વર્તમાન ક્ષણને જીવવાનો આનંદ
- ભરત જોશી “પાર્થ મહાબાહુ”
ગયા મહિને હું એક હિલ સ્ટેશન પર ગયો હતો. વાહ રે જગ્યા! સાંજનો આછી લાલિમા એવી છવાઇ હતી જાણે ડુંગરો પર કોઈ કવિતા પાથરી હોય. બાજુમાં ઉકળતી ચાની સુગંધમાં જૂની વાતોનો ગરમાવો હતો. નજીકમાં જ વાનરો પોતાની લોકલ રાજનીતિ ચલાવતા હતા અને ત્યાં એક પરિવાર ઊભો હતોઃ કેમેરા ખોલેલો ફોન હાથમાં રાખી સજ્જ પપ્પા, ગોગલ્સ સરખાં કરતી મમ્મી, સીરિયલના કલાકારો હોય એવી સ્માઇલ આપતાં બાળકો.હું અંદરથી હસ્યો, પણ
પછી એકદમ ચૂપ થઈ ગયો કારણ કે મને સમજાયું કે આવું તો હું પણ
કરું છું; અરે, આપણે બધાં જ કરીએ છીએ. હવે ફરવું એટલે જગ્યા
માણવી નહીં, પણ
દુનિયાને બતાવવું કે “હા ભાઈ,
અમે અહીં આવ્યા હતા!” સ્થળના આનંદ કરતાં પુરાવાનું સર્જન વધારે મહત્ત્વનું થઈ ગયું છે.
આપણા ફોન હવે
નાનકડા મ્યુઝિયમ બની ગયા છે. હજારો ફોટા પડ્યા છેઃ દરિયા કિનારો,
જન્મદિવસ, સ્ટેશનના પ્લેટફોર્મ, અડધો ખાધેલો પિઝા, ટ્રાફિક
જામ અને એવા વાદળો કે જે સાત સેકન્ડ માટે “સિનેમેટિક” લાગ્યા હતા. પણ
સાચું કહોઃ કેટલી ક્ષણો એવી છે જે તમને ગેલેરી ખોલ્યા વગર
યાદ આવે? ઘણી વાર
હું જૂના ફોટા જોઉં ને તો લાગે કે “આ માણસ હું
જ હતો?” શરીર તો
ત્યાં હતું, પણ મન? ખબર નહીં ક્યાં
ફરતું હતું. ક્ષણોને ખરેખર જીવવામાં અને ક્ષણોની તસ્વીરો ભેગી કરવામાં ઘણો ફરક છે.
એકથી દિલ
ભરાય, બીજું ફક્ત મેમરી ભરે અને ફોનની મેમરી તો હંમેશાં
“સ્ટોરેજ ફુલ” બતાવે જ.
પહેલાનાં
પ્રવાસવર્ણનો વાંચો. તેમાં નદી ફક્ત “લોકેશન” ન હતી, એ જીવંત સંવેદના હતી. રસ્તો ફક્ત પૃષ્ઠભૂમિ ન હતો, એ માણસને અંદરથી બદલી નાખતો હતો. હવે આપણામાંના ઘણા લોકો Wi-Fi વાળા પ્રવાસી બની
ગયા છે. આવ્યા, પોઝ આપ્યો, અપલોડ કર્યું અને નીકળી ગયા.
યાત્રી અલગ હોય છે, એ બેસે છે, જુએ છે, આત્મસાત કરે છે. તે મંદિરની
સીડીઓ પાસે શાંતિથી બેસી રહે.
જીવનને પી જવાની કળા આપણે ક્યાં ગુમાવી દીધી? હવે તો ક્ષણ સાચી લાગતી જ નથી જ્યાં સુધી કોઈ “લાઈક” ન કરે.
આપણે એવાં કંટાળેલા કાકા પણ ન બની જઈએ કે જે આખો દિવસ મોબાઇલને દોષ આપે અને સાંજે વોટ્સએપ પર “આદુથી કેન્સર ભાગે” જેવા મેસેજ ફોરવર્ડ કરે. ટેક્નોલોજી ખરાબ નથી. તે ઉત્તમ નોકર છે, પણ ખરાબ માલિક.
એક સમય હતો જ્યારે
કેમેરા યાદોને પકડી રાખતો. હવે તો ઘણી વાર યાદો કેમેરાની પરવાનગી વગર જન્મતી જ
નથી.
