Menu

બુધવાર, 11 નવેમ્બર, 2026

સવાલોની સળગતી જ્યોત

જિજ્ઞાસા શ્વાસ લે ત્યાં સુધી શિક્ષણ જીવે

AI generated image.

શિક્ષણના વહાલા સહયાત્રીઓ,

કેમ છો સૌ? શિક્ષક તરીકેના મારા અનુભવમાં એક રસપ્રદ વાત સમજાઈ છે. વર્ગખંડમાં બહુ બધા પ્રશ્નો પૂછતા વિદ્યાર્થીઓ ક્યારેક શિક્ષકની ધીરજની કસોટી કરે છે, પરંતુ એકેય પ્રશ્ન ન પૂછતા વિદ્યાર્થીઓ તો શિક્ષકના આખા વ્યવસાયની કસોટી કરી નાખે છે! પ્રશ્નમાં એક અજબનું સૌંદર્ય છે. એ વર્ગખંડમાં પગ મૂકે છે, શાંતિથી ચાલતા પાઠમાં થોડી હલચલ મચાવે છે અને બદલામાં વિચારવાની નવી દિશાઓ આપી જાય છે. અફસોસ કે શાળા, કૉલેજ, યુનિવર્સિટી, પરીક્ષાઓ અને નોકરીની દોડમાં આપણે ધીમે ધીમે પ્રશ્નો પૂછવાનું ઓછું કરી દીધું છે. હવે આપણને જવાબ જોઈએ છે, એ પણ તૈયાર! શક્ય હોય તો PDFમાં, મહત્ત્વના મુદ્દા હાઇલાઇટ કરેલા અને પરીક્ષામાં લખી શકાય એવા! ટૂંકમાં IMP!!

અરે! ભાઈ, શિક્ષણ એટલે કોઈ ફોટો કોપી ઝેરોક્સ મશીન તો નથી ને! પ્રશ્નો પૂછવાનું ક્યારેય બંધ ન કરતા. વર્ગખંડમાં જિજ્ઞાસા ઓછી થાય ત્યારે શિક્ષણ ધીમે ધીમે એક નીરસ ઔપચારિકતા બની જાય છે. અભ્યાસક્રમ પૂરો થાય, પરીક્ષાઓ લેવાય, પરિણામો જાહેર થાય અને પ્રમાણપત્રો પણ મળી જાય; પરંતુ જો વિદ્યાર્થી વિચારતાં અને સવાલ કરતાં ન શીખે તો શિક્ષણનું એક મહત્ત્વનું કામ અધૂરું રહી જાય છે. આપણી જ્ઞાન પ્રણાલીમાં તો પ્રશ્નોત્તરીની સમૃદ્ધ પરંપરા છે. ઉપનિષદોમાં શિષ્યો પોતાના ગુરુઓને જીવન, સત્ય, જ્ઞાન અને આત્મા વિશે ગહન પ્રશ્નો પૂછે છે. નચિકેતાએ પણ સહેલા જવાબોથી સંતોષ માન્યો નહોતો. તેના એક પ્રશ્ને કઠોપનિષદમાં અદ્ભુત જ્ઞાનસંવાદને જન્મ આપ્યો હતો.

નઈ તાલીમ પણ આપણને સમજાવે છે કે શિક્ષણ માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી. તે  જીવન સાથે જોડાયેલી સમજણ અને ચારિત્ર્યનું ઘડતર છે. ગામના કૂવાનું પાણી ગંદું કેમ છે? ખેડૂતને પોતાના પરિશ્રમનું પૂરું વળતર કેમ નથી મળતું? દીકરીને શિક્ષણની સમાન તક કેમ અનિવાર્ય છે? આવા પ્રશ્નો પૂછતા વિદ્યાર્થીઓ જ સાચા અર્થમાં શિક્ષણના માર્ગે આગળ વધી રહ્યા હોય છે. આજે ટેક્નોલોજીએ માહિતીના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. ગૂગલ સેકન્ડોમાં હજારો જવાબ આપી શકે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો તમારી ચા ઠંડી થાય એ પહેલાં અસાઇનમેન્ટ પણ તૈયાર કરી આપે છે! પરંતુ જવાબ મળી જવો અને સાચા-ખોટાની સમજ કેળવાવી, એ બંને વચ્ચે મોટો તફાવત છે. એટલે જ વિચારશક્તિ અને વિવેકની જરૂર છે.

મારા વહાલા વિદ્યાર્થીઓ, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, પરિવારને આર્થિક ટેકો આપવા નોકરી કરતા હો, સંશોધન કરતા હો કે શિક્ષક તરીકે નવી પેઢીનું ઘડતર કરતા હો, તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય, જિજ્ઞાસાને ક્યારેય ગરીબ ન થવા દેતા. મારા શિક્ષકમિત્રો, ક્યારેક આપણે પણ આપણી પોતાની શિક્ષણપદ્ધતિને પ્રશ્ન કરીએ કે આપણે વિદ્યાર્થીઓને ચર્ચા કરવા પ્રેરિત કરીએ છીએ કે માત્ર શાંતિથી બેસીને સાંભળે તેવી અપેક્ષા રાખીએ છીએ? આપણે વિચારકો ઘડીએ છીએ કે માત્ર પરીક્ષામાં સરસ જવાબ લખી શકે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરીએ છીએ? યાદ રાખજો, જે શિક્ષક પોતે શીખવાનું બંધ કરે છે, તે હાજરીપત્રક સાથેનું હાલતું-ચાલતું સંગ્રહાલય બની જાય છે! શિક્ષણનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ ગણાવો જોઈએ કે હજી શું સમજવાનું, શોધવાનું અને સુધારવાનું બાકી છે, નહીં કે આપણે કેટલું ભણાવ્યું.

ચાલો, પ્રશ્નને હંમેશાં જીવંત રાખીએ. વર્ગખંડમાં, કાર્યસ્થળે, પરિવારમાં અને સૌથી પહેલાં પોતાના અંતરમાં પ્રશ્નો પૂછીએ; કોઈને હરાવવા માટે નહીં, પરંતુ સમજવા, શોધવા અને જીવનને થોડું વધુ સારું બનાવવા માટે. મારા વર્તમાન વિદ્યાર્થીઓ અને ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તમારી ડિગ્રીઓ જીવનના પૂર્ણવિરામ ન બને, પરંતુ તમારી જિજ્ઞાસાનું પ્રશ્નાર્થચિહ્ન બનીને જીવનભર તમને નવું શીખવા, વિચારવા અને વધુ સારા માનવી બનવા પ્રેરણા આપે તેવી અભ્યર્થના!

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ. સ્નેહ અને વિશ્વાસ સાથે વિરમું છું. ફરી એકવાર નૂતનવર્ષની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts