Menu

બુધવાર, 28 ઑક્ટોબર, 2026

મોટાઈનું સાચું માપ

 

નેતૃત્વનો સૌથી સુંદર વારસો

 

મારા વહાલા વિદ્યાર્થીઓ, યુવા મિત્રો અને જીવનની પાઠશાળામાં આજે પણ શીખતા રહેતા સૌ સહયાત્રીઓ,

આજકાલ સ્વાસ્થ્ય માટે થોડો તડકો ખાવાની સલાહ મળે છે પણ બીજાના જીવનમાં આશાનું અજવાળું ફેલાવવાનો તડકો પણ એટલો જ જરૂરી છે. આપણા થકી કોઈના ચહેરા પર આત્મવિશ્વાસનું સ્મિત ખીલે તો સમજવું કે આપણે માત્ર જીવ્યા નથી, કોઈના જીવનને થોડું વધુ સુંદર પણ બનાવ્યું છે.

આજકાલ સૌને નેતા બનવું છે! નેતૃત્વના વર્ગો, વ્યક્તિત્વવિકાસની શિબિરો અને પ્રેરણાનાં વ્યાખ્યાનોની ભરમાર છે. સોશિયલ મીડિયા પર તો સલાહ આપનારાઓ એટલા છે કે તેમની બધી સલાહ સાંભળતાં માણસને નિવૃત્તિ લઈ લેવાનું મન થાય! પણ આ દોડધામમાં એક સાદી વાત ભુલાઈ જાય છે કે નેતા કેટલા લોકોની નજરમાં ઊંચો છે એના કરતાં તેના થકી કેટલા લોકો ઊંચા ઊઠ્યા છે એ વધુ મહત્ત્વનું છે.

વર્ગખંડમાં મેં આ વાત અનેક વાર અનુભવી છે. સારા શિક્ષક વિદ્યાર્થીના સવાલથી ગભરાતા નથી. ઉદાર અનુભવી પોતાનું જ્ઞાન જુનિયરથી છુપાવતા નથી. સાચો ટીમલીડર સફળતાનો બધો યશ પોતે લઈ લેતો નથી અને નિષ્ફળતા આવે ત્યારે દોષનો ટોપલો બીજાના માથે ધરી દેતો નથી! આવા લોકો જાણે છે કે જ્ઞાન વહેંચવાથી ઘટતું નથી. એક દીવો બીજા દીવાને પ્રગટાવે તો તેનો પ્રકાશ ઓછો થતો નથી. ઊલટું, અજવાળું વધે છે અને અંધકારને પોતાનો કરિયાવર સમેટવો પડે છે! જો કે કેટલાક લોકો માટે નેતૃત્વ એટલે ખુરશી પર કાયમી કબજો. ખુરશી મળે એટલે ચિંતા શરૂ થાય કે હવે કોઈ બીજું બેસી તો નહીં જાય ને! દરેક કાર્યક્રમમાં પોતાનું નામ, દરેક સમારંભમાં પોતાનો ફોટો અને દરેક ચર્ચામાં છેલ્લો શબ્દ પોતાનો જ જોઈએ. વિદ્યાર્થી સારું કામ કરે તો પણ તેની સફળતામાં પોતાનો કેટલો ફાળો છે એ સમજાવવાની તક તેઓ છોડતા નથી. જાણે વિદ્યાર્થી સફળ થયો નથી, પોતાના નેતૃત્વનો વાર્ષિક અહેવાલ તૈયાર થયો છે!

મારા મિત્રો, નેતૃત્વ એકલદોકલ કલાકારનો કાર્યક્રમ નથી, ઑરકેસ્ટ્રા (સંગીતવૃંદ) છે. તેમાં સંચાલક દરેક વાદ્ય પોતે વગાડતો નથી; દરેકને પોતાનો સૂર સંભળાવવાની તક આપે છે. સંગીતની સુંદરતા એક જ વાદ્યના ઘોંઘાટમાં નહીં, બધા સૂરના સુમેળમાં છે. શિક્ષકનું સાચું નેતૃત્વ ત્યારે દેખાય છે, જ્યારે કોઈ અંતરિયાળ ગામમાંથી આવેલો વિદ્યાર્થી પોતાની અંદરની પ્રતિભાને ઓળખે છે. ક્યારેક પ્રોત્સાહનના બે શબ્દો, મંચ પર બોલવાની એક તક કે ઘડિયાળ જોયા વિના કોઈની વાત સાંભળવાની તૈયારી વિદ્યાર્થીનું જીવન બદલી શકે છે.

આજના યુગમાં પણ નેતૃત્વની આવી જ જરૂર છે. ટેક્નોલોજી જાણતો વિદ્યાર્થી પોતાના સાથીને ઑનલાઇન અરજી કરવામાં મદદ કરે, યુવાન પોતાના નવા સહકર્મીને કામ શીખવે કે વિદ્યાર્થીમંડળનો આગેવાન મૌન રહેતા સાથીને બોલવાની તક આપે ત્યારે નેતૃત્વ જીવંત બને છે. બને કે આવી મદદ માટે કોઈ હૅશટૅગ ટ્રેન્ડ ન કરે, પણ વિશ્વાસનું બીજ જરૂર વવાય છે.  સેવા કોઈ બેનર પર લખી મૂકવાનો શબ્દ નથી. સેવા એટલે ઊંચા આસન પરથી મદદનો હાથ લંબાવવો નહીં, પણ કોઈની બાજુમાં ઊભા રહી તેને પોતાની શક્તિ ઓળખવામાં મદદ કરવી. કોઈ આપણા પર વિશ્વાસ મૂકે ત્યારે ઘણીવાર આપણને આપણી શક્તિનો પરિચય થાય છે. ભૂલ થાય ત્યારે ઉતારી પાડવાને બદલે ફરી પ્રયત્ન કરવાની તક આપીએ તો આત્મવિશ્વાસનાં મૂળિયાં ઊંડાં ઊતરે છે. સાચા નેતાનો હેતુ પોતાના પર આધાર રાખતા અનુયાયીઓ ઊભા કરવાનો નહીં પણ પોતાના વિના પણ આગળ વધી શકે એવા સક્ષમ માણસો ઘડવાનો છે. બીજાને ચમકાવવા માટે પોતાનો પ્રકાશ બુઝાવવાની જરૂર નથી. મહત્ત્વાકાંક્ષી બનો પણ અસલામત નહીં; સફળ બનો, પણ અહંકારી નહીં. તમારી હાજરીમાં બીજાને પોતે વામણા હોવાનો અહેસાસ ન થાય, એ જ તમારી મોટી સફળતા છે. તમે શિક્ષક હો, અધિકારી હો, વ્યવસાયી હો કે કોઈ મિત્રને મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ કરતા હો, યાદ રાખજો: બીજાની સફળતાથી તમારું મહત્ત્વ ઘટતું નથી. સાચી મહત્તા તો ત્યારે પ્રગટ થાય છે, જ્યારે તમારી સાથે ચાલનાર પણ ઊંચો ઊઠે છે. નેતૃત્વનો સૌથી સુંદર વારસો એ નથી કે કેટલા લોકો તમને યાદ રાખે છે, પરંતુ એ છે કે તમારા સાથથી કેટલા લોકો પોતાની શક્તિ ઓળખીને એક દિવસ માથું ઊંચું રાખીને ઊભા રહેતાં શીખે છે.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ સ્નેહ અને વિશ્વાસ સાથે વિરમું છું. તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

(અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)Top of Form

રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ચાની ચુસ્કી યાને ઉપચાર પદ્ધતિ

મનના સ્ટેશન પર એક વિરામ

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મારા એક અત્યંત વ્યસ્ત મિત્રનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તે નજીકમાં હતો અને તેની પાસે દસ-પંદર મિનિટનો સમય હતો. અમે સાથે ચા પીવા ગયા. આયોજન માત્ર એટલું હતું કે ચા પીવી અને ઘણા સમયથી મળ્યા નહોતા તો ખબર અંતર પૂછવા. પરંતુ વીસેક મિનિટ પછી અમે બાળપણના તોફાનો, યુવાનીમાં કારકિર્દીની મૂંઝવણો, પરિવારની અપેક્ષાઓ અને દર રવિવારની સાંજે કોઈ જાણ કર્યા વગર આવી ચડતા અજાણ્યા ઉદાસીનતાના વાદળો વિશે વાત કરી રહ્યા હતા. ચા તો ક્યારની પૂરી થઈ ગઈ હતી પણ વાતો હજુ ચાલુ હતી. આ ઘટના વિશે વિચારતા મને લાગ્યું કે આખરે માણસ સૌથી સહજ વાતો ચાના કપ પાસે જ કરે છે; કાર્યાલયના સભાખંડોમાં કે વિડિયો મીટિંગોમાં નહીં. ત્યાં ઇન્ટરનેટનું જોડાણ તો ઉત્તમ હોય પણ લાગણીઓનું જોડાણ નબળું હોય છે. ચાની કીટલીએ બેઠાં બેઠાં મનનો ભાર હળવો થઈ જાય છે.

ચાની લારી એક અદ્ભુત જગ્યા છે. ત્યાં કોઈ પોતાનું જીવન બદલવા જતું નથી છતાં જીવન બદલાઈ જાય છે. વેપારીની બાજુમાં વિદ્યાર્થી ઊભો હોય છે. ઇજનેરની સાથે ડ્રાઇવર ચા પીતો હોય છે. નિવૃત્ત કાકા અને પોતાના ભવિષ્ય અંગે મૂંઝાતા યુવાનો એક જ છાંયામાં ઊભા હોય છે. ચાની લારીએ બધાં થોડા સમય માટે સમાન બની જાય છે. આપણી અનેક પ્રાચીન કથાઓમાં જ્ઞાન અણધારી જગ્યાએ મળી રહે છે, રાજમહેલોમાં કે વિશ્વવિદ્યાલયોમાં નહીં પણ કોઈ વૃક્ષની નીચે અથવા નદીકાંઠે અથવા તાપણાની આસપાસ. સત્યને હંમેશાં સાદા સરનામાં જ ગમતાં આવ્યા છે.

માનો કે તમારું મન એક વ્યસ્ત રેલવે સ્ટેશન છે. તેમાં વિચારો ચારેય તરફથી ઘૂસી આવે છે, ચિંતા કોઈ આમંત્રણ વગર આવી પહોંચે છે, અફસોસ પ્લેટફોર્મ છોડવાનું નામ લેતો નથી અને ભવિષ્યની મૂંઝવણો વારંવાર ઘોઘરા અવાજમાં જાહેરાત કરતી રહે છે. એવામાં કોઈ તમારા હાથમાં ગરમ ચાનો ગ્લાસ મૂકી દે તો એક ક્ષણ માટે જાણે મનનાં સ્ટેશનમાં શાંતિ પથરાઈ જાય. જો કે સમસ્યાઓ ગાયબ નથી થઈ જતી પણ તમારું ધ્યાન થોડા સમય માટે એક ઠેકાણું શોધી લે છે. ક્યારેક ઉપચારનો અર્થ ઉકેલ નહીં, માત્ર વિરામ હોય છે. ચા તમારું જીવન બદલતી નથી. તે તો ફક્ત એટલું કહે છે કે  “પહેલાં થોડું બેસી જા.”  તમે સંમત થશો કે આ વાક્યમાં અદભુત શક્તિ રહેલી છે. આ અર્થમાં તે ટી-થેરાપી છે, ચા ઉપચાર પદ્ધતિ! આપણે સેંકડો લોકો સાથે જોડાયેલા છીએ છતાં “મને આજે સારું નથી લાગતું.” એટલું કોઇ એક વ્યક્તિને પણ કહી શકતા નથી. સામાજિક માધ્યમ પર મેસેજને ગમે તેટલી વખત એડિટ કરી શકાય અને ફોટો ગમે તેટલો સુંદર બનાવી શકાય પણ ચાની સાથે થતી વાતચીતમાં કોઈ એડિટ બટન હોતું નથી. એટલા માટે તે સાચી લાગે છે, કૃત્રિમ નહીં. તમે કપ તરફ નજર રાખીને એવી વાતો કહી શકો છો, જે કદાચ તમે ક્યારેય જાહેરમાં ન કહો. ચાની વરાળ ઊંચે ચડે છે અને મનના નકાબ ધીમે ધીમે ઉતરી જાય છે. જેમ કોઈ બિલાડી ઘરમાં પ્રવેશે અને જાણે આખું ઘર તેનું જ હોય એવી નિરાંતે બેસી જાય એમ સચ્ચાઈ, ભલે ધડાકાભેર નહીં, પણ આવે છે.

નિરાશાનો સામનો કેવી રીતે કરવો? પોતાને માફી કેવી રીતે આપવી? નિષ્ફળતા પછી ફરી ઊભા કેવી રીતે થવું? જીવનના આ પ્રશ્નોની કોઈ બોર્ડ પરીક્ષા નથી હોતી. એના જવાબો ઘણીવાર ચાના વિરામ દરમિયાન મળી જાય છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિ પોતાનો અનુભવ કહે છે, કોઈ મિત્ર પોતાની ભૂલ સ્વીકારી લે છે, કોઈ તેને દુનિયાનો અંત લાગી હતી એવી પોતાની નિષ્ફળતા પર હસે છે  અને અચાનક શિક્ષકના વેશ વગર એક પાઠનો જીવનમાં પ્રવેશ થઈ જાય છે. શિક્ષણ હંમેશાં વર્ગખંડમાં મળતું નથી, ક્યારેક તે ચાની કીટલીના માધ્યમથી આવે છે. આપણે રોજિંદી નાની-નાની આદતોની અસીમ શક્તિને ઓળખવામાં ઊણા ઉતરીએ છીએ. કોઈ ભવ્ય અનુષ્ઠાનો કે મોટા વિધિ-વિધાનોની નહીં, પણ પ્રભાતનું શાંત ભ્રમણ, સંધ્યાકાળની પ્રાર્થના, સાથી કર્મચારીના ટિફિનમાંથી એક-બે કોળિયા ભોજન કે પછી ઉકળતી ચાની સુગંધ જેવી અત્યંત સહજ અને નાની બાબતોની પુનરાવર્તિત પવિત્ર ક્ષણો અશાંત મનને ટેકો આપતા અદ્રશ્ય આધારસ્તંભ બની જાય છે. આ જ તો છે પોતાના નિજધામ તરફ પાછા ફરવું, પોતાના શ્વાસના લયને અનુભવવો, કૃતજ્ઞતાના અહોભાવમાં ઓગળવું, અને વર્તમાનમાં સ્થિર થવું.

એક ટી-બ્રેક જાદુ કરી શકે છે. એ આપણને સંસારની વિષમતામાંથી ધીમેથી બહાર કાઢે છે, અવિરત સૂચનાઓના ઘોંઘાટથી દૂર કરે છે, જિંદગીની દોડધામમાંથી બહાર ખેંચી લાવે છે અને આપણું આપણી જ સાથે પુનર્મિલન કરાવે છે. ક્ષણભર પણ અટકવાનું ભૂલી ગયેલી દુનિયામાં ચાની ગરમ પ્યાલી જાણે કે એક શાંત વિરામચિહ્ન બનીને ઊભી રહી જાય છે. કેવી સુંદર અને રસપ્રદ વિસંગતિ! કોઈ ક્યારેય એવું નથી કહેતું કે, “ચાલ, હું મારા મનના ઘા રૂઝવવા જાઉં છું.” લોકો તો માત્ર એટલું જ કહે છેઃ “હાલ ને, ઘડીક ચા પીવા જઈએ!” બસ, એટલું જ. ન તો કોઈ ભવ્ય આયોજન, ન કોઈ પ્રેરણાદાયી સૂત્રો કે ન તો કોઈ ઉપદેશ. માત્ર બે જીવંત માણસો. એક મન ખોલીને બોલે છે, બીજો તલ્લીન થઈને સાંભળે છે. પહેલી ચુસ્કીથી લઈને છેલ્લી ચુસ્કી સુધીના એ ટૂંકા અંતરમાં ભારેખમ મન હળવું ફૂલ થઈ જાય છે; કોઈ અદ્ભુત સલાહ મળી એટલે નહીં, પણ કોઈ તે ક્ષણે તન-મનથી તમારી સાથે હાજર હતું એટલે. ક્યારેક બસ, એટલું જ કાફી હોય છે. અસાધારણ ઉકેલોની ઘેલછામાં દોડતી આ દુનિયા સાદા અને સરળ સાન્નિધ્યની શક્તિને ભૂલી જાય છે. જીવનનું પરમ જ્ઞાન આદુ અને એલચીની હળવી સોડમમાં છુપાયેલું હોય છે. હાથ જ્યારે ચાની હૂંફ અનુભવતા હોય ત્યારે હૃદયના દ્વાર વધુ સહેલાઈથી ખૂલી જતા હોય છે. જીવનના સૌથી ગહન અને અર્થપૂર્ણ સંવાદોની શરૂઆત માત્ર એક જ શબ્દથી થાય છે  “ચા!”

જ્યારે તમે ચાની કોઈ કિટલી કે લારી પર, કાર્યાલયના એક ખૂણે, રેલવેના પ્લેટફોર્મ પર કે ઘરની બાલ્કનીમાં ચાનો કપ હાથમાં લઈને ઊભા હો  ત્યારે પોતાના હૃદયની વાર્તા વહેતી કરવા માંગતું હોય તેવુ કોઈ આસપાસ હોય તો ધ્યાન દેજો અથવા કદાચ તે તમે પોતે તો નથીને તે વિચારજો. ચાના વિરામની પાછળ એક દિવ્ય સત્ય છુપાયેલું છે કે માણસને માત્ર ચાની તરસ નથી હોતી, એને અંદરથી એક સાચુકલા જોડાણની, સ્નેહભર્યા સાથની તરસ હોય છે.  ચાના એક સાદા કપે તમને કશુંક ગહન શીખવ્યું હોય તો જરૂર જણાવજો.

તમારા નિખાલસ પ્રતિભાવો અને સૂચનો નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.

 (અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)

 

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts