મનના સ્ટેશન પર એક વિરામ
-ભરત
જોશી ‘પાર્થ મહાબાહુ’

મારા
એક અત્યંત વ્યસ્ત મિત્રનો ફોન આવ્યો. તેણે
કહ્યું કે તે નજીકમાં હતો અને તેની પાસે દસ-પંદર મિનિટનો સમય હતો. અમે સાથે ચા પીવા
ગયા. આયોજન માત્ર એટલું હતું કે ચા પીવી અને ઘણા સમયથી મળ્યા નહોતા તો ખબર અંતર પૂછવા. પરંતુ વીસેક મિનિટ પછી અમે બાળપણના તોફાનો, યુવાનીમાં કારકિર્દીની
મૂંઝવણો, પરિવારની અપેક્ષાઓ અને દર રવિવારની સાંજે કોઈ જાણ કર્યા વગર આવી ચડતા અજાણ્યા ઉદાસીનતાના વાદળો વિશે વાત કરી રહ્યા હતા. ચા તો
ક્યારની પૂરી થઈ ગઈ હતી પણ વાતો હજુ ચાલુ હતી. આ ઘટના વિશે વિચારતા મને લાગ્યું
કે આખરે માણસ સૌથી સહજ વાતો ચાના કપ પાસે જ
કરે છે;
કાર્યાલયના સભાખંડોમાં કે વિડિયો
મીટિંગોમાં નહીં.
ત્યાં ઇન્ટરનેટનું જોડાણ તો ઉત્તમ હોય પણ લાગણીઓનું જોડાણ નબળું
હોય છે. ચાની કીટલીએ બેઠાં
બેઠાં મનનો ભાર હળવો થઈ જાય છે.

ચાની
લારી એક અદ્ભુત જગ્યા છે. ત્યાં કોઈ પોતાનું જીવન બદલવા જતું નથી છતાં જીવન બદલાઈ
જાય છે. વેપારીની બાજુમાં વિદ્યાર્થી ઊભો હોય છે. ઇજનેરની સાથે ડ્રાઇવર ચા પીતો હોય છે. નિવૃત્ત કાકા અને
પોતાના ભવિષ્ય અંગે મૂંઝાતા યુવાનો એક જ છાંયામાં ઊભા હોય છે. ચાની લારીએ બધાં થોડા સમય માટે સમાન બની જાય છે. આપણી અનેક પ્રાચીન
કથાઓમાં જ્ઞાન અણધારી જગ્યાએ મળી રહે છે, રાજમહેલોમાં કે વિશ્વવિદ્યાલયોમાં નહીં પણ કોઈ
વૃક્ષની નીચે અથવા નદીકાંઠે અથવા તાપણાની આસપાસ. સત્યને હંમેશાં સાદા સરનામાં જ ગમતાં આવ્યા છે.

માનો
કે તમારું મન એક વ્યસ્ત રેલવે સ્ટેશન છે. તેમાં વિચારો ચારેય તરફથી ઘૂસી આવે છે, ચિંતા કોઈ આમંત્રણ વગર આવી પહોંચે છે, અફસોસ પ્લેટફોર્મ છોડવાનું નામ લેતો નથી અને ભવિષ્યની મૂંઝવણો વારંવાર ઘોઘરા અવાજમાં જાહેરાત કરતી રહે છે. એવામાં
કોઈ તમારા હાથમાં ગરમ ચાનો ગ્લાસ મૂકી દે તો એક ક્ષણ માટે
જાણે મનનાં સ્ટેશનમાં શાંતિ પથરાઈ જાય. જો કે સમસ્યાઓ ગાયબ નથી થઈ જતી પણ
તમારું ધ્યાન થોડા સમય માટે એક ઠેકાણું શોધી લે છે. ક્યારેક
ઉપચારનો અર્થ ઉકેલ નહીં, માત્ર વિરામ હોય છે. ચા તમારું જીવન
બદલતી નથી. તે તો ફક્ત એટલું કહે છે કે “પહેલાં થોડું બેસી જા.” તમે સંમત થશો કે આ વાક્યમાં અદભુત શક્તિ રહેલી છે. આ અર્થમાં તે ટી-થેરાપી
છે, ચા ઉપચાર પદ્ધતિ! આપણે સેંકડો લોકો સાથે જોડાયેલા છીએ છતાં “મને આજે સારું નથી લાગતું.” એટલું કોઇ એક
વ્યક્તિને પણ કહી શકતા નથી. સામાજિક માધ્યમ પર મેસેજને ગમે
તેટલી વખત એડિટ કરી શકાય અને ફોટો
ગમે તેટલો સુંદર બનાવી શકાય પણ ચાની સાથે થતી
વાતચીતમાં કોઈ એડિટ બટન હોતું નથી. એટલા માટે તે સાચી લાગે
છે, કૃત્રિમ નહીં. તમે કપ તરફ નજર રાખીને એવી વાતો કહી શકો
છો,
જે કદાચ તમે ક્યારેય જાહેરમાં ન કહો. ચાની વરાળ ઊંચે ચડે છે
અને મનના નકાબ ધીમે ધીમે ઉતરી જાય છે. જેમ કોઈ બિલાડી ઘરમાં પ્રવેશે અને જાણે આખું
ઘર તેનું જ હોય એવી નિરાંતે બેસી જાય એમ સચ્ચાઈ, ભલે ધડાકાભેર નહીં, પણ આવે છે.

નિરાશાનો
સામનો કેવી રીતે કરવો?
પોતાને માફી કેવી રીતે આપવી? નિષ્ફળતા પછી ફરી ઊભા કેવી રીતે થવું? જીવનના આ
પ્રશ્નોની કોઈ બોર્ડ પરીક્ષા નથી હોતી. એના જવાબો
ઘણીવાર ચાના વિરામ દરમિયાન મળી જાય છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિ પોતાનો અનુભવ કહે છે,
કોઈ મિત્ર પોતાની ભૂલ સ્વીકારી લે છે, કોઈ તેને
દુનિયાનો અંત લાગી હતી એવી પોતાની નિષ્ફળતા
પર હસે છે અને અચાનક શિક્ષકના વેશ વગર એક
પાઠનો જીવનમાં પ્રવેશ થઈ જાય છે. શિક્ષણ
હંમેશાં વર્ગખંડમાં મળતું નથી, ક્યારેક તે ચાની કીટલીના
માધ્યમથી આવે છે. આપણે રોજિંદી નાની-નાની આદતોની અસીમ શક્તિને
ઓળખવામાં ઊણા ઉતરીએ છીએ. કોઈ ભવ્ય અનુષ્ઠાનો કે મોટા વિધિ-વિધાનોની નહીં, પણ પ્રભાતનું શાંત ભ્રમણ, સંધ્યાકાળની પ્રાર્થના, સાથી કર્મચારીના ટિફિનમાંથી
એક-બે કોળિયા ભોજન કે પછી ઉકળતી ચાની સુગંધ જેવી
અત્યંત સહજ અને નાની બાબતોની પુનરાવર્તિત પવિત્ર ક્ષણો અશાંત મનને ટેકો આપતા અદ્રશ્ય આધારસ્તંભ બની જાય છે. આ જ તો છે પોતાના નિજધામ તરફ પાછા ફરવું, પોતાના શ્વાસના લયને અનુભવવો, કૃતજ્ઞતાના અહોભાવમાં
ઓગળવું, અને વર્તમાનમાં સ્થિર થવું.

એક
ટી-બ્રેક જાદુ કરી શકે
છે. એ આપણને સંસારની વિષમતામાંથી ધીમેથી બહાર કાઢે છે, અવિરત સૂચનાઓના ઘોંઘાટથી દૂર કરે છે, જિંદગીની દોડધામમાંથી બહાર ખેંચી લાવે છે અને આપણું આપણી જ સાથે પુનર્મિલન કરાવે છે. ક્ષણભર પણ અટકવાનું
ભૂલી ગયેલી દુનિયામાં ચાની ગરમ પ્યાલી જાણે
કે એક શાંત વિરામચિહ્ન બનીને ઊભી રહી જાય છે. કેવી સુંદર અને
રસપ્રદ વિસંગતિ! કોઈ ક્યારેય એવું નથી કહેતું કે, “ચાલ, હું મારા મનના ઘા રૂઝવવા જાઉં છું.” લોકો તો માત્ર એટલું જ કહે છેઃ
“હાલ ને, ઘડીક ચા પીવા જઈએ!” બસ, એટલું જ. ન તો કોઈ ભવ્ય આયોજન, ન કોઈ પ્રેરણાદાયી સૂત્રો કે ન તો કોઈ ઉપદેશ. માત્ર બે જીવંત માણસો. એક મન ખોલીને બોલે છે, બીજો તલ્લીન થઈને સાંભળે છે. પહેલી ચુસ્કીથી લઈને છેલ્લી ચુસ્કી સુધીના એ
ટૂંકા અંતરમાં ભારેખમ મન હળવું ફૂલ થઈ જાય છે; કોઈ અદ્ભુત સલાહ મળી એટલે નહીં, પણ
કોઈ તે ક્ષણે તન-મનથી તમારી સાથે હાજર હતું એટલે. ક્યારેક બસ, એટલું જ કાફી હોય છે. અસાધારણ ઉકેલોની
ઘેલછામાં દોડતી આ દુનિયા સાદા અને સરળ સાન્નિધ્યની શક્તિને ભૂલી જાય છે. જીવનનું પરમ જ્ઞાન આદુ અને એલચીની હળવી
સોડમમાં છુપાયેલું હોય છે. હાથ જ્યારે ચાની હૂંફ અનુભવતા હોય ત્યારે હૃદયના દ્વાર વધુ સહેલાઈથી ખૂલી જતા હોય છે. જીવનના સૌથી ગહન અને
અર્થપૂર્ણ સંવાદોની શરૂઆત માત્ર એક જ શબ્દથી થાય છે “ચા!”

જ્યારે
તમે ચાની કોઈ કિટલી કે લારી પર, કાર્યાલયના એક ખૂણે,
રેલવેના પ્લેટફોર્મ પર કે ઘરની બાલ્કનીમાં ચાનો કપ હાથમાં
લઈને ઊભા હો ત્યારે પોતાના હૃદયની
વાર્તા વહેતી કરવા માંગતું હોય તેવુ કોઈ આસપાસ હોય તો ધ્યાન દેજો અથવા કદાચ તે તમે પોતે તો નથીને તે વિચારજો. ચાના
વિરામની પાછળ એક દિવ્ય સત્ય છુપાયેલું છે કે માણસને માત્ર ચાની તરસ નથી હોતી, એને
અંદરથી એક સાચુકલા જોડાણની, સ્નેહભર્યા સાથની તરસ હોય છે. ચાના એક સાદા કપે તમને કશુંક ગહન
શીખવ્યું હોય તો જરૂર જણાવજો.
તમારા નિખાલસ પ્રતિભાવો અને સૂચનો નીચે કોમેન્ટ સેક્શનમાં
અપેક્ષિત છે.
ચા માટેની ચાહ જ અકલ્પનીય છે
જવાબ આપોકાઢી નાખોઆમ થવાનું કારણ સંશોધનીય છે...
ધન્યવાદ!
કાઢી નાખોસુંદર વિચાર પ્રેરક લેખ છે સર. જીવન પણ રેલવેના વ્યસ્ત પ્લેટફોર્મ જેવું છે, જ્યાં વિચારો અને ચિંતાઓની સતત અવરજવર ચાલતી રહે છે. આવા સમયે ચાની એક ચુસ્કી અને કોઈકનો સ્નેહ ભર્યો સાથ મનને થોડી ક્ષણોનો વિરામ આપી જાય છે.
જવાબ આપોકાઢી નાખોઆભાર, કપિલભાઈ!
કાઢી નાખો