સંગીતમાં વસતો આપણો ભૂતકાળ
-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
તમે કોઈ ભીડભરી
બસમાં બેઠા છો. બહારનો ઘોંઘાટ અડધો સાંભળો છો અને અડધો અવગણો છો. એટલામાં કોઈના
મોબાઇલમાંથી એક પરિચિત ગીત સંભળાય છે. અચાનક બસ માત્ર બસ
રહેતી નથી. થોડી ક્ષણો માટે તમે ક્યાંક બીજે પહોંચી જાઓ છોઃ ઉનાળાની
એક બપોર, કે જૂનું ઘર કે રસોડામાંથી
આવતો માનો અવાજ કે બાલ્કનીમાં સૂકાતો
શાળાનો ગણવેશ કે વર્ષોથી ફોન ન કર્યો હોય એવો કોઈ મિત્ર કે
પછી એ સાંજ, જ્યારે આખો
મહોલ્લો જાણે હિલ્લોળા લેતો હતો. બને કે એ ગીત વિશિષ્ટ ન હોય પણ એ તમારા વિશે કંઈક જાણે છે.
જૂનું ગીત માત્ર સંગીત લઈને આવતું નથી. આપણે પહેલી વાર એ સાંભળ્યું ત્યારે આપણે જે માણસ હતા તેની ‘આંગળીઓનાં
નિશાન’ પણ એ ગીત પર રહી ગયા હોય છે. તેથી
એક જ ગીત સાંભળીને બે માણસો બે જુદી દુનિયામાં પહોંચી જાય છે. કોઈ
માટે એ ગીત કૉલેજનું હોય, કોઈ માટે પિતાના જૂનાં બજાજ સ્કૂટર પરની
સફરનું. કોઈને રેલવે પ્લૅટફૉર્મ યાદ આવે, કોઈને તૂટેલી મિત્રતા, કોઈને લગ્નનો દિવસ, કોઈને પહેલી કમાણી તો કોઈને માત્ર બારીમાંથી અંદર
આવતો બપોરનો તડકો. ગીત એક જ છે; સ્મૃતિ અલગઅલગ. સંગીત એવી જગ્યાએ પહોંચી જાય છે, જ્યાં સામાન્ય વાતચીત ઘણી વાર પહોંચી શકતી નથી. કેટલાક ગીતો
આપણે સહેલાઈથી સાંભળી શકતા નથી કારણ કે એ એવાં ‘જૂનાં ખાનાં’ ખોલી નાખે છે જે અનેક
વર્ષોથી ખૂલ્યાં જ ન હોય.
કવિતા એક વાર લખાય
છે, પણ આપણે એને અનેક
વાર વાંચી શકીએ છીએ. ચિત્ર દીવાલ પર એ જ રહે છે, પણ તેને જોતી આપણી આંખો બદલાતી રહે છે. ગીત પણ એ જ રહે છે, આપણે સતત બદલાતા
રહીએ છીએ. ગીત રાહ જુએ છે. આપણે પાછા ફરીએ છીએ. દર વખતે એ આપણને આપણા જ એક થોડા
જુદા સ્વરૂપ સાથે ઓળખાણ કરાવે છે. જૂનાં ગીતો ક્યારેક નવાં
ગીતો કરતાં વધુ હૂંફાળાં લાગે છે. એનું કારણ સંગીતની ગુણવત્તા જ હોય એવું જરૂરી
નથી. એ હૂંફ આપણે પોતે તેમાં ભરી છે. આપણે એ ગીતો સાથે જન્મદિવસો, મુસાફરીઓ, માણસો, મિલન,
વિયોગ અને નાની મોટી લાગણીઓ જોડી દીધી છે. ગીત એક યાદગાર સ્થળ બની જાય છે. જ્યારે મનને કોઈ પરિચિત
સ્થળ જોઈએ ત્યારે આપણે તે ગીતમાં પ્રવેશી જઈએ
છીએ.
આજે કોઈ પોતાના
ખિસ્સામાં હજારો ગીતો લઈને ફરી શકે છે. ૧૯૭૫નું કોઈ ગીત અને ગઈકાલે જ બહાર પડેલું
ગીત એક જ પ્લેલિસ્ટમાં સાથે રહી શકે છે. કોઈ ગુજરાતી ભજનની બાજુમાં કોરિયન પૉપ આવી
શકે છે. દાદીને ગમતી ગઝલ અને આજની પેઢીના મનપસંદ ગીતને એક જ મોબાઇલમાં સ્થાન મળી
શકે છે. સંગીતની જૂની સરહદો લગભગ ગાયબ થઈ ગઈ છે. સ્ટ્રીમિંગે સ્મૃતિ માટે જાણે એક
વિશાળ પુસ્તકાલય ખોલી દીધું છે. આપણી પાસે સંગીતનો ભંડાર પહેલાં કરતાં અનેક ગણો
મોટો છે. છતાં કદાચ બહુ ઓછાં ગીતો ખરેખર ‘આપણાં’ બની શકે છે. આ એક
રસપ્રદ વિસંગતિ છે. પહેલાં ગીત સાંભળવામાં વાટ જોવી પડતી. રેડિયો
પોતાનું ગીત પસંદ કરતો. આપણું મનગમતું ગીત ફરી સાંભળવા
ક્યારેક દિવસો સુધી રાહ જોવી પડતી. એ રાહ ગીતને સમય સાથે
જોડતી હતી. આજે એક સેકન્ડમાં ગીત બદલી શકાય છે. આપણું ધ્યાન
ઝડપથી આગળ વધવા લાગ્યું છે,
પણ સ્મૃતિ હજુ ધીમે ચાલે છે. સંગીત આપણને કંઈક શીખવી શકે છે. બાળક
પાઠ્યપુસ્તકનો કોઈ ફકરો ભૂલી જાય પણ વર્ષો પછીયે શાળામાં શીખેલું કોઈ
ગીત અચાનક ખૂબ સ્પષ્ટ રીતે યાદ આવી જાય છે. ભણવું માત્ર
માહિતી યાદ રાખવાનું નામ નથી. એ અનુભવવાનું પણ નામ છે. વર્ગખંડમાં કોઈ ગીત આવે
ત્યારે તેની સાથે મિત્રતા,
હલનચલન, હાસ્ય, વારંવાર ગાવું અને
શિક્ષકનો અવાજ પણ જોડાઈ જાય છે. એટલે જ કોઈ ગીત ક્યારેક કોઈ વ્યાખ્યા કરતાં વધારે
ઊંડું શીખવી જાય છે. આપણને માત્ર શું શીખ્યા એ યાદ નથી રહેતું. એ
ક્ષણે આપણને કેવું લાગ્યું હતું એ પણ યાદ રહે છે. આપણે નવલકથાનું દરેક વાક્ય યાદ
રાખતા નથી. પરંતુ તેમાંની કોઈ ગલી, કોઈ
ચહેરો, કોઈ સુગંધ, કોઈ ખાસ મૌન યાદ રહી
જાય છે. કલા આપણામાં ટુકડાઓના રૂપમાં રહી જાય છે, બાકીની
જગ્યા સ્મૃતિ પૂરી દે છે.
આપણે મોટા થતાં જઈએ
છીએ અને દુનિયા સતત બદલાતી રહે છે. દુકાનો અદૃશ્ય થઈ જાય છે. ઇમારતો પર નવો રંગ
ચઢી જાય છે. મિત્રો દૂર જતાં રહે છે. માતા-પિતા વૃદ્ધ થતાં જાય છે. બાળકો ઘર
છોડીને પોતપોતાની દુનિયામાં ચાલ્યા જાય છે. આપણી આસપાસની ભાષા પણ બદલાઈ જાય છે. અરીસામાં
આપણો પોતાનો ચહેરો પણ ક્યારેક અજાણ્યો લાગે છે. છતાં જૂનું ગીત લગભગ
હઠપૂર્વક એવું ને એવું જ રહે છે. તેમાં
એક પ્રકારની હૂંફ છે. ત્રણ મિનિટ માટે ભૂતકાળને જગાડવાની જરૂર
પડતી નથી, એ પોતાની મેળે આવી જાય છે અને પછી આવે છે પાછા
ફરવાનો એ અજાણ્યો આનંદ.
જૂનાં ગીતો આપણને
ઘર જેવા લાગે છે. એ યાદ અપાવે છે કે ભૂતકાળ સંપૂર્ણપણે ખોવાઈ ગયો નથી, એણે
પાછળ નાનાં નાનાં દરવાજા રાખ્યા છે. એક દરવાજો કોઈ સુગંધ ખોલે છે, જૂનો ફોટોગ્રાફ બીજો દરવાજો ખોલે છે તો કોઈ ઓળખીતો
રસ્તો ત્રીજો દરવાજો ખોલે છે. આ માટે ક્યારેક તો માત્ર ત્રણ સ્વર પૂરતા હોય છે. ઘર કેટલાક અવાજોથી પણ બને છે. રસોડામાં
થતી પ્રેશર કુકરની સીટી, બહારથી આવતી સાયકલની ઘંટડી, સાંજના
સમયે દૂરથી સંભળાતો મંદિરનો ઘંટારવ, બોલતાં પહેલાં પિતાનો ગળું
સાફ કરવાનો અવાજ, બીજા ઓરડામાંથી કોઈ આપણને
સાદ પાડે તે અવાજ અને આ બધા અવાજોની વચ્ચે
ક્યાંક એક મજાનું ગીત. આપણે એને સાંભળીએ છીએ, અટકી જઈએ છીએ. થોડી ક્ષણો માટે વર્તમાન શાંત થઈ જાય છે. આપણે હવે પહેલાં કરતાં
મોટા થઈ ગયા છીએ પણ આપણી અંદર ક્યાંક એ માણસ હજુ બેઠો છે જેણે આ ગીત પહેલી
વાર બારી પાસે ચૂપચાપ સાંભળ્યું હતું. કલાની સૌથી ઊંડી શક્તિ આ જ છે. કલા ભૂતકાળને
જે રીતે તે હતો એ જ રીતે સાચવી રાખતી નથી. એ એને માત્ર ફરી અનુભવી શકવાની
ક્ષમતા આપણામાં સાચવી રાખે છે (Aids to memory - Benedetto Croce) અને આપણને ફરી ઘર સુધી
પહોંચાડી દેવા માટે એટલું જ પૂરતું હોય છે.
તમારા
નિખાલસ પ્રતિભાવો અને સૂચનો નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત
છે.
(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.