Menu

બુધવાર, 25 નવેમ્બર, 2026

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ, પાંખો આપે દિશા!

AI generated image.

મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો,

કેમ છો સૌ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વૃક્ષને ધ્યાનથી જોયું છે? એની ડાળીઓ ઝૂલે છે, પાંદડાં ફફડે છે, થડ પણ પવનના તાલે થોડું નમી જાય છે. છતાં વૃક્ષ અડીખમ ઊભું રહે છે. એનું કારણ માત્ર થડની મજબૂતી નથી, ધરતીના પેટાળમાં શાંતિથી ફેલાયેલાં એનાં મૂળિયાં છે. ડાળીઓ આકાશને આંબવાનું સ્વપ્ન જુએ છે, પણ મૂળિયાં એને ધરતી સાથે જોડી રાખે છે.

આપણા જીવનની કેળવણી માટે પણ આ વાત કેટલી સુંદર છે! મૂળિયાં આપણને બળ આપે છે અને પાંખો આપણને દિશા આપે છે. આજના સમયમાં આપણે આધુનિક બનવાની દોડમાં ક્યારેક આપણાં મૂળિયાંને જ જૂનાં પુરાણાં ગણીને બાજુ પર મૂકી દઈએ છીએ. બધાને આંતરરાષ્ટ્રીય ડિગ્રી જોઈએ, વૈશ્વિક કારકિર્દી જોઈએ, કૃત્રિમ બુદ્ધિ જોઈએ, સ્માર્ટ ક્લાસરૂમ જોઈએ અને ઇન્ટરનેટની ગતિ પણ એવી જોઈએ કે પવનને પણ શરમ આવે! આ બધું આવકાર્ય છે. આખરે, હું પણ તમને લેપટોપ છોડીને બળદગાડામાં બેસવાની સલાહ આપનારો પ્રોફેસર નથી! પરંતુ એક વાત યાદ રાખજો. ઉપકરણોને આધુનિક બનાવતાં બનાવતાં આપણે ક્યાંક આપણા સંસ્કારોને જૂના ન કરી નાખીએ.

આપણાં મૂળિયાં કોઈ સાંકળ નથી, જે આપણને આગળ વધતાં રોકે. એ તો આપણને દુનિયાના કોઈ પણ ખૂણે જઈને પણ આપણી ઓળખ જાળવી રાખવાનું બળ આપે એવો અદૃશ્ય આધાર છે. ભારતીય જ્ઞાન પ્રણાલી આપણને અનુભવ, ચિંતન અને જવાબદારીપૂર્વકના જીવનનું મહત્ત્વ સમજાવે છે. ‘વસુધૈવ કુટુંબકમ્’નો વિચાર આખી દુનિયાને એક પરિવાર માનવાની ઉદારતા શીખવે છે. જરા વિચારજો, આ વિચાર આપણને વૈશ્વિક બનવા માટે આપણી ઓળખ છોડવાનું નથી કહેતો; આપણી ઓળખ સાથે આખી દુનિયાને અપનાવવાનું શીખવે છે.

મહાત્મા ગાંધીના જીવનમાં આ જ સમજણનાં દર્શન થાય છે. તેઓ પોતાના સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યો સાથે ઊંડે સુધી જોડાયેલા રહ્યા, છતાં દુનિયાના નવા વિચારો અને અનુભવો માટે હંમેશાં ખુલ્લા રહ્યા. તેઓ સાંભળતા, પ્રશ્નો પૂછતા, પ્રયોગો કરતા અને જરૂર પડે ત્યારે પોતાનાં વિચારોમાં પરિવર્તન પણ લાવતા. પરંતુ એક વાત ક્યારેય ન ભૂલ્યા કે સગવડ એ જ સત્ય નથી અને સફળતા એ જ સાર્થકતા નથી. શિક્ષણક્ષેત્રે આ સમજણ ખૂબ જરૂરી છે. ચોકનું સ્થાન સ્માર્ટ બોર્ડ લે, પુસ્તકાલયમાં ડિજિટલ પુસ્તકો ઉમેરાય અને વર્ગખંડની સીમાઓ વર્ચ્યુઅલ દુનિયા સુધી વિસ્તરે એમાં કશું ખોટું નથી. પરંતુ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો માનવીય સંબંધ ક્યારેય જૂનો ન થવો જોઈએ. પોતાની ઓળખ અને મૂળિયાં સાથેનો મજબૂત સંબંધ વ્યક્તિને માનસિક સુરક્ષા આપે છે. જે યુવાનને પોતે ક્યાંથી આવ્યો છે એની સમજ હોય છે, તે ક્યાં જવું છે એ નક્કી કરવામાં વધુ આત્મવિશ્વાસ અનુભવે છે. વાવ-થરાદના કોઈ નાના ગામમાં ભણતો વિદ્યાર્થી હોય કે અમદાવાદની આધુનિક શાળામાં ભણતો યુવાન, બંનેનાં સ્વપ્નોનું આકાશ અલગ હોઈ શકે, પણ કોઈની જન્મભૂમિ તેની કલ્પનાશક્તિની સીમા નક્કી કરી શકતી નથી. યાદ રાખજો કે યુનિવર્સિટીમાંથી વિદાય લેવી એટલે ત્યાંથી મળેલાં મૂલ્યોને વિદાય આપવી એવું નથી. જીવન તમને ગમે તેટલા દૂર લઈ જાય, તમારી ઓળખ ઘડવામાં આ માટીનો, આ શિક્ષણનો અને આ સંબંધોનો હિસ્સો હંમેશાં રહેશે. વૃક્ષની ઊંચાઈ એની ડાળીઓથી દેખાય છે જ્યારે એની તાકાત તો જમીનની અંદર છુપાયેલી હોય છે. તમે એટલા ઊંચા ઊઠજો કે આકાશને આંબી શકો, પણ ધરતી સાથે એટલા જોડાયેલા રહેજો કે તમારી છાયામાં કોઈ બીજાનેય મોટાં થવાનું બળ મળી રહે.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ. સ્નેહ અને વિશ્વાસ સાથે વિરમું છું.  તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts