Menu

બુધવાર, 25 નવેમ્બર, 2026

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ, પાંખો આપે દિશા!

AI generated image.

મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો,

કેમ છો સૌ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વૃક્ષને ધ્યાનથી જોયું છે? એની ડાળીઓ ઝૂલે છે, પાંદડાં ફફડે છે, થડ પણ પવનના તાલે થોડું નમી જાય છે. છતાં વૃક્ષ અડીખમ ઊભું રહે છે. એનું કારણ માત્ર થડની મજબૂતી નથી, ધરતીના પેટાળમાં શાંતિથી ફેલાયેલાં એનાં મૂળિયાં છે. ડાળીઓ આકાશને આંબવાનું સ્વપ્ન જુએ છે, પણ મૂળિયાં એને ધરતી સાથે જોડી રાખે છે.

આપણા જીવનની કેળવણી માટે પણ આ વાત કેટલી સુંદર છે! મૂળિયાં આપણને બળ આપે છે અને પાંખો આપણને દિશા આપે છે. આજના સમયમાં આપણે આધુનિક બનવાની દોડમાં ક્યારેક આપણાં મૂળિયાંને જ જૂનાં પુરાણાં ગણીને બાજુ પર મૂકી દઈએ છીએ. બધાને આંતરરાષ્ટ્રીય ડિગ્રી જોઈએ, વૈશ્વિક કારકિર્દી જોઈએ, કૃત્રિમ બુદ્ધિ જોઈએ, સ્માર્ટ ક્લાસરૂમ જોઈએ અને ઇન્ટરનેટની ગતિ પણ એવી જોઈએ કે પવનને પણ શરમ આવે! આ બધું આવકાર્ય છે. આખરે, હું પણ તમને લેપટોપ છોડીને બળદગાડામાં બેસવાની સલાહ આપનારો પ્રોફેસર નથી! પરંતુ એક વાત યાદ રાખજો. ઉપકરણોને આધુનિક બનાવતાં બનાવતાં આપણે ક્યાંક આપણા સંસ્કારોને જૂના ન કરી નાખીએ.

આપણાં મૂળિયાં કોઈ સાંકળ નથી, જે આપણને આગળ વધતાં રોકે. એ તો આપણને દુનિયાના કોઈ પણ ખૂણે જઈને પણ આપણી ઓળખ જાળવી રાખવાનું બળ આપે એવો અદૃશ્ય આધાર છે. ભારતીય જ્ઞાન પ્રણાલી આપણને અનુભવ, ચિંતન અને જવાબદારીપૂર્વકના જીવનનું મહત્ત્વ સમજાવે છે. ‘વસુધૈવ કુટુંબકમ્’નો વિચાર આખી દુનિયાને એક પરિવાર માનવાની ઉદારતા શીખવે છે. જરા વિચારજો, આ વિચાર આપણને વૈશ્વિક બનવા માટે આપણી ઓળખ છોડવાનું નથી કહેતો; આપણી ઓળખ સાથે આખી દુનિયાને અપનાવવાનું શીખવે છે.

મહાત્મા ગાંધીના જીવનમાં આ જ સમજણનાં દર્શન થાય છે. તેઓ પોતાના સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યો સાથે ઊંડે સુધી જોડાયેલા રહ્યા, છતાં દુનિયાના નવા વિચારો અને અનુભવો માટે હંમેશાં ખુલ્લા રહ્યા. તેઓ સાંભળતા, પ્રશ્નો પૂછતા, પ્રયોગો કરતા અને જરૂર પડે ત્યારે પોતાનાં વિચારોમાં પરિવર્તન પણ લાવતા. પરંતુ એક વાત ક્યારેય ન ભૂલ્યા કે સગવડ એ જ સત્ય નથી અને સફળતા એ જ સાર્થકતા નથી. શિક્ષણક્ષેત્રે આ સમજણ ખૂબ જરૂરી છે. ચોકનું સ્થાન સ્માર્ટ બોર્ડ લે, પુસ્તકાલયમાં ડિજિટલ પુસ્તકો ઉમેરાય અને વર્ગખંડની સીમાઓ વર્ચ્યુઅલ દુનિયા સુધી વિસ્તરે એમાં કશું ખોટું નથી. પરંતુ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો માનવીય સંબંધ ક્યારેય જૂનો ન થવો જોઈએ. પોતાની ઓળખ અને મૂળિયાં સાથેનો મજબૂત સંબંધ વ્યક્તિને માનસિક સુરક્ષા આપે છે. જે યુવાનને પોતે ક્યાંથી આવ્યો છે એની સમજ હોય છે, તે ક્યાં જવું છે એ નક્કી કરવામાં વધુ આત્મવિશ્વાસ અનુભવે છે. વાવ-થરાદના કોઈ નાના ગામમાં ભણતો વિદ્યાર્થી હોય કે અમદાવાદની આધુનિક શાળામાં ભણતો યુવાન, બંનેનાં સ્વપ્નોનું આકાશ અલગ હોઈ શકે, પણ કોઈની જન્મભૂમિ તેની કલ્પનાશક્તિની સીમા નક્કી કરી શકતી નથી. યાદ રાખજો કે યુનિવર્સિટીમાંથી વિદાય લેવી એટલે ત્યાંથી મળેલાં મૂલ્યોને વિદાય આપવી એવું નથી. જીવન તમને ગમે તેટલા દૂર લઈ જાય, તમારી ઓળખ ઘડવામાં આ માટીનો, આ શિક્ષણનો અને આ સંબંધોનો હિસ્સો હંમેશાં રહેશે. વૃક્ષની ઊંચાઈ એની ડાળીઓથી દેખાય છે જ્યારે એની તાકાત તો જમીનની અંદર છુપાયેલી હોય છે. તમે એટલા ઊંચા ઊઠજો કે આકાશને આંબી શકો, પણ ધરતી સાથે એટલા જોડાયેલા રહેજો કે તમારી છાયામાં કોઈ બીજાનેય મોટાં થવાનું બળ મળી રહે.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ. સ્નેહ અને વિશ્વાસ સાથે વિરમું છું.  તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

 

રવિવાર, 22 નવેમ્બર, 2026

સ્મરણોને સાચવતી દીવાલો

જૂના ઘરનું ભાવનાત્મક સ્થાપત્ય

- ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


AI generated image.
કોઈ જૂના ઘરમાં પ્રવેશતાં જ સમજાઈ જાય કે તેના એકાદ ખૂણામાં બાળપણનાં તોફાનો દટાયેલાં હશે, કોઈ ઓરડામાં અધૂરો કૌટુંબિક ઝઘડો પડ્યો હશે અને કોઈ બારી પાસે વર્ષો પહેલાં કોઈએ કોઈની રાહ જોઈ હશે. જૂનાં ઘરો પાસે સ્મરણોનો એવો સંચય હોય છે જેની કોઈ યાદી બનાવી શકાતી નથી. ઘરની દીવાલો બધું જાણે છે, છતાં ક્યારેય કોઈની સામે સાક્ષી પૂરતી નથી.
AI generated image.

થોડા સમય પહેલાં મારે એક જૂના ઘરમાં જવાનું થયું. ચાર પેઢીઓનું જીવન જોઈ ચૂકેલું એ ઘર હવે થોડું થાકી ગયું હતું. દીવાલો પર સમયના અદૃશ્ય ડાઘ હતા, દરવાજા ખોલતાં કિચુડાટ થતો હતો અને બારીઓ વૃદ્ધાવસ્થાની ફરિયાદ કરતી હતી. ત્યાં કોઈ સ્માર્ટ ડોરબેલ નહોતી, કોઈ ઑટોમેટિક લાઈટ નહોતી કે મોબાઇલથી નિયંત્રિત થતી કોઈ વ્યવસ્થા નહોતી. ઘરમાં પ્રવેશવા માટે પાસવર્ડની નહીં, ઓળખાણની જરૂર પડતી હતી. છતાં એ ઘરમાં પ્રવેશતાં જ એક અજાણી હૂંફ અનુભવાઈ. જાણે ઘર કહી રહ્યું હોય, ‘આવ્યા? બેસો.’ જૂના ઘરોમાં એવું કશુંક હોય છે જે લાખો રૂપિયાના ઇન્ટિરિયરવાળા આધુનિક મકાનોમાં મળતું નથી. જૂનાં ઘરોનું સાચું સ્થાપત્ય તેની દીવાલોમાં નહીં, પણ તેની અંદર જીવાઈ ગયેલા જીવનમાં હોય છે.

