દરેક પુસ્તકની ઋતુ હોય છે અને દરેક વાચકનો સમય
![]() |
| AI generated image. |
જીવનના પ્રિય જિજ્ઞાસુ મુસાફરો,
કેમ છો સૌ? એક નાનકડી કબૂલાત કરું? એક શિક્ષકના કબાટમાં પુસ્તકોનાં ઢગલેઢગલા હોય, પણ એના જીવનને સૌથી વધુ સ્પર્શી જતું પુસ્તક એ જ હોય છે જે અણધાર્યા સમયે હાથમાં આવી જાય. જીવન દરેક વખતે જ્ઞાનના થોથા લઈને દરવાજે ટકોરા નથી મારતું. ક્યારેક તો એ કોઈ જૂના પુસ્તકનાં પાનાંમાંથી આપણને સાદ પાડે છે. કેટલાક પુસ્તકો માત્ર વાંચવા માટે નથી હોતા; એ આપણા જીવનમાં આવે છે, આપણી બાજુમાં બેસે છે અને ધીમેથી આપણા જીવનની દિશા બદલી નાખે છે.
હમણાં જ અમદાવાદમાં
પુસ્તકમેળો (October 24- November 01, 2026) યોજાઈ ગયો.
રંગબેરંગી મુખપૃષ્ઠો,
પુસ્તકોથી છલકાતાં સ્ટૉલ,
વાંચનપ્રેમીઓની ભીડ અને નવાં છપાયેલાં પુસ્તકોની એ મીઠી સુગંધ! જાણે હજારો
વાર્તાઓ એકસાથે કાનમાં કહેતી હોય,
“મને ઘરે લઈ જાઓ, તમારી સાથે
મારે કંઈક વાત કરવી છે!” માણસ ભલે મોબાઇલની સ્ક્રીનમાં ખોવાઈ ગયો હોય, પણ પુસ્તકનાં
પાનાંઓમાં ખોવાઈ જવાની મજા હજી મરી નથી એ વાત પુસ્તકમેળો આપણને યાદ કરાવે છે. પુસ્તકોની
સૌથી અદ્ભુત વાત આપણે એમને શોધીએ છીએ તે નહીં પણ પુસ્તકો
આપણને શોધી લે છે તે છે! કલ્પના કરો કે એક વિદ્યાર્થી દરરોજ બે કલાક બસમાં મુસાફરી કરીને કૉલેજ પહોંચે છે. એની બેગમાં પરીક્ષાની ગાઇડ,
ખાખરાનું અડધું પડીકું અને મિત્ર પાસેથી વાંચવા માગી લીધેલું The Alchemist છે. બસની મુસાફરીનો સમય પસાર કરવા એ
પુસ્તક ખોલે છે. તેમાં રસ્તાના ધૂળિયા વળાંકો અને પાનાંઓની વચ્ચે ક્યાંક એક
વાક્ય એના મનમાં એવી વાત જગાડે છે જે એણે લગભગ છોડી જ દીધી હતી. આ પુસ્તકમાં
એની પરિસ્થિતિ બદલવાની તાકાત નથી. પરંતુ તે પરિસ્થિતિને
જોવાની એની નજર બદલી નાખે છે. અથવા અમદાવાદમાં નોકરી કરતી એક યુવતીને જ જોઈ લો.
ડેડલાઇન, મીટિંગ, મોબાઇલનાં
નોટિફિકેશન અને સતત દોડધામ વચ્ચે એ વ્યસ્તતાને સફળતા માની બેઠી
છે. એ એક સાંજે મહિનાઓ પહેલાં ખરીદેલું પુસ્તક
હાથમાં લે છે. થોડાં પાનાં વાંચતાં જ એને સમજાય છે કે ખોટી દિશામાં દોડી દોડીને
થાકી જવું એ નિષ્ફળતા નથી.
મજાની વાત તો તે છે
કે એક જ પુસ્તક,
જીવનના જુદા જુદા પડાવે વાંચીએ,
ત્યારે એ જાણે જુદી જ વાત કરવા લાગે છે. પુસ્તક માત્ર છપાયેલા શબ્દોનો સમૂહ
નથી. એ ક્યારેક અરીસો બને છે,
ક્યારેક બારી અને ક્યારેક થાકેલા ખભા પર મૂકાયેલો હૂંફાળો હાથ. આપણા અનુભવો જ
વસ્તુઓના અર્થ ઘડે છે. નિષ્ફળતા વિશેની કોઈ વાર્તા આત્મવિશ્વાસથી છલકાતા કિશોરને
સામાન્ય લાગે પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થી માટે એ જ વાર્તા
જીવનનો આધાર બની શકે. વીસ વર્ષની ઉંમરે વિરહની કવિતા વધુ પડતી નાટકીય લાગે, પણ ચાલીસની ઉંમરે એ
જ કવિતા હૃદયમાં એવી રીતે ઊતરે કે જાણે કવિએ આપણા મનની વાત ચોરી લીધી હોય! પુસ્તક
બદલાયું નથી, વાચક બદલાયો છે.
આજના ડિજિટલ યુગમાં
સાચો પડકાર પુસ્તક શોધવાનો નથી. સાચો પડકાર તો એવું પુસ્તક વાંચવાની ધીરજ રાખવાનો
છે, જે આપણને વિચારતા
કરી મૂકે. પુસ્તકમેળો આપણને હજાર શક્યતાઓનો પરિચય કરાવે છે, પણ એક અર્થપૂર્ણ
પુસ્તક આપણને આપણી પોતાની ઓળખનો પરિચય કરાવી શકે છે. એટલે અમદાવાદની ધમધમતી
ગલીઓમાં રહેતા મારા વિદ્યાર્થીઓ હોય કે સૌરાષ્ટ્ર-કચ્છના દૂરવર્તી ગામડાંમાં ભણતા યુવાનો,
તમે કિન્ડલ પર વાંચો, ઉછીનું લીધેલું પુસ્તક વાંચો કે હોસ્ટેલના ઓરડામાં ઝાંખા અજવાળે વાંચો, એક વાત યાદ રાખજો કે
તમારી વાંચનયાત્રા બીજાની વાંચનયાત્રા જેવી હોય તે જરૂરી
નથી. કેટલાંક પુસ્તકો આપણે તૈયાર હોઈએ છીએ ત્યારે આપણી પાસે આવે છે જ્યારે કેટલાંક પુસ્તકો આપણને તૈયાર કરવા આવે છે. આપણા
જીવનમાં દરેક સારા પુસ્તકનું આગમન યોગ્ય સમયે જ થાય છે. તેથી
જીવનમાં એટલા યુવાન રહેજો કે નવું પુસ્તક શોધી શકો અને એટલા સમજદાર
રહેજો કે એ પુસ્તક ક્યારે તમારી જિંદગીનાં પાનાંઓ ફરીથી લખવા લાગ્યું છે, એ ઓળખી શકો. પુસ્તકની
મહત્તા માત્ર એમાં લખાયેલા શબ્દોમાં નથી, પણ એ શબ્દો આપણા જીવનમાં ક્યારે પ્રવેશે છે
તેમાં છે (યાદ કરોઃ “સત્યના પ્રયોગો”નું એક પુસ્તકની જાદુઈ અસર નામનું
પ્રકરણ).
સાનુકૂળ સમય માટેની
શુભકામનાઓ. સ્નેહ
અને વિશ્વાસ સાથે વિરમું છું. તમારા
પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.
-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.