મનની કમાલ એ છે કે જ્યારે આપણે સતત બધું રેકોર્ડ કરતા રહીએ, ત્યારે તે અંદરથી ઊંઘી જાય છે, જેમ વિદ્યાર્થી “PDF તો મળી જ જશે.” એ જાણી લે પછી શ્રવણમાં ધ્યાન ન દે. ફોનથી યાદશક્તિનું આઉટસોર્સિંગ થાય છે અને અનુભવ પાતળો થતો જાય છે.
એક બાળક સીધું
આતશબાજી જુએ તો એને આશ્ચર્ય યાદ રહેશે, પણ ફોનની સ્ક્રીનમાંથી જુએ તો કદાચ એને
બેટરી પરસેન્ટેજ વધારે યાદ રહેશે! આ જ તો દુઃખ છે. મોટું
ફિલ્મી દુઃખ નહીં, નાનું રોજિંદું દુઃખ, જે ધીમે ધીમે અંદર ઘૂસી જતું હોય છે.
નિશાળોમાં કુદરતી સૌંદર્યના નિબંધ માટે ગુણ મળે, પણ ઝાડ નીચે
શાંતિથી બેસી પક્ષીનો કલશોર સાંભળવાના ગુણ ન મળે.
એક યાદ.
આપણી જૂની પરંપરા
વારંવાર એક જ વાત કહેતી આવી છે કે ‘હાજર રહો’. પૂજા હોય, ભજન હોય કે સાંજનો દીવો- ધ્યાનથી જુઓ તો વાત એક
જ છે. જીવન ‘અત્યારે’ છે, રીપ્લેમાં નહીં, સ્ટેટસમાં
નહીં, અત્યારે. નદી કિનારે બેઠેલા સંત
અને કેરી ખાતું બાળક બંનેમાં એક વાત સરખી છેઃ પૂરું ધ્યાન,
કોઈ દેખાડો નહીં, કોઈ પ્રેક્ષકને પ્રભાવિત
કરવાની ઝંખના નહીં. માત્ર વર્તમાનમાં હાજરી. કદાચ
એટલા માટે બાળપણની યાદો ખૂબ જીવંત લાગે છે. ત્યારે કેમેરા ઓછા હતા અને જિજ્ઞાસા વધારે. આપણે વસ્તુઓને
સ્પર્શતા હતા, સૂંઘતા હતા. ત્યારે ખરેખર પડતા હતા, શારીરિક
રીતે, માત્ર ઇમોશનલ નહીં.
એક વખત એક પુત્રે લાંબી મુસાફરી પછી તેની માતાને અઢ્ઢી સો ફોટા બતાવ્યા. એ શાંતિથી બધું જોઈ રહી. પછી પૂછ્યું, “સારું… પણ તને મજા આવી કે નહીં?” તે પહેલા હસી પડ્યો. પછી તરત ચૂપ થઈ ગયો કારણ કે સાચો જવાબ તેની પાસે નહોતો. ઘણી વાર આપણે પોતાની જ જિંદગીના ફોટોગ્રાફર બની જઈએ છીએ, જીવન જીવતા માણસ નહીં. જાણે ક્રિકેટના કોમેન્ટેટર, બોલે બહુ, રમે નહીં.
હવે ક્યારેક એવું થાય કે કોઈ ક્ષણ બહુ સુંદર લાગે, તો હું તરત ફોન કાઢતો નથી. હંમેશાં નહીં હા! હું હિમાલયનો સાધુ નથી. આજે પણ ઘણીવાર જમતા પહેલાં થાળીનો ફોટો લઈ લઉં છું. મારી અંદર માણસ હજી જીવે છે, પણ ક્યારેક હું થોભું છું. ક્ષણને જેવી છે તેવી સીધી મનમાં બેસવા દઉં છું અને અજબ વાત એ છે કે એવી ક્ષણો જ સૌથી લાંબા સમય સુધી સ્મૃતિમાં ટકી રહે છે. જેમ કે -
અચાનક પડેલા વરસાદમાં
રોડસાઇડ ચા.
એ યાદ કરવાની કદાચ જરૂર
નથી કે આપણે કેટલી જગ્યાએ ગયા, યાદ એ કરીએ કે કેટલી ક્ષણોમાં
‘ક્લિક’ દબાવ્યા પહેલાં આપણે ખરેખર 'હાજર' હતા.”
તમારો નિખાલસ પ્રતિભાવ નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.
(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)
