સ્ટીલની થાળીની મઘમઘતી ફિલોસોફી
-ભરત જોશી “પાર્થ મહાબાહુ”
આપણા
પરિવારોમાં “જમ્યો કે નહીં?” એ અજબ પ્રશ્ન વાક્ય વારંવાર સંભળાય છે, “કેમ
છે?” કરતાં પણ વધારે કે “ખુશ છે ને?”
કરતાં પણ વધારે. “તારા હૃદયની વાત મુક્ત મનથી કર” એ વાક્યથી તો બહુ વધારે વાર, ફક્ત ત્રણ શબ્દો “જમ્યો કે નહીં?” ઉપયોગમાં આવે છે. આપણા ઘરમાં પ્રેમ કવિતાની જેમ નથી આવતો, એ તો
સ્ટીલની થાળીમાં આવે છે, ક્યારેક થોડી વાંકી થાળી, ક્યારેક તવા પરથી ઉતરેલી ગરમ રોટલી સાથે અને ઘણીવાર સાથે એક ચિંતાયુક્ત ચેતવણી પણ હોય: “હવે ખાઈ લે. પછી કહેશે નબળાઈ લાગે છે.” આપણી પ્રેમની ભાષા આવી જ છે. ડાળખીવાળું
ગુલાબ નહીં, લાંબા વાર્તાલાપ નહીં, ફિલ્મમાં હોય તેવાં રેલ્વે સ્ટેશન કે એરપોર્ટવાળા સ્લો મોશનમાં દોડતા આલિંગન નહીં. અહીં
તો એક વધારાની રોટલીમાં આખો પ્રેમ છુપાયેલો હોય છે અને મજાની વાત એ છે કે એ
રોટલીમાં ક્યારેક આખી કવિતા જેટલું લાગણીભર્યું વજન હોય છે.
તમે કોઈપણ માતાને ધ્યાનથી જોજો. એને ભૂખની ખબર બીજા રૂમમાંથી પડી જાય. ક્યારેક તો બીજા શહેરમાંથી પણ. તમે આત્મવિશ્વાસથી કહેશો: “મમ્મી, બસ. પેટ ભરાઈ ગયું.” એ તમારી સામે એ રીતે જોશે જેમ કોઈ જજ નબળી દલીલ સાંભળતા હોય. પછી એક આક્રમણ આવે: “ આ થોડું ચાખી તો જો.” અને એ “થોડું” આખા ગામને પૂરતું થાય એટલું હોય. આવું શા માટે? શા માટે આપણા માતા-પિતા ભોજનને લાગણીનો માપદંડ માને છે? કારણ કે એમણે એવો સમય જોયો છે જ્યાં ‘અભાવ’ આજની જેમ માત્ર સમાચારનો શબ્દ નહોતો, પરંતુ એ જીવનનો સામાન્ય અનુભવ હતો. લાંબી લાઇનોમાં ઊભા રહી રેશન કાર્ડથી મળતી વસ્તુઓ, વહેંચીને ખાધેલા કેરીના કટકા, વર્ષમાં કોઇક જ વાર મળતી મીઠાઈ એ એમના જીવનની સચ્ચાઇ હતી. એમને માટે કોઈને ભરપેટ ખવડાવવું એ જેવી તેવી બાબત નથી, એ જીત છે, એ પ્રાપ્તિ છે, એ ઉપલબ્ધિ છે, એ પ્રાર્થના છે. પેટ ભરેલું હોય એટલે જીવન બરાબર ચાલે એ એમનો વિશ્વાસ છે. ખાલી થાળી એમને મન જીવનની અધૂરપ છે.
આપણા પરિવારો લાગણીઓનો દરિયો છે, પણ એ લાગણીઓને વ્યક્ત કરવાની રીત થોડી અનોખી છે. અહીં પ્રેમ ઊંડો હોય છે પણ શબ્દોમાં સીધો ઓછો વ્યક્ત થતો હોય છે. પિતા કદાચ ક્યારેય નહીં કહે: “મને તારા પર ગર્વ છે.” પણ પરીક્ષાની તૈયારી કરતાં સંતાન માટે છોતરાં ઉતારીને સંતરા ટેબલ પર મૂકી જશે. માતા “મેન્ટલ હેલ્થ” જેવા અંગ્રેજી શબ્દો નહીં બોલે. પણ પૂછશે: “શું થયું? આટલો સૂનમૂન કેમ છે? આવ, ગરમ ખીચડી ખાઈ લે.” આ ખીચડી એ ખોરાક નથી, એ તો લાગણીઓનો ફર્સ્ટ એડ મલમ છે. આજે દુનિયા “લવ લેન્ગ્વેજ” વિશે મોટી મોટી વાત કરે છે. આપણા ઘરોમાં તો એ વાત બહુ પહેલાંથી જીવાતી આવી છે. અહીં ‘કાળજી’- care બહુ પ્રેક્ટિકલ હોય છે. મમ્મી પાંચ મિનિટમાં તમારા વાળ, ઊંઘ અને કારકિર્દી ત્રણેયની સખત ટીકા કરી નાખે પણ એક વાર ખાંસી આવે ને તરત હળદરવાળું દૂધ હાજર. આ વિરોધાભાસ નથી, આ આપણા પરિવારોમાં માતાપિતાની રીત છે.
આપણાં
રસોડાં વિશિષ્ટ નિશાળો
છે, માનોને કે નાની યુનિવર્સિટી છે.
અહીં
ગણિત શીખવાય છેઃ “જમવામાં ચાર માણસ વધ્યા છે,
દાળમાં પાણી નાખી ઉકાળી લે.”
આપણા
ઉત્સવો પણ સ્વાદમાં જીવે છેઃ
દશેરાના ફાફડા-જલેબી.
શરદપૂનમનું ઊંધિયું અને દિવાળીના ઘૂઘરા.
ટેક્નોલોજી યાદોને “ક્લાઉડ”માં સાચવે છે, આપણે યાદોને સ્વાદમાં સાચવીએ છીએ. આપણે તો એ છીએ જે રાંધણ છઠ જેવા તહેવારો ઉજવીએ છીએ.
આ
બધી વાતો બહુ મજાની છે. આપણે ત્યાં મહેમાન આવે એટલે એમને એમ જમાડવામાં આવે જાણે આવતીકાલથી દુનિયામાં ખોરાક ખાલી થવાનો હોય. “થોડું
વધુ લો.” વળી એવો ઉત્તર મળે કે “ના
આન્ટી, બહુ
વધી ગયું.” તો તરત સાંભળવા મળેઃ “શું વધી
ગયું? હજી
કાંઈ ખાધું તો છે નહીં!”
અને પછી થાળીનો હાલ એવો થાય કે લગ્નના બફેને પણ શરમ આવી જાય. પાછી સૌથી મજાની વાત એ કે જે માતા-પિતા આ
રીતે ઘરમાં આગ્રહથી ખવડાવે, એ જ પાછા સગાઓને ગર્વથી કહે: “આજકાલ
મારો દીકરો કે દીકરી ‘ડાયટ’ પર છે.” આપણાં પરિવારોમાં ડાયટિંગ જીવનશૈલી ઓછી અને
પરિવારની ચર્ચાનો મુદ્દો વધારે લાગે. તમે કહો: “હવેથી
હું ગળ્યું ઓછું ખાઈશ.” તો મમ્મીને સંભળાય: “લાડવા બનાવોને.”
આજે
ઘણા યુવાનો ઘરથી દૂર રહે છે. હોસ્ટેલ, પીજી,
મોટા શહેરો, કે વિદેશ પણ
હવે સામાન્ય છે. સંસ્કૃતિ બદલાઇ છે. હવે ખાવાનું એપથી આવે છે, ઝડપથી મળે છે પણ એમાં ઘરનો સ્પર્શ નથી.
કોઈ મોબાઇલ એપ પૂછતી નથી: “બેટા, બરાબર ખાધું કે ખાલી નાસ્તો કરીને બેસી ગયો?” કોઈ ડિલિવરી બોય તમે નાસ્તો ન કરો –(બ્રેક ફાસ્ટ સ્કીપ કરો,
યુ નો) તો ખીજાતો નથી. આધુનિક જીવન શૈલીએ
ખાવાને સરળ બનાવી દીધું છે. સરળતા ઘણી વખત ‘COOL’ હોય છે પરંતુ પ્રેમ થોડા ગોટાળાવાળો
હોય છે. પ્રેમ આગ્રહ કરે છે: “એક રોટલી વધુ ખાઈ
લે.”
આપણે
મોટાં બલિદાનની વાર્તાઓ બહુ સાંભળીએ છીએ પણ સામાન્ય પ્રેમ પણ કવિતા લાયક હોય છેઃ
રાત્રે
દીકરી ઘરે આવે ત્યાં સુધી જાગતી માતા.
રવિવારે અચાનક ગરમ જલેબી લઈને આવતો પિતા.
અને દાદી, જે ગુપ્ત રીતે સૌથી મોટો કેરીનો કટકો
એક ખાસ પૌત્ર માટે રાખે.
જીવનની સમૃદ્ધિ મોટા પ્રસંગોથી ઓછી અને આવી નાની બાબતોથી વધારે હોય છે. દરેક પ્રેમકથાને બેકગ્રાઉન્ડમાં ફિલ્મો જેમ સંગીતની જરૂર નથી હોતી, ક્યારેક ફક્ત એટલું પૂરતું હોય છે કે કોઈને યાદ હોય કે તમને શાકમાં મરચું ઓછું ગમે છે અને તમને આદુવાળી ચા પસંદ છે.
કદાચ
આપણા માતા-પિતા પ્રેમને ભોજનથી મૂલવે છે કારણ કે ભોજન સ્પર્શી શકાય એવું છે. ઘણીવાર શબ્દો
ખૂટી પડે કે સલાહ અણગમો લાવે કે હગ (આલિંગન) વિચિત્ર લાગે પણ કોઈને ખવડાવવામાં આશંકા નથી રહેતી. તે વાસ્તવિક છે, વર્ચ્યુઅલ નહીં.
આપણો
પ્રેમ મોટી જાહેરાતોથી નહીં, રસોડામાંથી આવતા
સાધારણ અવાજથી પમાય છે:
ઇમેઇલઃ parthmahabahu@gmail.com મોબાઇલઃ 9825684454
વાહ સર, “જમ્યો કે નહીં?” જેવી સાદી વાતમાં છુપાયેલો પ્રેમ ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આપણું રસોડું અનાયાસે અને સહજતાથી કેટલું બધું શીખવી જાય છે તે આપે બહુ જ સરળ ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે.
જવાબ આપોકાઢી નાખોકપિલભાઇ, આભાર. તમે રસપૂર્વક જૂઓ છો તે આનંદ આપે છે.
કાઢી નાખોસાચે જ સર માતા-પિતા ની પ્રેમ બતાવવાની રીત જ અનોખી.એ તો માતા દ્વારા પિરસાતી પ્રેમની પૂરણપોળી ખાય અએને જ સમજાય...
જવાબ આપોકાઢી નાખોસાચી વાત છે.
કાઢી નાખોમુકેશ મહેતા
જવાબ આપોકાઢી નાખોખૂબ સંવેદનશીલ અને અત્યંત સૂક્ષ્મ રીતે અનુભવાયેલ લાગણીઓને સરસ રીતે બ્લોગ દ્વારા પ્રસ્તુત કરેલ છે. વાંચીને આ બધું આપણે અનુભવેલું છે પણ ત્યારે આ વાત સમજાતી ન્હોતી કે સમજવા માગતા ન્હોતા તેવી લાગણીઓ નાના નાના પ્રસંગો દ્વારા સચોટ રીતે સમજાવેલ છે. મજા આવી..
આભાર, મિત્ર!
કાઢી નાખોBharat Panchal very nice observations
જવાબ આપોકાઢી નાખો