AI generated image.

આજના સમયમાં માહિતી સાચવવા માટે આપણે ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરીએ છીએ. જૂનાં ઘરો પાસે પણ આવો જ એક સ્ટોરેજ હોય છે. ફરક એટલો કે ત્યાં કોઈ પાસવર્ડ ભૂલી જવાની કે સ્ટોરેજ ભરાઈ જવાની સમસ્યા નથી. ઘરની સીડીને હજુ યાદ હશે કે બાળકો એક સાથે ત્રણ પગથિયાં કૂદીને ચડતાં હતાં. રસોડું દાદીના હાથના સ્વાદને જાણતું હશે. આંગણાએ લગ્નનાં ગીતો, તહેવારોની ધમાલ અને કુટુંબની અસંખ્ય બેઠકો જોઈ હશે. કેટલીક બેઠકો ચાની સાથે શરૂ થઈ હશે અને મિલકતના હિસાબ પર પૂરી થઈ હશે. ગરમ દલીલોમાં ચા ઠંડી થઈ જતી હશે. આ બધું ક્યાંય લખાયેલું નથી. છતાં વર્ષો પછી એ જ ઘરમાં પાછા ફરીએ ત્યારે કોઈક ઓળખીતો સ્પર્શ અનુભવાય છે. નવું મકાન આપણને તેની સુંદરતાથી પ્રભાવિત કરે છે, જૂનું ઘર આપણને આપણા ભૂતકાળ સાથે ભેટો કરાવે છે. એક વસવા માટેની જગ્યા છે, બીજું જીવેલા સમયનું સરનામું.

AI generated image.

કેટલીક સ્મૃતિઓ ચહેરાઓ સાથે જોડાયેલી હોય છે, તો કેટલીક જગ્યાઓ સાથે. ક્યારેક કોઈ જૂની સુગંધ આવે અને વર્ષો પહેલાંનું બાળપણ સામે આવીને ઊભું રહે. જૂના રેડિયોમાંથી કોઈ ગીત સંભળાય અને ભૂલાઈ ગયેલી સાંજ જીવંત થઈ જાય. એક ખૂણામાં પડેલું વાંચવાનું ટેબલ જોઈને પરીક્ષાની ચિંતા યાદ આવે. મન દરેક બાબતની સાથે કોઈ અદૃશ્ય દોરી બાંધી દે છે. વર્ષો સુધી એ દોરી દેખાતી નથી. પછી કોઈ નાનકડો સંકેત મળે અને સ્મૃતિઓનો આખો તાકો ખૂલી જાય. તેથી જ જૂના ઘરમાં પાછા ફરીએ ત્યારે આપણે માત્ર મકાન જોવા જતા નથી; આપણે ત્યાં છોડી આવેલા આપણા જ એક સમયને મળવા જઈએ છીએ.

AI generated image.

જૂનાં ભારતીય ઘરોમાં ઓટલો અને આંગણું માત્ર સ્થાપત્યના ભાગ નહોતાં. એ સામાજિક જીવનનાં કેન્દ્રો હતાં. સાંજ પડતાં લોકો ઓટલે બેસતા. પડોશીઓ ખબર પૂછવા આવી જતા. બાળકો રમતાં રમતાં કોઈના આંગણામાં પહોંચી જતાં. કોઈના ઘરે મહેમાન આવે તો યજમાન કરતાં પહેલાં આખા મહોલ્લાને ખબર પડી જતી. એ જમાનામાં વોટ્સએપ ગ્રૂપ નહોતાં, છતાં સમાચાર પહોંચાડવાની વ્યવસ્થા અદ્ભુત હતી! આ વ્યવસ્થામાં ગોપનીયતાની થોડી મુશ્કેલી હતી. પડોશીઓને બીજાના જીવનમાં રસ લેવાની કુદરતી આવડત હતી. માણસ પોતે પોતાની ચિંતા ભૂલી જાય, પણ પડોશી તેની ચિંતા કરવાનું ભૂલતા નહીં. એમાં એક સામૂહિક ઉષ્મા હતી. આજે આપણે ઊંચી ઇમારતોમાં રહીએ છીએ. મોબાઇલની સ્ક્રીન પર આખી દુનિયા નજીક છે, પરંતુ બાજુના ફ્લેટમાં કોણ રહે છે તેની ખબર નથી. હજારો કિલોમીટર દૂરના મિત્રનો ચહેરો રોજ જોઈ શકીએ છીએ, પણ સામેના દરવાજે રહેતા માણસ સાથે પરિચય કેળવવા માટે સમય નથી. આપણી પાસે વીડિયો કૉલ છે, પણ બારણું ખખડાવીને ‘ચા પીવા આવું?’ કહેવાની સહજતા ઓછી થઈ છે. જૂનાં ઘરો માણસને કોઈ પ્રવચન આપ્યા વિના જીવનના કેટલાક પાઠ શીખવતાં હોય છે. ઘર આશ્રય ઉપરાંત માણસના સ્વભાવને ઘડવાનું કેંદ્ર હોય છે. કદાચ એટલા માટે જ લોકો આજે પણ મહેમાનને ‘જમ્યા વગર નહીં જવા દઉં’ કહે છે એ વાક્યમાં આગ્રહ જ નથી હોતો, આખી સંસ્કૃતિનો વારસો હોય છે.

AI generated image.

સમય કોઈ પણ ઘરને અવગણતો નથી. જે ઓરડામાં એક સમયે દાદાનો અવાજ ગુંજતો હતો ત્યાં આજે કોઈનો શયનખંડ હોઈ શકે. જે આંગણામાં બાળકો રમતાં હતાં ત્યાં પાર્કિંગની જગ્યા બની ગઈ હોય. જૂની દીવાલો પર નવો રંગ ચઢે છે અથવા દરવાજા બદલાય છે. ક્યારેક આખું ઘર જમીનદોસ્ત થઈ જાય છે ત્યારે તેની અંદર વસેલી સ્મૃતિઓનું શું થતું હશે તે પ્રશ્ન ટકી જાય છે. સ્મૃતિઓને રહેવા માટે ઈંટોની જરૂર હોતી નથી. તે માણસોની અંદર સ્થાનાંતર કરી જાય છે. કોઈના બોલવામાં દાદીની છાપ રહી જાય છે, કોઈની આતિથ્ય ભાવનામાં જૂના ઘરનું રસોડું જીવતું રહે છે અને કોઈના સ્વભાવમાં ઓટલાની ઉદારતા બચી રહે છે. ક્યારેક જૂનું ઘર વેચાઈ જાય છે, પરંતુ તેની સ્મૃતિઓનો માલિકી હક કોઈ દસ્તાવેજમાં હસ્તાંતરિત થતો નથી. નવા માલિકને મકાન મળે છે પણ જૂના રહેવાસીઓ આખું સ્મરણ વિશ્વ લઈ જાય છે!

મિલકતની કિંમત બજારમાં નક્કી થાય છે, પરંતુ એની સાથે જોડાયેલી સ્મૃતિઓની કિંમત જાણવા માટે કોઈ માપદંડ નથી. કોઈ જ્યાં પહેલીવાર ચાલતાં શીખ્યું હોય, કોઈએ જીવનનો સૌથી આનંદદાયક દિવસ જ્યાં ઊજવ્યો હોય કે કોઈએ કોઈ પ્રિયજનની પ્રતીક્ષા જ્યાં કરી હોય એ બધું જૂનું ઘર યાદ રાખે છે કે નહીં તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. પરંતુ આપણે ત્યાં જઈને જે અનુભવીએ છીએ તેને નકારી શકાય તેમ નથી. મકાન ઈંટો અને સિમેન્ટથી બને છે જ્યારે ઘર માણસોના સહવાસથી બને છે. સ્થાપત્યકારો દીવાલો ઊભી કરે છે, જીવન એમાં વસવાટ કરે છે અને સમય એ વસવાટને સ્મૃતિમાં ફેરવી દે છે. આપણે વર્ષો સુધી જ્યાં રહ્યા હોઈએ એ ઘર ખાલી કરીએ ત્યારે આપણે આપણા થોડાક વર્ષો ત્યાં છોડી જઈએ છીએ. કદાચ એટલે જ કોઈ જૂના ઘરમાં પાછા ફરીએ ત્યારે બારણું ખખડાવતાં પહેલાં મનને લાગે છે કે કોઈ અંદરથી ઓળખી જશે.

(કવિશ્રી બાલમુકુંદ દવેનાં “જૂનું ઘર ખાલી કરતાં” કાવ્યનું પુનર્વાચન કરતી વેળાએ આવેલા વિચારો)

તમારો નિખાલસ પ્રતિભાવ નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.

બુધવાર, 18 નવેમ્બર, 2026

પાનાંઓમાં સંતાયેલી પળો

દરેક પુસ્તકની ઋતુ હોય છે અને દરેક વાચકનો સમય

AI generated image.

જીવનના પ્રિય જિજ્ઞાસુ મુસાફરો,

કેમ છો સૌ? એક નાનકડી કબૂલાત કરું? એક શિક્ષકના કબાટમાં પુસ્તકોનાં ઢગલેઢગલા હોય, પણ એના જીવનને સૌથી વધુ સ્પર્શી જતું પુસ્તક એ જ હોય છે જે અણધાર્યા સમયે હાથમાં આવી જાય. જીવન દરેક વખતે જ્ઞાનના થોથા લઈને દરવાજે ટકોરા નથી મારતું. ક્યારેક તો એ કોઈ જૂના પુસ્તકનાં પાનાંમાંથી આપણને સાદ પાડે છે. કેટલાક પુસ્તકો માત્ર વાંચવા માટે નથી હોતા; એ આપણા જીવનમાં આવે છે, આપણી બાજુમાં બેસે છે અને ધીમેથી આપણા જીવનની દિશા બદલી નાખે છે.

હમણાં જ અમદાવાદમાં પુસ્તકમેળો (October 24- November 01, 2026) યોજાઈ ગયો. રંગબેરંગી મુખપૃષ્ઠો, પુસ્તકોથી છલકાતાં સ્ટૉલ, વાંચનપ્રેમીઓની ભીડ અને નવાં છપાયેલાં પુસ્તકોની એ મીઠી સુગંધ! જાણે હજારો વાર્તાઓ એકસાથે કાનમાં કહેતી હોય, “મને ઘરે લઈ જાઓ, તમારી સાથે મારે કંઈક વાત કરવી છે!” માણસ ભલે મોબાઇલની સ્ક્રીનમાં ખોવાઈ ગયો હોય, પણ પુસ્તકનાં પાનાંઓમાં ખોવાઈ જવાની મજા હજી મરી નથી એ વાત પુસ્તકમેળો આપણને યાદ કરાવે છે. પુસ્તકોની સૌથી અદ્ભુત વાત આપણે એમને શોધીએ છીએ તે નહીં પણ પુસ્તકો આપણને શોધી લે છે તે છે! કલ્પના કરો કે એક વિદ્યાર્થી દરરોજ બે કલાક બસમાં મુસાફરી કરીને કૉલેજ પહોંચે છે. એની બેગમાં પરીક્ષાની ગાઇડ, ખાખરાનું અડધું પડીકું અને મિત્ર પાસેથી વાંચવા માગી લીધેલું The Alchemist છે. બસની મુસાફરીનો સમય પસાર કરવા એ પુસ્તક ખોલે છે. તેમાં રસ્તાના ધૂળિયા વળાંકો અને પાનાંઓની વચ્ચે ક્યાંક એક વાક્ય એના મનમાં એવી વાત જગાડે છે જે એણે લગભગ છોડી જ દીધી હતી. આ પુસ્તકમાં એની પરિસ્થિતિ બદલવાની તાકાત નથી. પરંતુ તે પરિસ્થિતિને જોવાની એની નજર બદલી નાખે છે. અથવા અમદાવાદમાં નોકરી કરતી એક યુવતીને જ જોઈ લો. ડેડલાઇન, મીટિંગ, મોબાઇલનાં નોટિફિકેશન અને સતત દોડધામ વચ્ચે એ વ્યસ્તતાને સફળતા માની બેઠી છે. એ એક સાંજે મહિનાઓ પહેલાં ખરીદેલું પુસ્તક હાથમાં લે છે. થોડાં પાનાં વાંચતાં જ એને સમજાય છે કે ખોટી દિશામાં દોડી દોડીને થાકી જવું એ નિષ્ફળતા નથી.

મજાની વાત તો તે છે કે એક જ પુસ્તક, જીવનના જુદા જુદા પડાવે વાંચીએ, ત્યારે એ જાણે જુદી જ વાત કરવા લાગે છે. પુસ્તક માત્ર છપાયેલા શબ્દોનો સમૂહ નથી. એ ક્યારેક અરીસો બને છે, ક્યારેક બારી અને ક્યારેક થાકેલા ખભા પર મૂકાયેલો હૂંફાળો હાથ. આપણા અનુભવો જ વસ્તુઓના અર્થ ઘડે છે. નિષ્ફળતા વિશેની કોઈ વાર્તા આત્મવિશ્વાસથી છલકાતા કિશોરને સામાન્ય લાગે પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થી માટે એ જ વાર્તા જીવનનો આધાર બની શકે. વીસ વર્ષની ઉંમરે વિરહની કવિતા વધુ પડતી નાટકીય લાગે, પણ ચાલીસની ઉંમરે એ જ કવિતા હૃદયમાં એવી રીતે ઊતરે કે જાણે કવિએ આપણા મનની વાત ચોરી લીધી હોય! પુસ્તક બદલાયું નથી, વાચક બદલાયો છે.

આજના ડિજિટલ યુગમાં સાચો પડકાર પુસ્તક શોધવાનો નથી. સાચો પડકાર તો એવું પુસ્તક વાંચવાની ધીરજ રાખવાનો છે, જે આપણને વિચારતા કરી મૂકે. પુસ્તકમેળો આપણને હજાર શક્યતાઓનો પરિચય કરાવે છે, પણ એક અર્થપૂર્ણ પુસ્તક આપણને આપણી પોતાની ઓળખનો પરિચય કરાવી શકે છે. એટલે અમદાવાદની ધમધમતી ગલીઓમાં રહેતા મારા વિદ્યાર્થીઓ હોય કે સૌરાષ્ટ્ર-કચ્છના દૂરવર્તી ગામડાંમાં ભણતા યુવાનો, તમે કિન્ડલ પર વાંચો, ઉછીનું લીધેલું પુસ્તક વાંચો કે હોસ્ટેલના ઓરડામાં ઝાંખા અજવાળે વાંચો, એક વાત યાદ રાખજો કે તમારી વાંચનયાત્રા બીજાની વાંચનયાત્રા જેવી હોય તે જરૂરી નથી. કેટલાંક પુસ્તકો આપણે તૈયાર હોઈએ છીએ ત્યારે આપણી પાસે આવે છે જ્યારે કેટલાંક પુસ્તકો આપણને તૈયાર કરવા આવે છે. આપણા જીવનમાં દરેક સારા પુસ્તકનું આગમન યોગ્ય સમયે જ થાય છે. તેથી જીવનમાં એટલા યુવાન રહેજો કે નવું પુસ્તક શોધી શકો અને એટલા સમજદાર રહેજો કે એ પુસ્તક ક્યારે તમારી જિંદગીનાં પાનાંઓ ફરીથી લખવા લાગ્યું છે, એ ઓળખી શકો. પુસ્તકની મહત્તા માત્ર એમાં લખાયેલા શબ્દોમાં નથી, પણ એ શબ્દો આપણા જીવનમાં ક્યારે પ્રવેશે છે તેમાં છે (યાદ કરોઃ “સત્યના પ્રયોગો”નું એક પુસ્તકની જાદુઈ અસર નામનું પ્રકરણ).

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ. સ્નેહ અને વિશ્વાસ સાથે વિરમું છું.  તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

રવિવાર, 15 નવેમ્બર, 2026

સ્વમાં શોધ કરતું સર્ચ એન્જિન

સુવિધાની આંગળી પકડી ચાલ્યા આપણે

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

AI generated image.

એક દિવસ એક યુવાને મને કહ્યું, “સર, ગૂગલ મને મારી મમ્મી કરતાં વધારે ઓળખે છે!”

મેં પૂછ્યું, “એટલે? તારી મમ્મીને ખબર નથી કે તને શું ગમે છે?”
“ખબર છે, પણ ગૂગલને તો હું શું શોધવાનો છું એની પણ ખબર પડી જાય છે!”
આ વાતમાં રહેલી રમુજ પાછળ આપણા સમયનો એક ગંભીર પ્રશ્ન છુપાયેલો હતો. ચંપલ શોધીએ તો સ્ક્રીન પર દુકાનોની હારમાળા ઊભી થઈ જાય. કારકિર્દી વિશે એકાદ વિડિયો જોઈએ તો સફળતાના માર્ગદર્શનનો ધોધ વહેવા લાગે. કોઈ સ્થળે ફરવા જવાનો વિચાર કરીએ તો ત્યાંની હોટેલોની જાહેરાતો આપણી પાછળ પડી જાય. આપણી પસંદગીઓ, રસ અને આદતોના અણસાર ટેક્નોલોજીને મળી રહે છે. આપણા અધૂરા ઇરાદાઓને પણ તે ઓળખી લેતી હોય એવું લાગે છે. પરંતુ એક વિચિત્ર વિરોધાભાસ છે: ગૂગલને યાદ રહે છે કે આપણે ગયા અઠવાડિયે કયાં ચંપલ પસંદ કર્યાં હતાં પણ ત્રણ મહિનાથી નાનીને ફોન કર્યો નથી એ યાદ અપાવવાની તેની પાસે કોઈ વ્યવસ્થા નથી. કદાચ એ કામ તેની જવાબદારીમાં આવતું નથી. માણસના સંબંધોમાં યાદશક્તિ કરતાં પણ વધુ જરૂરી છે સમય, હાજરી અને લાગણી.
AI generated image.

આજના જીવનમાં સગવડ આપણી જીવનશૈલીનો ભાગ બની ગઈ છે. કોઈ પ્રશ્ન થાય તો જવાબ હાજર છે, કંટાળો આવે તો મનોરંજન તૈયાર છે, મૂંઝવણ થાય તો સલાહના અસંખ્ય દરવાજા ખૂલી જાય છે, એકલતા લાગે તો સ્ક્રીન આપણને દુનિયાની ભીડમાં લઈ જાય છે. આપણી દરેક ખાલી જગ્યા ભરવા માટે કોઈ ને કોઈ સાધન રાહ જોતું જ હોય. પરંતુ દરેક ખાલી જગ્યા ભરવાને બદલે ક્યારેક માણસને ખુદની સાથે રહેવાનું પણ આવડવું જોઈએ. નિરાંતમાં ઊગતા વિચારો, મૌનમાં સંભળાતા પ્રશ્નો અને એકાંતમાં થતી આત્મખોજનું કોઈ તાત્કાલિક પરિણામ મળતું નથી. કદાચ એટલે જ આપણે તેમનાથી દૂર ભાગીએ છીએ. એક ક્ષણની અસ્વસ્થતા સહન કરવાને બદલે આંગળીના એક સ્પર્શથી બીજી દુનિયામાં પ્રવેશી જઈએ છીએ. ટેક્નોલોજી આપણું જીવન સરળ બનાવે છે, પણ સરળતાની આદત ક્યારેક આપણને આપણી જાતથી દૂર લઈ જાય છે. વિચારવાનું એ નથી કે સાધનો કેટલાં શક્તિશાળી છે; વિચાર એ કરવાનો છે કે તેમનો ઉપયોગ કરતાં કરતાં આપણે પોતાની અંદરની શક્તિઓને તો ભૂલી નથી રહ્યા ને.

AI generated image.

ગૂગલને આપણી આત્મકથા વાંચવાની જરૂર નથી. આપણે શું શોધીએ છીએ, શું જોઈએ છીએ અને ક્યાં અટકીએ છીએ તેના પરથી તે આપણી પસંદગીઓ વિશે અનુમાન કરી લે છે. આ અનુમાનોના આધારે આપણને સૂચનો અને જાહેરાતો મળે છે. પરંતુ અનુમાન કરવું અને માણસને સમજવો એ બે વચ્ચે મોટું અંતર છે. આરોગ્ય વિશે કંઈક શોધવા બેસીએ અને થોડી જ વારમાં એવું લાગવા માંડે કે અનેક રોગોએ આપણા શરીરમાં રહેવા માટે જગ્યા ભાડે રાખી હોય! માહિતી ઉપયોગી હોય તો પણ એ જ માહિતી ક્યારેક ચિંતાનું કારણ પણ બને છે. સાધન આપણને મદદ કરે છે, છતાં તેની સામેની આપણી નિર્ભરતા વધે ત્યારે આપણે વિચારવું પડે કે નિર્ણય આપણે લઈ રહ્યા છીએ કે આપણી આદતો. માણસને સમજવા માટે માત્ર તેની પસંદગીઓ જાણવી પૂરતી નથી. તેની મૂંઝવણ, તેની ચૂપકીદી, તેની વણ-કથી ઇચ્છાઓને અને તેના ડરને પણ સમજવાં પડે. જે દુઃખને શબ્દો મળ્યા નથી, તેને કોઈ અલ્ગોરિધમ નહીં ઓળખી શકે. જે પ્રશ્ન આપણને પોતાને જ ખબર નથી, તેનો ઉકેલ કોઈ સર્ચ એન્જિન નહીં શોધી શકે.

AI generated image.

ક્યારેક આપણે બીજાની ચમકતી જિંદગીઓ જોઈને પોતાની જિંદગીને ઓછી આંકીએ છીએ. કોઈની સફળતા આપણામાં પ્રેરણા જગાવે એ સ્વાભાવિક છે, પરંતુ દરેક સફળતાને પોતાની ઇચ્છાનું ધોરણ બનાવી દઈએ ત્યારે આપણી ઓળખ ધીમે ધીમે બીજાના માપદંડોમાં ઓગળવા લાગે છે. તે વેળાએ આપણી મહત્ત્વાકાંક્ષાઓ બીજાની સફળતાના પ્રતિબિંબમાંથી જન્મી હોય છે, આપણી પોતાની નથી હોતી. આવી સમસ્યાઓના ઉકેલ માટે કોઈ સર્ચ એન્જિન પૂરતું નથી. પોતાની જાત સાથે બેસીને વાત કરવી પડે. અફસોસ તે છે કે એ વાતચીતમાં ‘સ્કિપ એડ’નું બટન હોતું નથી!

AI generated image.

ટેક્નોલોજી આપણને જોડે છે, પરંતુ જોડાણ અને નિકટતા એક જ વસ્તુ નથી. કોઈના ફોટા પર પ્રતિક્રિયા આપવી સહેલી છે; તેના દુઃખમાં થોડો સમય આપવો અઘરો. મેસેજ મોકલવો સહેલો છે; કોઈની વાત ધીરજથી સાંભળવી અઘરી. સંપર્કોની યાદી લાંબી થતી જાય અને મનની વાત કહી શકાય એવા માણસોની સંખ્યા ઘટતી જાય તો આવા જોડાણનું મૂલ્ય કશું નથી. માતાને કદાચ કૃત્રિમ બુદ્ધિ-AI વાપરતાં ન આવડતું હોય, પરંતુ આપણા અવાજની ઉદાસીનો અણસાર તેને આવી શકે છે. મિત્ર પાસે સમસ્યાનો ઉકેલ ન હોય, છતાં તેની હાજરી મનનો ભાર હળવો કરી શકે છે. દાદા-દાદીની જૂની વાતોમાં કદાચ આજના યુગની ઝડપ ન હોય, પરંતુ તેમાં અનુભવની એવી શાંતિ હોઈ શકે છે, જે તાત્કાલિક જવાબોની ભીડમાં મળતી નથી. માનવીય સંબંધો સંપૂર્ણ નથી. તેમાં ગેરસમજ છે, મતભેદ છે, અપેક્ષાઓ છે અને ક્યારેક નિરાશા પણ છે. છતાં એ સંબંધોમાં માણસને માણસ તરીકે સ્વીકારવાની સંભાવના છે. તેમાં આપણે માત્ર માહિતી કે પસંદગી નથી; આપણે લાગણીઓ, સ્મૃતિઓ અને અધૂરપ ધરાવતી જીવંત વ્યક્તિ છીએ. આથી જ સંબંધોને જીવંત રાખવા માટે ક્યારેક ફોન બાજુએ મૂકવો પડે, કોઈની વાત વચ્ચે પોતાનો જવાબ તૈયાર કરવાનું બંધ કરવું પડે અને માત્ર સાંભળવું પડે. હાજરીનો અર્થ હંમેશાં કંઈક કહેવું નથી હોતો. ક્યારેક ચૂપચાપ સાથે બેસી રહેવું પણ પ્રેમની ભાષા હોય છે. ગેરી ચેપમનના “ફાઈવ લવ લંગ્વેજિઝ” પુસ્તકની અહીં યાદ આવે છે.

AI generated image.

આવનારા સમયમાં ટેક્નોલોજીનું જ્ઞાન હજી અનિવાર્ય બનશે. કૃત્રિમ બુદ્ધિ કામ કરવાની પદ્ધતિઓ બદલશે, નવી તકો ઊભી કરશે અને અનેક જૂની માન્યતાઓને પડકારશે. આ પરિવર્તનથી દૂર ભાગવામાં શાણપણ નથી. પરંતુ દરેક નવી સુવિધાને પ્રગતિ અને દરેક ઝડપી જવાબને સમજણ માની લેવામાં પણ શાણપણ નથી. સાધનો આપણને આગળ વધવામાં મદદ કરી શકે છે; પરંતુ આગળ વધવાનો અર્થ શું છે, એ આપણે નક્કી કરવાનું છે. સફળતાની વ્યાખ્યા માત્ર આવક, ફૉલોઅર્સની સંખ્યા કે આકર્ષક પ્રોફાઇલથી નક્કી થતી નથી. કોઈના જીવનમાં વિશ્વાસ જગાવવો, કોઈની મુશ્કેલીમાં સાથ આપવો, પોતાની ભૂલ સ્વીકારવી અને સમાજને થોડો વધુ સારો બનાવવાનો પ્રયત્ન કરવો એ પણ પ્રગતિનાં જ સ્વરૂપો છે. એ માટે ડિજિટલ દુનિયાની સાથે વાસ્તવિક દુનિયા સાથેનો સંબંધ પણ જાળવવો પડશે. પોતાની અંગત માહિતીની કાળજી રાખવી પડશે, પોતાની પસંદગીઓ વિશે સભાન રહેવું પડશે અને ક્યારેક કોઈ સલાહને અવગણીને પોતાનો રસ્તો પસંદ કરવો પડશે. સ્વતંત્રતા વિકલ્પોની સંખ્યામાં નથી; તેમાંથી શું પસંદ કે નાપસંદ કરવું તે નક્કી કરવાની ક્ષમતામાં છે. એક દિવસ આપણી સર્ચ હિસ્ટરી ભૂંસાઈ જશે. આજે મનગમતી એપ કાલે જૂની થઈ જશે. નવી ટેક્નોલોજી જૂની ટેક્નોલોજીનું સ્થાન લઈ લેશે. પરંતુ મુશ્કેલીના સમયે કોઈનો હાથ પકડ્યો હશે, કોઈને હિંમત આપી હશે કે કોઈની જિંદગીમાં આશાનું નાનું સરોવર રચ્યું હશે તો એનું મૂલ્ય કોઈ આંકડાથી માપી શકાશે નહીં. ગૂગલને ખબર હશે કે આપણે ગઈ કાલે રાત્રે શું સર્ચ કર્યું હતું. જ્યારે આપણી માતાને ખબર હશે કે આપણને ઊંઘ કેમ નહોતી આવતી. આ બંને જાણકારી વચ્ચેનો તફાવત જ કદાચ ટેક્નોલોજી અને લાગણી વચ્ચેનું અંતર છે. ગૂગલ આપણને ઓળખે કે નહીં પણ આટલી બધી ઓળખાણો, સૂચનો અને સુવિધાઓની વચ્ચે આપણે પોતાની જાતને ઓળખવાનું ભૂલી ન જઈએ તે તપાસતા રહેવાનું જરૂરી છે કારણ કે અંતે પોતાની અંદર રહેલા માણસને શોધવાની એક સર્ચ બાકી રહે છે જે દુનિયાના દરેક સર્ચ એન્જિન કરતાં વધુ જરૂરી છે.

તમારો નિખાલસ પ્રતિભાવ નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે. 

 

બુધવાર, 11 નવેમ્બર, 2026

સવાલોની સળગતી જ્યોત

જિજ્ઞાસા શ્વાસ લે ત્યાં સુધી શિક્ષણ જીવે

AI generated image.

શિક્ષણના વહાલા સહયાત્રીઓ,

કેમ છો સૌ? શિક્ષક તરીકેના મારા અનુભવમાં એક રસપ્રદ વાત સમજાઈ છે. વર્ગખંડમાં બહુ બધા પ્રશ્નો પૂછતા વિદ્યાર્થીઓ ક્યારેક શિક્ષકની ધીરજની કસોટી કરે છે, પરંતુ એકેય પ્રશ્ન ન પૂછતા વિદ્યાર્થીઓ તો શિક્ષકના આખા વ્યવસાયની કસોટી કરી નાખે છે! પ્રશ્નમાં એક અજબનું સૌંદર્ય છે. એ વર્ગખંડમાં પગ મૂકે છે, શાંતિથી ચાલતા પાઠમાં થોડી હલચલ મચાવે છે અને બદલામાં વિચારવાની નવી દિશાઓ આપી જાય છે. અફસોસ કે શાળા, કૉલેજ, યુનિવર્સિટી, પરીક્ષાઓ અને નોકરીની દોડમાં આપણે ધીમે ધીમે પ્રશ્નો પૂછવાનું ઓછું કરી દીધું છે. હવે આપણને જવાબ જોઈએ છે, એ પણ તૈયાર! શક્ય હોય તો PDFમાં, મહત્ત્વના મુદ્દા હાઇલાઇટ કરેલા અને પરીક્ષામાં લખી શકાય એવા! ટૂંકમાં IMP!!

અરે! ભાઈ, શિક્ષણ એટલે કોઈ ફોટો કોપી ઝેરોક્સ મશીન તો નથી ને! પ્રશ્નો પૂછવાનું ક્યારેય બંધ ન કરતા. વર્ગખંડમાં જિજ્ઞાસા ઓછી થાય ત્યારે શિક્ષણ ધીમે ધીમે એક નીરસ ઔપચારિકતા બની જાય છે. અભ્યાસક્રમ પૂરો થાય, પરીક્ષાઓ લેવાય, પરિણામો જાહેર થાય અને પ્રમાણપત્રો પણ મળી જાય; પરંતુ જો વિદ્યાર્થી વિચારતાં અને સવાલ કરતાં ન શીખે તો શિક્ષણનું એક મહત્ત્વનું કામ અધૂરું રહી જાય છે. આપણી જ્ઞાન પ્રણાલીમાં તો પ્રશ્નોત્તરીની સમૃદ્ધ પરંપરા છે. ઉપનિષદોમાં શિષ્યો પોતાના ગુરુઓને જીવન, સત્ય, જ્ઞાન અને આત્મા વિશે ગહન પ્રશ્નો પૂછે છે. નચિકેતાએ પણ સહેલા જવાબોથી સંતોષ માન્યો નહોતો. તેના એક પ્રશ્ને કઠોપનિષદમાં અદ્ભુત જ્ઞાનસંવાદને જન્મ આપ્યો હતો.

નઈ તાલીમ પણ આપણને સમજાવે છે કે શિક્ષણ માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી. તે  જીવન સાથે જોડાયેલી સમજણ અને ચારિત્ર્યનું ઘડતર છે. ગામના કૂવાનું પાણી ગંદું કેમ છે? ખેડૂતને પોતાના પરિશ્રમનું પૂરું વળતર કેમ નથી મળતું? દીકરીને શિક્ષણની સમાન તક કેમ અનિવાર્ય છે? આવા પ્રશ્નો પૂછતા વિદ્યાર્થીઓ જ સાચા અર્થમાં શિક્ષણના માર્ગે આગળ વધી રહ્યા હોય છે. આજે ટેક્નોલોજીએ માહિતીના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. ગૂગલ સેકન્ડોમાં હજારો જવાબ આપી શકે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો તમારી ચા ઠંડી થાય એ પહેલાં અસાઇનમેન્ટ પણ તૈયાર કરી આપે છે! પરંતુ જવાબ મળી જવો અને સાચા-ખોટાની સમજ કેળવાવી, એ બંને વચ્ચે મોટો તફાવત છે. એટલે જ વિચારશક્તિ અને વિવેકની જરૂર છે.

મારા વહાલા વિદ્યાર્થીઓ, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, પરિવારને આર્થિક ટેકો આપવા નોકરી કરતા હો, સંશોધન કરતા હો કે શિક્ષક તરીકે નવી પેઢીનું ઘડતર કરતા હો, તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય, જિજ્ઞાસાને ક્યારેય ગરીબ ન થવા દેતા. મારા શિક્ષકમિત્રો, ક્યારેક આપણે પણ આપણી પોતાની શિક્ષણપદ્ધતિને પ્રશ્ન કરીએ કે આપણે વિદ્યાર્થીઓને ચર્ચા કરવા પ્રેરિત કરીએ છીએ કે માત્ર શાંતિથી બેસીને સાંભળે તેવી અપેક્ષા રાખીએ છીએ? આપણે વિચારકો ઘડીએ છીએ કે માત્ર પરીક્ષામાં સરસ જવાબ લખી શકે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરીએ છીએ? યાદ રાખજો, જે શિક્ષક પોતે શીખવાનું બંધ કરે છે, તે હાજરીપત્રક સાથેનું હાલતું-ચાલતું સંગ્રહાલય બની જાય છે! શિક્ષણનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ ગણાવો જોઈએ કે હજી શું સમજવાનું, શોધવાનું અને સુધારવાનું બાકી છે, નહીં કે આપણે કેટલું ભણાવ્યું.

ચાલો, પ્રશ્નને હંમેશાં જીવંત રાખીએ. વર્ગખંડમાં, કાર્યસ્થળે, પરિવારમાં અને સૌથી પહેલાં પોતાના અંતરમાં પ્રશ્નો પૂછીએ; કોઈને હરાવવા માટે નહીં, પરંતુ સમજવા, શોધવા અને જીવનને થોડું વધુ સારું બનાવવા માટે. મારા વર્તમાન વિદ્યાર્થીઓ અને ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તમારી ડિગ્રીઓ જીવનના પૂર્ણવિરામ ન બને, પરંતુ તમારી જિજ્ઞાસાનું પ્રશ્નાર્થચિહ્ન બનીને જીવનભર તમને નવું શીખવા, વિચારવા અને વધુ સારા માનવી બનવા પ્રેરણા આપે તેવી અભ્યર્થના!

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ. સ્નેહ અને વિશ્વાસ સાથે વિરમું છું. ફરી એકવાર નૂતનવર્ષની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

રવિવાર, 8 નવેમ્બર, 2026

તારાઓને ગળી જતાં શહેરો

પ્રગતિના પ્રકાશમાં ઓઝલ થતું આકાશનું સૌંદર્ય

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

(આજે (8/11/2026) દિવાળીનો સપરમો દિવસ છે. તેને પ્રકાશના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે દીપોત્સવી શુભકામનાઓ સાથે થોડું પ્રકાશીય ચિંતન.)


AI generated image.
એક સમય હતો, જ્યારે રાત પડતાં આકાશમાં એક નવું વિશ્વ પ્રગટ થતું હતું. દિવસના અજવાળામાં ઓઝલ રહેતા તારાઓ રાતના અંધકારમાં પોતાનું અસ્તિત્વ પ્રગટ કરતા. આજે પરિસ્થિતિ ઊલટી થઈ છે. શહેરો રાત પડતાં વધુ ને વધુ પ્રકાશિત થાય છે અને આકાશ ધીમે ધીમે અદૃશ્ય થતું જાય છે.

ગઈકાલે રાત્રે આશ્રમ રોડના ફૂટપાથ ઉપર હું ઊભો હતો ત્યારે આ વિરોધાભાસનો અનુભવ થયો. માથા ઉપર આકાશ હતું, પરંતુ તારાઓ જાણે ક્યાંક સ્થળાંતર કરી ગયા હતા. રસ્તાઓની લાઇટો, ઊંચી ઇમારતો, જાહેરાતોનાં ઝગમગતાં પાટિયાં, મોલ અને ઓફિસોની રોશનીએ રાતને આછા નારંગી રંગની ચાદર ઓઢાડી દીધી હતી. શહેર ચમકી રહ્યું હતું, પણ બ્રહ્માંડનો ચહેરો ધૂંધળો થઈ ગયો હતો. ક્ષણભર મનમાં પ્રશ્ન થયો: શું આપણે રાતને પ્રકાશિત કરતાં કરતાં આકાશને જ ગુમાવી રહ્યા છીએ?

AI generated image.

શહેરો માત્ર જમીન અને જગ્યાને જ ગળી જતાં નથી. તેઓ ધીમે ધીમે શાંતિ, એકાંત અને અંધકારને પણ પોતાની અંદર સમાવી લે છે. વિકાસની સાથે પ્રકાશની ભૂખ પણ વધતી જાય છે. વધુ તેજસ્વી રસ્તાઓ, વધુ ઝગમગતી ઇમારતો અને રાતને પણ દિવસમાં ફેરવી નાખવાની જાણે અદમ્ય મહત્ત્વાકાંક્ષા! નિઃશંક, કૃત્રિમ પ્રકાશ માનવજાતની મહત્ત્વપૂર્ણ શોધોમાંનો એક છે. તેણે સુરક્ષા વધારી છે, કામકાજની નવી શક્યતાઓ ઊભી કરી છે અને જીવનને અનેક રીતે સરળ બનાવ્યું છે. પરંતુ કોઈ પણ સુવિધા જ્યારે પોતાની મર્યાદા ઓળંગે છે ત્યારે તે સમસ્યા બની જાય છે. અંધકાર કોઈ ખામી નથી, જેને પ્રકાશથી સુધારવાની જરૂર હોય. રાત પણ પ્રકૃતિની એક સ્વાભાવિક વ્યવસ્થા છે. તેનું પોતાનું સૌંદર્ય છે અને જીવસૃષ્ટિના જીવનચક્રમાં તેનું આગવું સ્થાન છે. દરેક અંધકારને અજવાળવાની જીદ કદાચ પ્રગતિ નહીં, પણ પ્રકૃતિને સમજવામાં આપણી નિષ્ફળતા છે.

AI generated image.

આપણી અગાઉની પેઢીઓ માટે રાતનું આકાશ રોજિંદા જીવનનો જીવંત હિસ્સો હતું. તારાઓનાં નામ, નક્ષત્રોની ઓળખ, ઋતુઓના સંકેતો અને ચંદ્રની કળાઓ તેમના અનુભવજગતનો ભાગ હતાં. આકાશ માત્ર માથા ઉપર ફેલાયેલું અંતરિક્ષ નહોતું; તે સમયનું ઘડિયાળ હતું, દિશાનું સૂચક હતું અને કલ્પનાનું અનંત વિશ્વ હતું. આજે શહેરોમાં ઉછરતાં અનેક બાળકો માટે તારાઓનું આકાશ કોઈ પુસ્તકનું ચિત્ર કે ડિજિટલ પડદા પર દેખાતું દૃશ્ય બની રહ્યું છે. જે વસ્તુ આંખ સામે જ ન હોય, તેની સાથે આત્મીયતા કેવી રીતે કેળવાય? આકાશ સાથેનો આ સંબંધ તૂટે છે ત્યારે માત્ર તારાઓ જ અદૃશ્ય થતા નથી. પ્રકૃતિને નિહાળવાની અને તેની સાથે જોડાવાની એક સહજ ક્ષમતા પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે.

માણસને માત્ર સુવિધા અને મનોરંજનની જ જરૂર નથી. તેને ક્યારેક પોતાની રોજિંદી દુનિયાની બહાર નીકળીને કોઈ વિરાટ અસ્તિત્વનો અનુભવ કરવાની પણ જરૂર છે. રાતનું આકાશ આ અનુભવ કોઈ મૂલ્ય ચૂકવ્યા વિના આપે છે. તેની નીચે ઊભા રહીએ ત્યારે જીવનની દોડધામ, સફળતા-નિષ્ફળતાના હિસાબ અને નાની-મોટી ચિંતાઓ જાણે થોડી ક્ષણો માટે પોતાનું મહત્ત્વ ગુમાવી દે છે.

AI generated image.

ટેકનોલોજી પ્રત્યેનો આપણો પ્રેમ સ્વાભાવિક છે. તેણે અંતર ઘટાડ્યાં છે, સમય બચાવ્યો છે અને માનવીની ક્ષમતાઓને અનેકગણી વિસ્તારી છે. પરંતુ ક્યારેક એવું લાગે છે કે આધુનિક જીવનનો પ્રકાશ એટલો પ્રબળ બની ગયો છે કે કુદરતના ધીમા અવાજો સંભળાતા જ બંધ થઈ ગયા છે. કૃત્રિમ પ્રકાશ તેનું એક ઉદાહરણ છે. રાતને વધુ ઉપયોગી બનાવવાની આપણી ઇચ્છાએ રાતના મૂળ સ્વરૂપને જ બદલવા માંડ્યું છે. શહેરોની આકાશરેખા હવે દીવાઓ અને ઇમારતોની ઝાકઝમાળથી ઓળખાય છે, તારાઓની પૃષ્ઠભૂમિથી નહીં. પ્રકાશનો આ અતિરેક માત્ર ખગોળપ્રેમીઓની ચિંતા નથી. તે પર્યાવરણ અને જીવસૃષ્ટિ સાથે પણ જોડાયેલો પ્રશ્ન છે. રાત્રિચર પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓની કુદરતી જીવનપદ્ધતિ પર કૃત્રિમ પ્રકાશની અસર પડે છે. આમ, જે પ્રકાશ માણસ માટે સુવિધા ઊભી કરે છે, તે અનેક જીવસૃષ્ટિ માટે અદૃશ્ય અવરોધ બની શકે છે.

AI generated image.

માનવસંસ્કૃતિના ઇતિહાસમાં તારાઓનું સ્થાન માત્ર વૈજ્ઞાનિક જિજ્ઞાસા પૂરતું મર્યાદિત નથી. કવિતાઓમાં તેઓ પ્રેમનાં પ્રતીક બન્યા છે, વાર્તાઓમાં આશાના સંકેત બન્યા છે અને આધ્યાત્મિક ચિંતનમાં અનંતતાના પ્રતીક બન્યા છે. કવિએ તારાઓમાં પ્રિયજનની આંખો જોઈ છે. સંતે તેમાં ઈશ્વરની વિરાટતાનો અનુભવ કર્યો છે. પ્રવાસીએ દિશા શોધી છે અને એકાંતમાં બેઠેલા માણસે તેમાં પોતાના અસ્તિત્વના પ્રશ્નોના પડઘા સાંભળ્યા છે. આકાશ સાથેનો સંબંધ માનવીની કલ્પનાશક્તિને વિસ્તારે છે. તેથી તારાઓનું અદૃશ્ય થવું માત્ર પર્યાવરણીય નુકસાન નથી; તે આપણી સાંસ્કૃતિક અને સંવેદનાત્મક દુનિયાની પણ ખોટ છે. જે પેઢી આકાશની વિશાળતા જોઈને ઉછરી જ ન શકે, તેની કલ્પનાની ક્ષિતિજ  મર્યાદિત બની શકે છે. આપણી પરંપરાઓએ પણ વારંવાર આકાશ તરફ નજર કરવાની પ્રેરણા આપી છે. કદાચ એટલા માટે કે તેની વિશાળતા માણસને પોતાના અહંકારની સીમાઓનો પરિચય કરાવે છે. આકાશ જાણે મૌન રહીને કહે છે કે આ બ્રહ્માંડમાં માણસનું સ્થાન મહત્ત્વનું તો છે, પરંતુ તે જ સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર નથી.

AI generated image.

શહેરો અને તારાઓ વચ્ચે કોઈ અનિવાર્ય સંઘર્ષ હોવો જરૂરી નથી. વિકાસનો અર્થ અંધકારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નથી. સમજદારીપૂર્વકનું પ્રકાશ આયોજન, જરૂરિયાત પૂરતો પ્રકાશ, ઊર્જાની કરકસર અને આકાશને ધ્યાનમાં રાખીને થતું શહેરી આયોજન આ બંને વચ્ચે સંતુલન સ્થાપી શકે છે. પ્રગતિ માત્ર આપણે કેટલું ઊભું કર્યું છે તેના પરથી માપી શકાતી નથી. આપણે શું બચાવી રાખ્યું છે, તેના પરથી પણ તેનું મૂલ્યાંકન થવું જોઈએ. આજે માણસે પૃથ્વીથી અંતરિક્ષ સુધી પહોંચવાની ક્ષમતા મેળવી છે. તે દૂરના ગ્રહોની તસવીરો ખેંચી શકે છે, અબજો પ્રકાશવર્ષ દૂરની આકાશગંગાઓનો અભ્યાસ કરી શકે છે. છતાં પોતાના જ શહેરના આકાશમાં દેખાતા મુઠ્ઠીભર તારાઓને બચાવી રાખવામાં આપણે નિષ્ફળ જઈએ, તો આ પ્રગતિના અર્થ વિશે વિચારવું પડે. રાતનું આકાશ માત્ર જોવાનું દૃશ્ય નથી; તે માનવી અને બ્રહ્માંડ વચ્ચેનો હજારો વર્ષ જૂનો સંવાદ છે. આ સંવાદને જીવંત રાખવા માટે કદાચ આપણને વધુ પ્રકાશની નહીં, થોડાક ઓછા પ્રકાશની જરૂર છે. શહેરો ભલે વધુ ને વધુ ચમકતાં જાય, પરંતુ એટલું તો જાળવી રાખવું જ રહ્યું કે ક્યારેક કોઈ રાત્રે માથું ઊંચું કરીને જોતી આંખોને આકાશમાં તારાઓ દેખાય. નહીં તો એક દિવસ આપણી પાસે પ્રકાશથી ઝળહળતાં શહેરો તો હશે, પરંતુ એ પ્રકાશની પેલે પાર વસેલું અનંત બ્રહ્માંડ જોવાની દૃષ્ટિ નહીં હોય.

સૌને દિવાળીની શુભેચ્છાઓ અને નૂતનવર્ષનાં અભિનંદન!

તમારો નિખાલસ પ્રતિભાવ નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે. 


બુધવાર, 4 નવેમ્બર, 2026

લોકશાહીના પ્રચ્છન્ન મશાલચી

મતદાનના અધિકાર પહેલાં મૂલ્યોનું વાવેતર

લોકશાહીના મજબૂત પાયાના ઘડવૈયાઓ,

કેમ છો સૌ? તબિયત સારી હશે. ભણવાનું, નોકરીનું, ઘરનું અને મોબાઇલનું બધું બરાબર ચાલતું હશે! હા, એક વાત ખાસ યાદ રાખજો. મોબાઇલની બેટરી સો ટકા હોય અને આપણા શરીરની બેટરી પાંચ ટકા હોય, તો એ પ્રગતિ નહીં, પ્રકૃતિ સાથેની ગેરસમજ કહેવાય! તમારામાંથી ઘણાના ફોન આવે છે ત્યારે વર્તમાન વિશે જે ચર્ચા થાય છે તે અંગે મારું ચિંતન તમારી સમક્ષ આજે લખું છું.

લોકશાહીનો જન્મ ચૂંટણીના દિવસથી ઘણો વહેલો એટલે કે શાળા-પ્રારંભની પ્રાર્થના અને છેલ્લા ઘંટ વચ્ચે, શિક્ષકના એક સ્મિતમાં, વિદ્યાર્થીના એક પ્રશ્નમાં અને ક્યારેક બે મિત્રો વચ્ચેના નાના ઝઘડાનાં સમાધાનમાં થઈ જાય છે.  બાળક મતદાર ઓળખપત્ર મેળવે તે પહેલાં જ લોકશાહીના પાઠ શીખવા માંડે છે. વર્ગનો મોનિટર ન્યાયપૂર્વક પસંદ થાય, શિક્ષક બધા વિદ્યાર્થીઓને બોલવાની તક આપે, કે કોઈની ભૂલ થાય તો તેને ઉતારી ન પાડે, સમજાવે- ત્યારે લોકશાહી બાળકના હૃદયમાં ઊતરે છે. આપણા વર્ગખંડો માત્ર ડિગ્રી, પ્રમાણપત્ર અને સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો પેદા કરતી ફેક્ટરીઓ નથી. એ તો નાનકડા સમાજ છે, જ્યાં બાળક પોતાનાથી જુદા વિચારો ધરાવતા માણસ સાથે જીવવાનું શીખે છે. શિક્ષકની ખુરશી સત્તાની કાયમી ગાદી નથી; એ તો સમાજે સોંપેલી એક પવિત્ર જવાબદારી છે. શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ ચારિત્ર્યઘડતર, સ્વાવલંબન, સેવાભાવનું સિંચન અને માનવીની ગરિમામાં વિશ્વાસ. જે વર્ગખંડમાં દરેક બાળકને માન મળે છે, ત્યાં લોકશાહીનો દીવો ઝળહળે છે. વિદ્યાર્થીને માન આપવું એટલે વર્ગખંડને લગ્નના જમણવારમાં ફેરવી નાખવો એવું નથી! શિસ્ત તો જરૂરી છે જ પરંતુ ગરિમા વિનાની શિસ્ત દમન બની જાય છે અને સમજણ વિનાની આજ્ઞાપાલનવૃત્તિ નાગરિકત્વનો નબળો વિકલ્પ છે, જે અંધભક્તિ કહેવાય છે.

કોઈ નાના ગામમાંથી આવેલા એક વિદ્યાર્થીની કલ્પના કરો. અંગ્રેજીમાં સહજ રીતે બોલતા સહાધ્યાયીઓ વચ્ચે તે જવાબ જાણતો હોવા છતાં બોલતાં અચકાય છે. શિક્ષકની એક ઉપેક્ષાભરી ટિપ્પણી તેના આત્મવિશ્વાસને વર્ષો સુધી ચૂપ કરી શકે છે. જ્યારે એક પ્રેમાળ પ્રોત્સાહન તેના માટે આખી દુનિયાના દરવાજા ખોલી શકે છે. બાળકને સાંભળવામાં આવે, તેને સ્વીકારવામાં આવે, ત્યારે તેના મનમાં આત્મવિશ્વાસ અને સહભાગિતાની ભાવના વિકસે છે. આ માત્ર લાગણીની વાત નથી; લોકશાહી માટે જરૂરી એવા નિર્ભય નાગરિકના ઘડતરની શરૂઆત છે. લોકશાહીને એવા નાગરિકો જોઈએ, જે નિર્ભયતાથી બોલી શકે, પૂર્વગ્રહ વિના સાંભળી શકે અને દ્વેષ વિના અસહમત થઈ શકે. આપણા ગુજરાતમાં અમદાવાદની ગીચ ગલીઓથી લઈને કચ્છનાં સૂમસામ ગામડાં સુધી, દરેક વર્ગખંડમાં જુદી જુદી જીવનકથાઓ બેઠી છે. કોઈ વિદ્યાર્થી મોંઘા મોબાઇલ સાથે આવે છે, તો કોઈ ઘરમાં એક જ સ્માર્ટફોન હોય અને આખો પરિવાર તેનો વારાફરતી ઉપયોગ કરે છે. કોઈ GPSC કે UPSCની તૈયારીમાં છે, તો કોઈ અભ્યાસની સાથે નોકરી કરીને પરિવારને ટેકો આપે છે. આ ભિન્નતાઓને ઓળખતા શિક્ષક શિક્ષણના નિર્ધારિત ધોરણ સુધી પહોંચવાની તક સૌ માટે સમાન બનાવે છે. સમાનતાનો અર્થ દરેક વિદ્યાર્થીને એકસરખી સીડી આપવી એ નથી પરંતુ દરેકને ઉપર ચઢવાની વાજબી તક મળે તે છે.

આજના સમયમાં માહિતીની ગતિ જ્ઞાન કરતાં ઘણી વધારે છે. સૂરજ ડોકાય તે પહેલાં વોટ્સએપનો એક સંદેશો રાષ્ટ્રીય ચર્ચા બની જાય છે, અને ક્યારેક વર્ગખંડની ચર્ચા સ્ક્રીનશૉટના યુદ્ધમાં ફેરવાઈ જાય છે! આવા સમયમાં શિક્ષકની જવાબદારી વધી છે. વિદ્યાર્થીને માહિતી સામે પ્રશ્ન કરવાનું, પુરાવા તપાસવાનું, વિરોધી મતને માન આપવાનું અને ટીકા તથા દ્વેષ વચ્ચેનો ભેદ સમજવાનું શીખવવું પડશે. વિદ્યાર્થીને વિચારવા અને પ્રશ્ન પૂછવા પ્રેરતા શિક્ષક પોતાની સત્તા નબળી કરતા નથી; તે લોકશાહીને મજબૂત બનાવે છે. સૌથી મોટો પાઠ શિક્ષક ભણાવતા નથી, પણ જીવતા હોય છે. વિદ્યાર્થી જુએ છે કે આપણે પટાવાળા સાથે કેવી રીતે વાત કરીએ છીએ, વાલીને કેટલા આદરથી સાંભળીએ છીએ, આપણી સાથે અસહમત સહકર્મી સાથે કેવો વ્યવહાર કરીએ છીએ અને ભૂલ કરનાર બાળકને કેવી રીતે સમજાવીએ છીએ. આપણા વર્તનમાંથી જ તે લોકશાહી શીખે છે. વર્ગખંડ એ જગ્યા છે જ્યાં આવતીકાલનો નાગરિક સ્વતંત્રતા, જવાબદારી અને પરસ્પર સન્માનનો પ્રથમ અર્થ સમજવા માંડે છે. આપણે જ્યાં પણ ભણાવીએ, શીખીએ કે જીવન જીવીએ ત્યાં એવો દીવો પ્રગટાવીએ કે આજનો વિદ્યાર્થી આવતીકાલે સમજી શકે કે લોકશાહીની સાચી તાકાત આપણા અવાજની ઊંચાઈમાં નહીં, પરંતુ એકબીજાને માન આપીને સાથે જીવવાની આપણી ઉદારતામાં વસે છે. મારા વહાલા મિત્રો, વર્ગખંડ તો લોકશાહીની સૌથી નાની સંસદ છે અને શિક્ષક તે સંસદના વડાપ્રધાન છે એમ માનજો. થોડું કહ્યું છે, ઝાઝું સમજજો.

અને હા, તમને આ પત્ર ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો અન્ય મિત્રોને અવશ્ય મોકલશો.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.
દીપાવલીની આગોતરી હાર્દિક શુભકામનાઓ અને  નૂતનવર્ષનાં અભિનંદન.

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

 (અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)


Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts