Menu

બુધવાર, 28 ઑક્ટોબર, 2026

મોટાઈનું સાચું માપ

 

નેતૃત્વનો સૌથી સુંદર વારસો

 

મારા વહાલા વિદ્યાર્થીઓ, યુવા મિત્રો અને જીવનની પાઠશાળામાં આજે પણ શીખતા રહેતા સૌ સહયાત્રીઓ,

આજકાલ સ્વાસ્થ્ય માટે થોડો તડકો ખાવાની સલાહ મળે છે પણ બીજાના જીવનમાં આશાનું અજવાળું ફેલાવવાનો તડકો પણ એટલો જ જરૂરી છે. આપણા થકી કોઈના ચહેરા પર આત્મવિશ્વાસનું સ્મિત ખીલે તો સમજવું કે આપણે માત્ર જીવ્યા નથી, કોઈના જીવનને થોડું વધુ સુંદર પણ બનાવ્યું છે.

આજકાલ સૌને નેતા બનવું છે! નેતૃત્વના વર્ગો, વ્યક્તિત્વવિકાસની શિબિરો અને પ્રેરણાનાં વ્યાખ્યાનોની ભરમાર છે. સોશિયલ મીડિયા પર તો સલાહ આપનારાઓ એટલા છે કે તેમની બધી સલાહ સાંભળતાં માણસને નિવૃત્તિ લઈ લેવાનું મન થાય! પણ આ દોડધામમાં એક સાદી વાત ભુલાઈ જાય છે કે નેતા કેટલા લોકોની નજરમાં ઊંચો છે એના કરતાં તેના થકી કેટલા લોકો ઊંચા ઊઠ્યા છે એ વધુ મહત્ત્વનું છે.

વર્ગખંડમાં મેં આ વાત અનેક વાર અનુભવી છે. સારા શિક્ષક વિદ્યાર્થીના સવાલથી ગભરાતા નથી. ઉદાર અનુભવી પોતાનું જ્ઞાન જુનિયરથી છુપાવતા નથી. સાચો ટીમલીડર સફળતાનો બધો યશ પોતે લઈ લેતો નથી અને નિષ્ફળતા આવે ત્યારે દોષનો ટોપલો બીજાના માથે ધરી દેતો નથી! આવા લોકો જાણે છે કે જ્ઞાન વહેંચવાથી ઘટતું નથી. એક દીવો બીજા દીવાને પ્રગટાવે તો તેનો પ્રકાશ ઓછો થતો નથી. ઊલટું, અજવાળું વધે છે અને અંધકારને પોતાનો કરિયાવર સમેટવો પડે છે! જો કે કેટલાક લોકો માટે નેતૃત્વ એટલે ખુરશી પર કાયમી કબજો. ખુરશી મળે એટલે ચિંતા શરૂ થાય કે હવે કોઈ બીજું બેસી તો નહીં જાય ને! દરેક કાર્યક્રમમાં પોતાનું નામ, દરેક સમારંભમાં પોતાનો ફોટો અને દરેક ચર્ચામાં છેલ્લો શબ્દ પોતાનો જ જોઈએ. વિદ્યાર્થી સારું કામ કરે તો પણ તેની સફળતામાં પોતાનો કેટલો ફાળો છે એ સમજાવવાની તક તેઓ છોડતા નથી. જાણે વિદ્યાર્થી સફળ થયો નથી, પોતાના નેતૃત્વનો વાર્ષિક અહેવાલ તૈયાર થયો છે!

મારા મિત્રો, નેતૃત્વ એકલદોકલ કલાકારનો કાર્યક્રમ નથી, ઑરકેસ્ટ્રા (સંગીતવૃંદ) છે. તેમાં સંચાલક દરેક વાદ્ય પોતે વગાડતો નથી; દરેકને પોતાનો સૂર સંભળાવવાની તક આપે છે. સંગીતની સુંદરતા એક જ વાદ્યના ઘોંઘાટમાં નહીં, બધા સૂરના સુમેળમાં છે. શિક્ષકનું સાચું નેતૃત્વ ત્યારે દેખાય છે, જ્યારે કોઈ અંતરિયાળ ગામમાંથી આવેલો વિદ્યાર્થી પોતાની અંદરની પ્રતિભાને ઓળખે છે. ક્યારેક પ્રોત્સાહનના બે શબ્દો, મંચ પર બોલવાની એક તક કે ઘડિયાળ જોયા વિના કોઈની વાત સાંભળવાની તૈયારી વિદ્યાર્થીનું જીવન બદલી શકે છે.

આજના યુગમાં પણ નેતૃત્વની આવી જ જરૂર છે. ટેક્નોલોજી જાણતો વિદ્યાર્થી પોતાના સાથીને ઑનલાઇન અરજી કરવામાં મદદ કરે, યુવાન પોતાના નવા સહકર્મીને કામ શીખવે કે વિદ્યાર્થીમંડળનો આગેવાન મૌન રહેતા સાથીને બોલવાની તક આપે ત્યારે નેતૃત્વ જીવંત બને છે. બને કે આવી મદદ માટે કોઈ હૅશટૅગ ટ્રેન્ડ ન કરે, પણ વિશ્વાસનું બીજ જરૂર વવાય છે.  સેવા કોઈ બેનર પર લખી મૂકવાનો શબ્દ નથી. સેવા એટલે ઊંચા આસન પરથી મદદનો હાથ લંબાવવો નહીં, પણ કોઈની બાજુમાં ઊભા રહી તેને પોતાની શક્તિ ઓળખવામાં મદદ કરવી. કોઈ આપણા પર વિશ્વાસ મૂકે ત્યારે ઘણીવાર આપણને આપણી શક્તિનો પરિચય થાય છે. ભૂલ થાય ત્યારે ઉતારી પાડવાને બદલે ફરી પ્રયત્ન કરવાની તક આપીએ તો આત્મવિશ્વાસનાં મૂળિયાં ઊંડાં ઊતરે છે. સાચા નેતાનો હેતુ પોતાના પર આધાર રાખતા અનુયાયીઓ ઊભા કરવાનો નહીં પણ પોતાના વિના પણ આગળ વધી શકે એવા સક્ષમ માણસો ઘડવાનો છે. બીજાને ચમકાવવા માટે પોતાનો પ્રકાશ બુઝાવવાની જરૂર નથી. મહત્ત્વાકાંક્ષી બનો પણ અસલામત નહીં; સફળ બનો, પણ અહંકારી નહીં. તમારી હાજરીમાં બીજાને પોતે વામણા હોવાનો અહેસાસ ન થાય, એ જ તમારી મોટી સફળતા છે. તમે શિક્ષક હો, અધિકારી હો, વ્યવસાયી હો કે કોઈ મિત્રને મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ કરતા હો, યાદ રાખજો: બીજાની સફળતાથી તમારું મહત્ત્વ ઘટતું નથી. સાચી મહત્તા તો ત્યારે પ્રગટ થાય છે, જ્યારે તમારી સાથે ચાલનાર પણ ઊંચો ઊઠે છે. નેતૃત્વનો સૌથી સુંદર વારસો એ નથી કે કેટલા લોકો તમને યાદ રાખે છે, પરંતુ એ છે કે તમારા સાથથી કેટલા લોકો પોતાની શક્તિ ઓળખીને એક દિવસ માથું ઊંચું રાખીને ઊભા રહેતાં શીખે છે.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ સ્નેહ અને વિશ્વાસ સાથે વિરમું છું. તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

(અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)Top of Form

7 ટિપ્પણીઓ:

  1. સ્વાસ્થ્ય માટે તડકો સારો. બીજાની સેવા કરવી અને તેને તડકામાં છાંયો આપવો. બીજાને સક્ષમ બનાવવા એ જ સાચું નેતૃત્વ. - આપે ઘણા વિચારો વણી લઇ સમૃદ્ધ લેખ લખ્યો છે સર.

    જવાબ આપોકાઢી નાખો
  2. એકદમ સાચી વાત છે સર. આવું જ નેતૃત્વ એક ઉત્કૃષ્ટ સમાજ સર્જી શકે છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. સાચા નેતા અને નેતૃત્વના ખ્યાલને સરળ રીતે રજૂ કરવા બદલ આભાર..

    જવાબ આપોકાઢી નાખો

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts