જૂના ઘરનું ભાવનાત્મક સ્થાપત્ય
- ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
![]() |
| AI generated image. |
![]() |
| AI generated image. |
થોડા સમય પહેલાં મારે એક જૂના ઘરમાં જવાનું થયું. ચાર પેઢીઓનું જીવન જોઈ ચૂકેલું એ ઘર હવે થોડું થાકી ગયું હતું. દીવાલો પર સમયના અદૃશ્ય ડાઘ હતા, દરવાજા ખોલતાં કિચુડાટ થતો હતો અને બારીઓ વૃદ્ધાવસ્થાની ફરિયાદ કરતી હતી. ત્યાં કોઈ સ્માર્ટ ડોરબેલ નહોતી, કોઈ ઑટોમેટિક લાઈટ નહોતી કે મોબાઇલથી નિયંત્રિત થતી કોઈ વ્યવસ્થા નહોતી. ઘરમાં પ્રવેશવા માટે પાસવર્ડની નહીં, ઓળખાણની જરૂર પડતી હતી. છતાં એ ઘરમાં પ્રવેશતાં જ એક અજાણી હૂંફ અનુભવાઈ. જાણે ઘર કહી રહ્યું હોય, ‘આવ્યા? બેસો.’ જૂના ઘરોમાં એવું કશુંક હોય છે જે લાખો રૂપિયાના ઇન્ટિરિયરવાળા આધુનિક મકાનોમાં મળતું નથી. જૂનાં ઘરોનું સાચું સ્થાપત્ય તેની દીવાલોમાં નહીં, પણ તેની અંદર જીવાઈ ગયેલા જીવનમાં હોય છે.
![]() |
| AI generated image. |
આજના સમયમાં માહિતી સાચવવા માટે આપણે ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરીએ છીએ. જૂનાં ઘરો પાસે પણ આવો જ એક સ્ટોરેજ હોય છે. ફરક એટલો કે ત્યાં કોઈ પાસવર્ડ ભૂલી જવાની કે સ્ટોરેજ ભરાઈ જવાની સમસ્યા નથી. ઘરની સીડીને હજુ યાદ હશે કે બાળકો એક સાથે ત્રણ પગથિયાં કૂદીને ચડતાં હતાં. રસોડું દાદીના હાથના સ્વાદને જાણતું હશે. આંગણાએ લગ્નનાં ગીતો, તહેવારોની ધમાલ અને કુટુંબની અસંખ્ય બેઠકો જોઈ હશે. કેટલીક બેઠકો ચાની સાથે શરૂ થઈ હશે અને મિલકતના હિસાબ પર પૂરી થઈ હશે. ગરમ દલીલોમાં ચા ઠંડી થઈ જતી હશે. આ બધું ક્યાંય લખાયેલું નથી. છતાં વર્ષો પછી એ જ ઘરમાં પાછા ફરીએ ત્યારે કોઈક ઓળખીતો સ્પર્શ અનુભવાય છે. નવું મકાન આપણને તેની સુંદરતાથી પ્રભાવિત કરે છે, જૂનું ઘર આપણને આપણા ભૂતકાળ સાથે ભેટો કરાવે છે. એક વસવા માટેની જગ્યા છે, બીજું જીવેલા સમયનું સરનામું.
![]() |
| AI generated image. |
કેટલીક સ્મૃતિઓ ચહેરાઓ સાથે જોડાયેલી હોય છે, તો કેટલીક જગ્યાઓ સાથે. ક્યારેક કોઈ જૂની સુગંધ આવે અને વર્ષો પહેલાંનું બાળપણ સામે આવીને ઊભું રહે. જૂના રેડિયોમાંથી કોઈ ગીત સંભળાય અને ભૂલાઈ ગયેલી સાંજ જીવંત થઈ જાય. એક ખૂણામાં પડેલું વાંચવાનું ટેબલ જોઈને પરીક્ષાની ચિંતા યાદ આવે. મન દરેક બાબતની સાથે કોઈ અદૃશ્ય દોરી બાંધી દે છે. વર્ષો સુધી એ દોરી દેખાતી નથી. પછી કોઈ નાનકડો સંકેત મળે અને સ્મૃતિઓનો આખો તાકો ખૂલી જાય. તેથી જ જૂના ઘરમાં પાછા ફરીએ ત્યારે આપણે માત્ર મકાન જોવા જતા નથી; આપણે ત્યાં છોડી આવેલા આપણા જ એક સમયને મળવા જઈએ છીએ.
![]() |
| AI generated image. |
જૂનાં ભારતીય ઘરોમાં ઓટલો અને આંગણું માત્ર સ્થાપત્યના ભાગ નહોતાં. એ સામાજિક જીવનનાં કેન્દ્રો હતાં. સાંજ પડતાં લોકો ઓટલે બેસતા. પડોશીઓ ખબર પૂછવા આવી જતા. બાળકો રમતાં રમતાં કોઈના આંગણામાં પહોંચી જતાં. કોઈના ઘરે મહેમાન આવે તો યજમાન કરતાં પહેલાં આખા મહોલ્લાને ખબર પડી જતી. એ જમાનામાં વોટ્સએપ ગ્રૂપ નહોતાં, છતાં સમાચાર પહોંચાડવાની વ્યવસ્થા અદ્ભુત હતી! આ વ્યવસ્થામાં ગોપનીયતાની થોડી મુશ્કેલી હતી. પડોશીઓને બીજાના જીવનમાં રસ લેવાની કુદરતી આવડત હતી. માણસ પોતે પોતાની ચિંતા ભૂલી જાય, પણ પડોશી તેની ચિંતા કરવાનું ભૂલતા નહીં. એમાં એક સામૂહિક ઉષ્મા હતી. આજે આપણે ઊંચી ઇમારતોમાં રહીએ છીએ. મોબાઇલની સ્ક્રીન પર આખી દુનિયા નજીક છે, પરંતુ બાજુના ફ્લેટમાં કોણ રહે છે તેની ખબર નથી. હજારો કિલોમીટર દૂરના મિત્રનો ચહેરો રોજ જોઈ શકીએ છીએ, પણ સામેના દરવાજે રહેતા માણસ સાથે પરિચય કેળવવા માટે સમય નથી. આપણી પાસે વીડિયો કૉલ છે, પણ બારણું ખખડાવીને ‘ચા પીવા આવું?’ કહેવાની સહજતા ઓછી થઈ છે. જૂનાં ઘરો માણસને કોઈ પ્રવચન આપ્યા વિના જીવનના કેટલાક પાઠ શીખવતાં હોય છે. ઘર આશ્રય ઉપરાંત માણસના સ્વભાવને ઘડવાનું કેંદ્ર હોય છે. કદાચ એટલા માટે જ લોકો આજે પણ મહેમાનને ‘જમ્યા વગર નહીં જવા દઉં’ કહે છે એ વાક્યમાં આગ્રહ જ નથી હોતો, આખી સંસ્કૃતિનો વારસો હોય છે.
![]() |
| AI generated image. |
સમય કોઈ પણ ઘરને અવગણતો નથી. જે ઓરડામાં એક સમયે દાદાનો અવાજ ગુંજતો હતો ત્યાં આજે કોઈનો શયનખંડ હોઈ શકે. જે આંગણામાં બાળકો રમતાં હતાં ત્યાં પાર્કિંગની જગ્યા બની ગઈ હોય. જૂની દીવાલો પર નવો રંગ ચઢે છે અથવા દરવાજા બદલાય છે. ક્યારેક આખું ઘર જમીનદોસ્ત થઈ જાય છે ત્યારે તેની અંદર વસેલી સ્મૃતિઓનું શું થતું હશે તે પ્રશ્ન ટકી જાય છે. સ્મૃતિઓને રહેવા માટે ઈંટોની જરૂર હોતી નથી. તે માણસોની અંદર સ્થાનાંતર કરી જાય છે. કોઈના બોલવામાં દાદીની છાપ રહી જાય છે, કોઈની આતિથ્ય ભાવનામાં જૂના ઘરનું રસોડું જીવતું રહે છે અને કોઈના સ્વભાવમાં ઓટલાની ઉદારતા બચી રહે છે. ક્યારેક જૂનું ઘર વેચાઈ જાય છે, પરંતુ તેની સ્મૃતિઓનો માલિકી હક કોઈ દસ્તાવેજમાં હસ્તાંતરિત થતો નથી. નવા માલિકને મકાન મળે છે પણ જૂના રહેવાસીઓ આખું સ્મરણ વિશ્વ લઈ જાય છે!
મિલકતની કિંમત બજારમાં નક્કી થાય છે, પરંતુ એની સાથે જોડાયેલી સ્મૃતિઓની કિંમત જાણવા માટે કોઈ માપદંડ નથી. કોઈ જ્યાં પહેલીવાર ચાલતાં શીખ્યું હોય, કોઈએ જીવનનો સૌથી આનંદદાયક દિવસ જ્યાં ઊજવ્યો હોય કે કોઈએ કોઈ પ્રિયજનની પ્રતીક્ષા જ્યાં કરી હોય એ બધું જૂનું ઘર યાદ રાખે છે કે નહીં તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. પરંતુ આપણે ત્યાં જઈને જે અનુભવીએ છીએ તેને નકારી શકાય તેમ નથી. મકાન ઈંટો અને સિમેન્ટથી બને છે જ્યારે ઘર માણસોના સહવાસથી બને છે. સ્થાપત્યકારો દીવાલો ઊભી કરે છે, જીવન એમાં વસવાટ કરે છે અને સમય એ વસવાટને સ્મૃતિમાં ફેરવી દે છે. આપણે વર્ષો સુધી જ્યાં રહ્યા હોઈએ એ ઘર ખાલી કરીએ ત્યારે આપણે આપણા થોડાક વર્ષો ત્યાં છોડી જઈએ છીએ. કદાચ એટલે જ કોઈ જૂના ઘરમાં પાછા ફરીએ ત્યારે બારણું ખખડાવતાં પહેલાં મનને લાગે છે કે કોઈ અંદરથી ઓળખી જશે.
(કવિશ્રી બાલમુકુંદ દવેનાં “જૂનું ઘર ખાલી કરતાં” કાવ્યનું પુનર્વાચન કરતી વેળાએ આવેલા વિચારો)
તમારો નિખાલસ પ્રતિભાવ નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.






વો જબ યાદ આયે બહુત યાદ આયે..... .સુંદર લેખ સર.
જવાબ આપોકાઢી નાખોઆભારી છું!
કાઢી નાખો