પણ ઓગળી જાય. તમે YouTube ખોલો તો જીવન પરિવર્તનની પ્રેરણાનો વિડિયો જોવા માટે અને સાત મિનિટ પછી “દુનિયાની સૌથી ઠંડી જગ્યાઓ” વાળા વિડિયો જોતા હો. ગરમી માણસમાં નમ્રતા અને સમભાવ પ્રગટાવે છે. એસી સર્વિસનો કારીગર અને ચાવાળો બંને એક જ પંખા નીચે સમાન ભક્તિથી ઊભા રહે. પરસેવામાં એક પ્રકારની લોકશાહી છે જે ઉનાળામાં પ્રગટે છે.

ઉનાળાની બપોર અસમાનતા પણ સ્પષ્ટ દેખાડે છે. કોઈ માટે ગરમી માત્ર તકલીફ છે તો કોઈ માટે સજા. ડિલિવરી બોય 45 ડિગ્રીમાં મોટરસાયકલ ચલાવે, મજૂર તડકામાં ઈંટો ઊંચકે, ટ્રાફિક પોલીસ રસ્તા પર બફાતા ઊભા હોય અને એ જ વખતે કેટલાક લોકો એસી કારમાં બેસીને ગરમીની સખત ફરિયાદ કરતા હોય.

હવામાન માત્ર મૂડ નહીં, માણસોની હકીકત પણ ખુલ્લી પાડે છે. ધનિક કહે, “આજે કેટલી ગરમી છે!” આ સાંભળતો મજૂર કંઈ બોલતો નથી, શાંતિથી કામ કરતો રહે છે. એની શાંતિનું વજન તાપમાન કરતાં વધારે ઉષ્ણ હોય છે. ક્યારેક લાગે છે શહેરોએ ઉનાળામાં બે કલાક માટે થંભી જવું જોઈએ. જેમ જૂના સમયમાં સૌરાષ્ટ્રમાં બધું થંભી જતું; દુકાનોનાં બારણાં અડધા બંધ અને લોકો આરામમાં. ત્યારે જીવન હવામાન સાથે ઝઘડતું નહોતું, એને માન આપતું હતું. જો કે આજની દુનિયા આરામને અપરાધ સમજે છે. બપોરે તમે શાંતિથી બેઠેલા હો તો કોઈ જરૂર પૂછે: “કાંઇ કામ નથી?” અરે ભાઈ, સૂરજ વધારે કામ કરી રહ્યો છે, માણસને થોડો શ્વાસ લેવા દો.

ઉનાળાની બપોરમાં કંઈક ‘આધ્યાત્મિક’ પણ છે. મંદિરો શાંત થઈ જાય. રસ્તા ખાલી પડે. દુનિયા થોડી ક્ષણો માટે અટકી જાય અને એ વિશ્રાંતિમાં, સામાન્ય રીતે જે ઘોંઘાટમાં દબાઈ જાય છે એ પોતાના વિચારો સંભળાય છે. આ થોડી જોખમી બાબત છે કારણ કે ઘણા લોકો વ્યસ્ત એટલા માટે રહે છે કે પોતાને મળવું ન પડે. સવાર આપણું ધ્યાન ભટકાવે છે. રાત આપણું મનોરંજન કરે છે. બપોર આપણને ખુદનો સામનો કરાવે છે. પંખા નીચે છત જોતાં જોતાં અચાનક જીવનના મોટા પ્રશ્નો આવી જાય.

“હું શું કરી રહ્યો છું?”
“હું હંમેશા દોડતો કેમ રહું છું?”
“જૂના મિત્રોને ફોન કરવો જોઈએ?”
“માત્ર તરબૂચ ખાઈને માણસ જીવી શકે?”

બપોરની આ તાકાત છે. એ જીવનમાંથી નાટકને હટાવી દે છે અને માત્ર વાસ્તવિકતાને ટકાવે છે. ગરમી ભલભલાનાં મેકઅપ ઉતારી નાખે છે. આમ છતાં પરસેવાનાં રેલા, વીજળીનાં બિલ અને કંટાળાની દાદાગીરી વચ્ચે પણ ઉનાળાની બપોરમાં અજબ સુંદર અનુભુતિઓ હોય છેઃ  

દૂરથી આવતો ટ્રેનનો અવાજ.
અડધી ઊંઘમાં ભસતો કૂતરો.
અથાણાં સુકવતી અગાશીની સુગંધ.
ધીમે ધીમે ફેરવાતું અખબાર.
છોડવાને પાણી આપતા દાદા.

ઉનાળાની બપોર આપણને એ વાત શીખવે છે, જે આજની દુનિયા ભૂલી રહી છે: દરેક ક્ષણને મોટો અવાજ કરવાની જરૂર નથી હોતી. ક્યારેક શાંતિ પણ વાતચીત હોય છે. કદાચ એ માટે જ બપોરનો અવાજ અલગ લાગે છે કારણ કે દુનિયા એ સમયે ‘ખલ્લાસ’ થઇ જતી નથી, એ માત્ર ધીમા અવાજમાં બોલતી હોય છે; અને સાચું કહું તો જ્યાં રસ્તાથી લઈને ન્યૂઝ ચેનલ અને પરિવારના વોટ્સએપ ગ્રુપ સુધી બધે જ બૂમાબૂમ ચાલે છે ત્યાં કદાચ આવા ધીમા અવાજોની જરૂર છે. કદાચ ગરમી આપણને ધીમા થવા મજબૂર કરે છે, જેથી આપણે ફરી જીવનને સારી રીતે સાંભળી શકીએ.

તો કહો કે છેલ્લે ક્યારે તમે ઉનાળાની બપોરે શાંતિથી બેસીને તમારી ગલીનો શ્વાસ સાંભળ્યો હતો?

 અને હા, તમારો નિખાલસ ઉત્તર નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.

 (અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)

બુધવાર, 27 મે, 2026

બધી અદૃશ્ય પરીક્ષાઓ

કોઈ જોતું ન હોય ત્યારે પ્રગટે તે સાચું ચારિત્ર્ય

મધરાતે અસાઇન્મેન્ટ પૂરા કરનારા મારા પ્રિય પરાક્રમીઓ,

સૌપ્રથમ તો તમને અભિનંદન. ગુજરાતની ગરમી હવે સત્તાવાર રીતે અણીદાર બની ગઈ છે. છતના પંખા હવે જીવનના અર્થ વિશે વિચારતાં હોય એવું ફરતા લાગે છે. બજારમાં કેરીઓ એવો આત્મવિશ્વાસ લઈને આવી છે જેમ ચૂંટણી પહેલાંના ઉમેદવારો આવે અને અમદાવાદના કોઈ ખૂણે હજી પણ કોઈ વિદ્યાર્થી YouTube પર શોધી રહ્યો છે “એક જ રાત્રે આખું સેમેસ્ટર કેવી રીતે પૂરું કરવું, તે પણ ગભરાયા વગર?”

બેટા, જો એવો વીડિયો ખરેખર કામ કરતો હોત ને, તો સોક્રેટિસે પણ એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દીધી હોત! આજકાલ નકલ કરવી ભયંકર સરળ બની ગઈ છે. Artificial Intelligence, hidden tabs, smart watches, copied assignments અને forward થયેલા PDFs એ બેઈમાનીને ગરમ ભાખરી પર માખણ જેવી સરળ બનાવી દીધી છે. એક ક્લિક અને એવો નિબંધ તૈયાર કે જે લખનારના દાદા કરતાં પણ વધુ સમજદાર લાગે!

સોક્રેટિસના નામે એક વાત કહેવાય છેઃ એક વિદ્યાર્થીએ તેમને પૂછ્યું કે વિશ્વાસ કેવી રીતે જન્મે?

સોક્રેટિસે કહ્યું કે વિશ્વાસ મોટા ભાષણોમાં કે જાહેર વખાણોમાં નથી બનતો. વિશ્વાસ તો એ નાજુક અને અદૃશ્ય પળોમાં બને છે જ્યારે માણસ સરળતાથી ખોટું કરી શકે તેમ હોય છતાં સાચું કરવાનું પસંદ કરે.

બસ, એ જ છે સાચી વિશ્વસનીયતા, ભરોસાપાત્રતા, કે સાચું ચારિત્ર્ય.

પ્રિન્સિપાલની ખુરશી નહીં,
Instagram પરની blue tick નહીં,

કે LinkedIn પર લખેલું “Future Leader | Visionary | Innovator” પણ નહીં,

ચારિત્ર્ય તો ચૂપચાપ જન્મે છે-
એ વિદ્યાર્થીમાં જેને ભૂલથી વધારાના ગુણ મળી જાય ત્યારે સુધરાવે, 

એ મિત્રમાં જે WhatsApp groupમાં paper leak કરવાનું નકારે,      
એ શિક્ષકમાં જેમને જાણ થાય કે તેમનાથી ઓછા ગુણ અપાયા છે  ત્યારે સાહજિકતાથી સુધારે, 
એ સંશોધકમાં જે plagiarism software પકડી ન શકે તો પણ સચ્ચાઈથી લખે,
એ દુકાનદારના દીકરામાં જે વસ્તુનું વજન ઈમાનદારીથી કરે,
અને એ સંપન્ન વિદ્યાર્થીમાં  જે canteenના સેવક સાથે પણ CEO જેટલો જ આદર રાખે.

આ બધી અદૃશ્ય પરીક્ષાઓ છે. જીવનને marksheet કરતાં આવી બાબતો વધુ લાંબા સમય સુધી યાદગાર બનાવે છે. ગાંધીજી કહેતા કે “સાધન પણ એટલું જ મહત્વનું છે, જેટલું સાધ્ય.” આજની ભાષામાં કહીએ તો અર્થ એવો થાય કે “સફળ થવા માટે પોતાનો અંતરાત્મા ધીમે ધીમે વેચી નાંખશો નહીં.”

હા, દુનિયા ક્યારેક shortcutsને ઇનામ આપે છે. તમે જોશો કે લોકો ઝડપથી પૈસા કમાય છે, ઝડપથી famous થાય છે, ઝડપથી viral થાય છે, ઝડપથી પદોન્નત થાય છે. આ ઝાકઝમાળ ભ્રમિત કરી શકે છે પણ યાદ રાખજો કે માણસનું ચારિત્ર્ય બનતા તો વરસો લાગે છે. ટેક્નોલોજીના નૂતન આવિષ્કારો આપણને આકર્ષી શકે છે. એ સાચું છે કે ટેકનોલોજી પોતે દુશ્મન નથી. છરીથી ફળ પણ કપાય અને ઇજા પણ થાય. AI તમને સુંદર રીતે શીખવી પણ શકે અને ભણવાનું ટાળવામાં મદદ પણ કરી શકે. સાધન આધુનિક હોઈ શકે, પણ અંતરાત્માએ પ્રાચીન જ રહેવું જોઈએ.

મને ખબર છે, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ બે-બે દુનિયા વચ્ચે જીવતા હોય છે.
કોઈ પરિવારની દુકાન સંભાળ્યા પછી classમાં આવે છે.
કોઈ ગામડાંમાંથી નબળું internet હોવા છતાં મજબૂત સપનાઓ લઈને આવે છે.
કોઈ night shift પછી lecturesમાં બેસે છે.
કોઈ memes અને emojis પાછળ પોતાની ચિંતા છુપાવે છે.
અને કોઈ એવા પણ છે કે જેમને પૈસાની કોઈ કમી નથી પણ જીવનનો અર્થ શોધવામાં હજી ભટકે છે.

આ બધી મુસાફરીઓમાં, પ્રામાણિકતા તમારો સૌથી શાંત અને સાચો સાથી બને છે. કારણ કે એક દિવસ-
તમારી degree દિવાલ પર લટકશે.
તમારો પગાર વધશે-ઘટશે.
તમારા followers આવશે-જશે.

પણ તમે કોઈ જોતું ન હોય ત્યારે જે માણસ બન્યા હશો એ માણસ આખી જિંદગી તમારી બાજુમાં ઉપસ્થિત રહેશે.

તો હવે પછી copied assignment submit કરતાં પહેલાં અથવા સરળ shortcut લેતા પહેલાં, તમારી જાતને ધીમેથી પૂછજોઃ જો કોઈ વખાણે નહીં, કોઇ વખોડે નહીં, કોઇ નોંધ પણ લે નહીં અને કોઈને ખબર પણ ન પડે તેવી સ્થિતિમાં પણ હું મારી જાતનો આદર કરી શકીશ? મારા પ્રિય વિદ્યાર્થીઓ, આ પ્રશ્નનો જવાબ જ તમારી સાચી કેળવણી છે.

અને હા, આગામી પત્ર વાંચવા માટે આ બ્લોગને Follow કરવાનું ન ભૂલશો.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે

-ભરત જોશી “પાર્થ મહાબાહુ”

(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)

રવિવાર, 24 મે, 2026

શર્ટ અને સ્મિતની પાછળ સંતાડેલું ચોમાસું

"દિલ માંગે મોર" કે "દિલ હૈ કિ માનતા નહીં"
-ભરત જોશી “પાર્થ મહાબાહુ”

ગયા અઠવાડિયે હું બસ સ્ટેશન પાસેની એક ચાની કીટલી પર બેઠો હતો. એવી જગ્યા, જ્યાં ચાની ચુસ્કીમાં થોડો બંડખોરીનો સ્વાદ હોય. આસપાસ છ લોકો એક જ ટેબલ પર બેઠા હતા પણ કોઈ વાત નહોતું કરતું. બધાના હાથમાં ફોન હતા. અંગૂઠા દોડતા હતા. ચહેરા પર નીલી ઝાંય અને એવી શાંતિ, જાણે કરફ્યૂ લાગી ગયો હોય. એ વખતે મારા મનમાં પ્રશ્ન થયો કે માણસો આટલા નજીક હોવા છતાં આટલા બધા એકલા કેમ લાગે છે? 
આપણે આખો દિવસ વાતો કરીએ છીએઃ 
“પહોંચી ગયો?”
“થઈ ગયું?”
“જમ્યા?”
“LOL.”
“PDF મોકલ.”
ફોન full છે, પણ અંદર સાવ ખાલીપો વાગે છે. દુઃખ શાંતિનું નથી. દુઃખ એ છે કે આજકાલ અવાજ ઘણો છે, પણ તે અવાજમાં આત્મા ગાયબ છે.
 
“દિવ્ય ભાસ્કર” દૈનિક(21/05/2026)માં પ્રગટ થયેલા એક અહેવાલે મારા વિચારોને વેગ આપ્યો તેથી આ લખાયું. આપણા આજકાલના સંવાદ ફૂટપાથની ચાઇનીઝ વાનગી જેવા થઈ ગયા છે, ગરમ, ઝડપી, મસાલેદાર. પૌષ્ટિક નહીં, પણ સ્વાદિષ્ટ. આપણે બ્રશ કરતાં કરતાં મેસેજ કરીએ છીએ. ક્રિકેટના હાઇલાઇટ્સ જોતા જોતા પ્રેમીની વાતનો જવાબ આપી દઈએ છીએ. પ્રેમ પણ હવે ખૂબ “કાર્યક્ષમ” બની ગયો છે.
“Take care.”
“Miss you.”
“Good night ❤️”
કૉપી-પેસ્ટ-ફરી એ જ.
ક્યારેક લાગે છે આજકાલની વાતો એરપોર્ટની જાહેરાત જેવી થઈ ગઈ છે, અવાજ ઝાઝો અને અર્થ ઓછો; સાવ છીંછરું કારણ કે ઊંડાણ માટે સમય જોઈએ અને આજકાલ સમયને લોકો VVIP માણસ જેવું સન્માન આપે છે, નામથી બધા જાણે, પણ મળે બહુ ઓછાને. સાચી વાતચીત ઉતાવળમાં થતી નથી. બે Instagram Reel વચ્ચે તમે કોઈનું દુઃખ સમજી શકો નહીં. “Seen at 11:43 PM” માં કોઈનું એકાંત વાંચી શકાય નહીં. માણસો Notification નથી. આપણે શર્ટ અને સ્મિતની પાછળ આખે આખાં ચોમાસાં સંતાડી રાખીએ છીએ. એક સમય હતો જ્યારે આપણી સંસ્કૃતિને સાથે બેસવાની કળા હસ્તગત હતી. કોઈ દેખાડો નહીં, કોઈ ઔપચારિકતા નહીં, ફક્ત સાથે બેસવું. જૂના ભારતીય ઘરો યાદ કરો. ઉનાળાની રાતે  છત પર પાથરેલાં ગાદલા હોય. એક ટેબલ ફેન ગુજરાતની ગરમી સામે શૂરવીરની જેમ લડી રહ્યો હોય. કોઈ અથાણાની કેરી છોલતું હોય. કોઈ જૂના સગાંના કિસ્સા સંભળાવતું હોય, જેને કોઈ પસંદ ન કરતું હોવા છતાં બધાને એની ચર્ચા ગમતી. બાળકો સૂઈ ગયાનું નાટક કરતાં હોય, પણ કાન બધું સાંભળતાં હોય. એ વાતો ક્યારેક બકવાસ જ હોતી, લાંબી હોતી, ગોળગોળ ઘુમતી હોતી, પણ જીવંત હોતી.
આજે ઘણા ઘરોમાં ડિનર વખતે Netflix બધા ઉપર બોસ બની છવાયેલું હોય છે. બધા હાજર છે,
પણ અંદરથી દરેક માણસ અલગ દુનિયામાં છે. જો કે ટેકનોલોજીને બધો દોષ દેવો યોગ્ય નથી.
ટેકનોલોજી રસોડાની છરી જેવી છેઃ ઉપયોગી પણ, જરૂરી પણ, અને બેદરકારીમાં જોખમી પણ.
એ જ ફોન એક દીકરાને દુબઈથી પોતાની માને વીડિયો કૉલ કરાવે છે, અને એ જ ફોન બાજુમાં બેઠેલા માણસને અવગણવાનું બહાનું પણ આપે છે. બેધારી તલવાર છે, ભાઈ.
હવે થોડો કડવો સવાલ.
આપણે સાચુકલા સંવાદથી ભાગીએ છીએ કેમ? ઊંડાણથી આપણે ડરીએ છીએ કેમ? કારણ કે ઊંડાણ માણસને ખુલ્લો પાડી દે છે. સાચો સંવાદ માત્ર “small talk” નથી, એ તો અંદરનું ખોદકામ છે. ત્યાં જૂના ઘા મળી શકે, અસુરક્ષા મળી શકે, એકાંત મળી શકે. ત્યાં એ ભય પણ હોય કે “કોઈ મને ખરેખર સમજી શકશે?” આ ભય નવો નથી, સદીઓ જૂનો છે. મહાભારતનું યુદ્ધ માત્ર લાલચનું પરિણામ ન હતું. તે યુદ્ધ લોકો એકબીજાને સાચે સાંભળતા નથી તેનું પરિણામ હતું. The Little Princeમાં એક બાળક સતત સરળ પ્રશ્નો પૂછે છે, અને મોટા લોકો લાગણીયુક્ત જવાબોને બદલે ગણતરીયુક્ત જવાબો આપે છે. વાર્તા બધે એક જ છે. માણસો બસ recognition યાને આદર કે સ્વીકારના ભૂખ્યા છે. Attention અને Recognition માં ફરક છે. Attention એટલે “મને તારી ખબર છે.”  જ્યારે Recognition એટલે “હું તારું મૌન પણ સમજી શકું છું.” તફાવતની આ વાત હૃદયમાં વસી જાય એવી છે, નહીં?
ક્યારેય ધ્યાન આપ્યું છે કે કોઈ તમને ખરેખર સાંભળે ત્યારે શું થાય છે? કોઈ માણસ તમને હૃદયપૂર્વક સાંભળે ત્યારે હળવાશ અનુભવાય છે, અવાજ નરમ થઈ જાય છે, શ્વાસ ધીમા અને નિયમીત થઈ જાય છે. આનું કારણ એ છે કે માણસનું મન મુંબઈની ભરચક લોકલ ટ્રેન જેવું છે. વિચારો આમ તેમ લટકતા રહે, ચિંતા ધક્કામુક્કી કરતી રહે, નર્યો ઘોંઘાટ જ ઘોંઘાટ. સાચો સંવાદ તે ટ્રેનમાં અચાનક એક બારી ખોલી દે છે અને તેથી થોડી હવા આવે છે. એટલા માટે જ ટ્રેનમાં અજાણ્યા લોકો સાથે ક્યારેક કલાકો સુધી વાત થઈ જાય છે. કોઈ ફિલ્ટર નહીં, કોઈ દંભ નહીં, ફક્ત માણસાઈ. બાળકોને આ વાત સહજ રીતે સમજાય છે. એક નાની કે નકામી ઘટના માટે પણ તેઓ પંદર મિનિટ બોલી શકે કારણ કે તેઓ માહિતી નથી આપતા, લાગણી વહેંચે છે. મોટા થાય ત્યારે લોકો આ કળા ભૂલી જાય છે. આપણે વાતચીતને “ડેટા એક્સચેન્જ” બનાવી દીધી છે. જો કે હૃદય માહિતીથી નહીં, સ્વીકારથી તૃપ્ત થાય છે. તેથી ડિજિટલ નોંધ નહીં, સંવેદનશીલ સ્વીકાર જોઇએ.
 ધ્યાન દેવા જેવી વાત એ છે કે શિક્ષણ જવાબ આપતા શીખવે છે, વાતચીત કે સંવાદ કરતા નહીં.
નિશાળમાં “મારો પ્રિય તહેવાર” વિષય પર નિબંધ લખતા શીખવાય છે પણ કોઈ એ શીખવે છે કે-
“હું અંદરથી તૂટી રહ્યો છું” કેવી રીતે કહેવું?
“મને ડર લાગે છે” કેવી રીતે સ્વીકારવું?
“મને મદદ જોઈએ” કેવી રીતે બોલવું?
ઘણા લોકો મોટા તો થઈ જાય છે, કદાચ સફળ પણ બની જાય, પણ પોતાની લાગણીઓ સાથે પ્રામાણિક સંવાદ કરવાની ભાષા શીખી શકતા નથી. એટલા માટે જ કેટલીક મૈત્રીઓ ઓક્સિજન સિલિન્ડર જેવી લાગે છેઃ દુર્લભ, જીવનદાયી, અને પવિત્ર. જે મિત્ર સલાહ આપવાની ઉતાવળ કર્યા વગર સાંભળે છે એની કિંમત LinkedIn પર મોટી મોટી પ્રેરણાત્મક પોસ્ટ મૂકનારાઓ કરતાં ઘણી વધારે હોય છે.
 
ક્યારેક લાગે છે કે સંવાદ દિવ્ય છે,પવિત્ર છે. આ અર્થમાં સાંભળવું એ ભક્તિ છે, આધ્યાત્મિક અનુભવ છે. આધ્યાત્મ કાંઇ અગરબત્તી પેટાવવી અને WhatsApp પર “જય શ્રીકૃષ્ણ” મોકલવાનું નામ નથી.
ક્યારેક આધ્યાત્મ એટલું જ હોય છે કે કોઈને સંપૂર્ણ રીતે સાંભળીએ, પોતાનો જવાબ તૈયાર કર્યા વગર અને વચ્ચે અટકાવ્યા વગર. સામેવાળાના દુઃખને પોતાના ‘ભાષણ’માં ફેરવ્યા વગર. સંતો, કવિઓ અને દાદીમાઓ આ કળા જાણતા હતા. કોઈ માણસને સાચે સાંભળવામાં આવે, ત્યારે દુનિયા થોડું પરિવર્તન પામે છે. છોડ પણ પ્રેમથી વાત કરો તો સારાં ઉગે છે. વળી, માણસ તો છોડ કરતાં પણ નરમ છે, બસ દંભ ઝાઝો કરે છે.
 
અંતે માણસને શું યાદ રહે છે? જીવનના અંતે કોઈ ગર્વથી એમ નહીં કહે કે “સદભાગ્યે મેં ૧૧ હજાર ઈમેઇલના જવાબ આપ્યા હતા.” લોકોને વાતો યાદ રહેશેઃ
એકાંતમાં કરેલી કોઈ સચ્ચાઈભરી કબૂલાત.
લાઇટ જતી રહે ત્યારે થયેલું હાસ્ય.
કોઈ મિત્રનું એ કહેવું કે “તું મજામાં હોવાનું નાટક કરી રહ્યો છે ને?”
આ જ સાચી સંપત્તિ છે. Followers નહીં, Blue Tick નહીં, Productivity નહીં, પણ ઊંડાણ, આત્મિયતા, અર્થપૂર્ણતા.
તો હવે સવાલ કદાચ એ નથી કે આપણે કેટલી વાતો કરીએ છીએ. સાચો સવાલ એ છે કે આટલા ઘોંઘાટવાળી દુનિયામાં હજુ પણ કોણ છે જે ખરેખર હૃદયપૂર્વક સંવાદ કરવાની હિંમત રાખે છે?
 
તમારો નિખાલસ ઉત્તર નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.
અને હા, આગામી પોસ્ટ વાંચવા માટે આ બ્લોગને Follow કરવાનું ન ભૂલશો.
 
(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે. The Little Princeનું મુખપૃષ્ઠ Google.com પરથી લીધું છે. )
 

Top of Form

Bottom of Form

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts