Menu

રવિવાર, 18 ઑક્ટોબર, 2026

‘અચકાસેલી’ ખબરની આગ

ધ્યાનનું કેન્દ્ર બનવાની માનવસહજ ઉત્કંઠા

ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ 

“અરે, તમે સાંભળ્યું? એમના ઘરે ગઈકાલે શું થયું?” કોઈ આટલું કહે ત્યાં તો આખા મહોલ્લાનાં કાન  તરત જ સતર્ક થઈ જાય. તમે પણ આ વાત ધ્યાનમાં લીધી હશે. પાડોશમાં કોઈ યુવક વર્ષો સુધી મહેનત કરીને કઠિન પરીક્ષા પાસ કરે તો બહુ ઓછા લોકો તેની ચર્ચા કરે પણ જો કોઈ ધીમેથી કહે,  “તમને ખબર પડી એની પરીક્ષામાં શુ થયુ?” તો જાણે બધાની નિસબત જાગી જાય. ગોસિપની ગતિ તીવ્ર કેમ છે ને હકીકત કેમ ધીમે ધીમે આગળ વધે છે? અફવાઓને પાંખો ક્યાંથી મળે છે? કદાચ જવાબ આપણી અંદર જ છુપાયેલો છે, આપણા મનમાં.

કોઈપણ ચાની લારી પર નજર કરો. લારીવાળો ચા ઉકાળી રહ્યો છે, કોઈ ગઈકાલનું અખબાર વાંચી રહ્યા છે, કોઈ ક્રિકેટ વિશે એવી ચર્ચા કરી રહ્યા છે જાણે પસંદગી સમિતિએ તેમને જ સલાહકાર બનાવ્યા હોય. એવામાં એક વાક્ય હવામાં ફંગોળાય છેઃ “અરે, સાંભળ્યું કે નહીં?” બસ, એટલું પૂરતું છે. બધાની આંખોમાં ચમક આવી જાય. કાન જાણે વધુ સતર્ક થઈ જાય. ધ્યાન એકત્ર થઈ જાય. હકીકતોમાં સામાન્ય રીતે વિગતો,  સંદર્ભ અને ધૈર્ય હોય છે જ્યારે ગપસપમાં ઉત્તેજના હોય છે. ઉત્તેજનાને અવગણવી સહેલી નથી. તર્ક કરતાં લાગણી હંમેશાં વધુ સારી રીતે અને સરળતાથી વેચી શકાય છે.

એક હકીકત આમ કહે, “કંપનીના સંચાલનમાં ફેરફાર થયો છે.” વાત સાચી હોય, ઉપયોગી પણ હોય છતાં થોડી નીરસ લાગે. ગપસપ એ જ વાતને આમ કહે,  “બોસ અને મેનેજર વચ્ચે કાંઈક રંધાયું એટલે બધું બદલાઈ ગયું.” હવે વાતમાં પાત્રો છે, સંઘર્ષ છે, રહસ્ય છે, ડ્રામા છે. આપણા મનમાં તરત જ એક નાની ફિલ્મ શરૂ થઈ જાય છે. મનુષ્ય મૂળથી જ વાર્તાપ્રિય પ્રાણી છે. શાળાઓ બની તે પહેલાં પણ વાર્તાઓ હતી. અખબારો આવ્યા તે પહેલાં પણ વાર્તાઓ હતી. મોબાઇલ ફોન આવ્યા તે પહેલાં પણ લોકો તાપણાંની આસપાસ બેસીને વાર્તાઓ કહેતા, કેમ્પ-ફાયર જેવું. વાર્તાઓએ સમાજને જોડ્યો, શિક્ષણ આપ્યું, જોખમોથી ચેતવ્યા. આજે પણ આપણું મન વાર્તાઓ તરફ સહજ રીતે ખેંચાય છે. હકીકત તો માત્ર એક ઈંટ જેવી છે જ્યારે વાર્તા આખું ઘર છે. મોટાભાગના લોકો ઘરમાં પ્રવેશવાનું અને રહેવાનું પસંદ કરે છે.

વળી, ખબર સૌથી પહેલા આપવાનો લોકોને આનંદ આવે છે. તેમાં કોઈ દુર્ભાવના હોય તેવું નહીં પણ તેમાં માહિતી વહેંચવાનો અને તે પણ સૌથી પ્રથમ વહેંચવાનો આહ્લાદ છે. મોટાભાગના વયસ્કો પણ તે બાળક જેવા હોય છે જે દોડતું આવે અને કહે કે “મને એવી ખબર છે જે તમને ખબર નથી!” માત્ર ઉંમર અને પગાર વધ્યો છે. આપણે નવી અફવા લઈને ફરીએ છીએ ત્યારે થોડા સમય માટે આપણે ધ્યાનનું કેન્દ્ર બની જઈએ છીએ. લોકો સાંભળે છે, પ્રતિભાવ આપે છે અને આપણને સારું લાગે છે. હકીકતોને પરીક્ષણની જરૂર પડે, ગપસપને માત્ર ઝડપ જોઈએ. ટેકનોલોજીએ આ વૃત્તિને વધુ શક્તિશાળી બનાવી છે. એક સમય હતો જ્યારે કુથલી, ગપસપ કે અફવા પગપાળા ચાલતી હતી. આજે તે પ્રકાશની ઝડપે દોડે છે. એક અફવા અમદાવાદમાંથી નીકળે અને ચેન્નઈ પહોંચે, ત્યાં ધીમાં મૂળ વાત કરનાર વ્યક્તિનો નાસ્તો પણ પૂરો ન થયો હોય. મજાની વાત એ છે કે ટેકનોલોજી પોતે નિષ્પક્ષ છે. રસ્તો મંદિર સુધી પણ લઈ જઈ શકે અને ટ્રાફિકમાં પણ ફસાવી શકે. ટેકનોલોજી સત્ય અને અસત્ય બંનેનું સમાન ઝડપથી વહન કરે છે. સમસ્યા વાહનની નથી, સમસ્યા મુસાફરની છે. ઘણી વખત એ મુસાફર આપણો પોતાનો ઉત્સાહ હોય છે. ઇતિહાસ કહે છે કે રાજ્યો અફવાઓથી તૂટી પડે છે. મિત્રતાઓ ગેરસમજથી ભાંગી જાય છે. પરિવારો એવી વાતોમાં વિશ્વાસ મૂકે છે જેની તપાસ ક્યારેય થઈ જ નથી. ઘણી વાર ખલનાયક કોઈ માણસ નથી હોતો. એક ‘અચકાસેલી’ ખબર જ ખલનાયક બની જાય છે. ઑથેલો અને ઈયાગોને યાદ કરો. અફવા સૂકા ઘાસમાં પડેલી ચિનગારી જેવી છે. ચિનગારીની કોઈ ચિંતા કરતું નથી, બધાને આગની ચિંતા થાય છે. પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હોય છે. ઠરેલા લોકો કહે છે કે કોઈ વિચારને કાર્યમાં ફેરવતાં પહેલાં તેને નિહાળો. આ સલાહ આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે. દરેક વિચારને મંચ મળવો જરૂરી નથી. દરેક અફવાને શ્રોતા મળવા જરૂરી નથી. કેટલીક વાર મૌન અજ્ઞાન નહીં, મૌન જ ડહાપણ હોય છે. સરોવરનું પાણી સતત હલાવતાં રહો તો કાદવ જ દેખાય. થોડો સમય તેને સ્થિર રહેવા દો તો પાણી ફરીથી સ્વચ્છ દેખાવા લાગે. થોડી ધીરજ પોતે જ સત્યને બહાર લાવે છે.

રસપ્રદ વાત એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો અફવાની ફરિયાદ કરે છે. આપણને પોતાના વિશે અફવાઓ ફેલાય તે ગમતું નથી, છતાં આપણે જ એવી વાતોના વાહક બની જઈએ છીએ. મનુષ્ય ખરેખર વિરોધાભાસોથી ભરેલું પ્રાણી છે. આપણે સત્ય ઇચ્છીએ છીએ અને મનોરંજનને ચાહિએ છીએ. ગોસિપ માહિતીનો વેશ ધારણ કરીને મનોરંજનનું કામ કરે છે. એટલા માટે જ તે આટલી ઝડપથી દોડે છે. હકીકતો પણ મુસાફરી તો કરે છે, પણ તે ખભે આધારોનો ભારે થેલો લઈને ચાલે છે. અફવાને તેવો કોઈ સામાન નથી હોતો. આજના યુગનો સાચો પડકાર માહિતી પ્રાપ્તિનો નથી. માહિતી તો પહેલેથી જ અતિશય છે. કઈ ખબર આપણા ધ્યાનને લાયક છે અને કઈ અફવાને પવનમાં વિલીન થઈ જવા દેવી જોઈએ તે સમજણનો વિકાસ આજનો મોટો પડકાર છે.

તમારો નિખાલસ પ્રતિભાવ નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.

 (અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)

2 ટિપ્પણીઓ:

  1. મુકેશ મહેતા
    ખૂબ સરસ ગળે ઊતરી જાય તેવી સક્ષમ રજૂઆત. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઉત્તમ રજૂઆત. મજા આવી. માણસના મનનું બારીક અવલોકન કરવાની તમારી સૂઝ અદભૂત છે.

    જવાબ આપોકાઢી નાખો

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts