Menu

રવિવાર, 1 નવેમ્બર, 2026

કામ મળે છે, કારકિર્દી નહીં

સપનાંઓના ખભે વધતો જતો બોજ

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મેં તેવીસ વર્ષના એક યુવાનને, જાણે તેણે આખી જિંદગી સરકારી કચેરીમાં ફાઈલો ઉથલાવી હોય એવો, ઊંડો નિસાસો છોડતા જોયો. તેણે મોબાઇલ તરફ જોયું, કપાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું, “જીવન બહુ થકવી નાખે છે.” તેવીસ વર્ષ! એ ઉંમરે મારી સૌથી મોટી ચિંતા તો એટલી જ હતી કે ચાની લારીવાળા કાકા મારી આદુવાળી ચા ભૂલી તો નહીં જાય ને? પણ સામે બેઠેલો આ યુવાન એવો લાગતો હતો જાણે હિમાલયના બાંધકામની આખી જવાબદારી તેના માથે હોય. મેં પૂછ્યું, “ભાઈ, નોકરી કરો છો?” તે હસ્યો. એ હાસ્યમાં આનંદ કરતાં લાચારી વધારે હતી. તેણે કહ્યું, “નોકરી શોધું છું. ડિગ્રી છે, પણ નોકરી નથી. જે મળે છે એમાં ભણતરનો કોઈ ઉપયોગ નથી અને જે કામ મળે છે, તેમાં કાલે કામ હશે કે નહીં એની પણ ખાતરી નથી.” મને સમજાયું કે આ યુવાનનો થાક માત્ર ઉંમર કરતાં વહેલા આવી ગયેલા જીવનના બોજનો નથી. એ બેરોજગારીનો થાક છે, અનિશ્ચિતતાનો થાક છે અને ભણ્યા પછી પણ પોતાની યોગ્યતા સાબિત કરવાની તક ન મળવાનો થાક છે. આ યુવાન એકલો નથી. આજના અનેક યુવાનો ઝડપથી ચાલે છે, ઝડપથી વિચારે છે, ઝડપથી બદલાતી દુનિયા સાથે તાલ મિલાવવાનો પ્રયત્ન કરે છે અને છતાં અંદરથી ખાલી થતા જાય છે. પ્રશ્ન એ છે કે જીવનની શરૂઆતમાં જ તેમની આંખોમાં આટલી જૂની ચિંતાઓ કેમ દેખાય છે.

આજનું જીવન એવી દોડ બની ગયું છે જેમાં શરૂઆતની સિટી બાળપણમાં જ વાગી જાય છે. શાળા કહે છે, “સારા ગુણ લાવો.” કૉલેજ કહે છે, “સ્પર્ધામાં આગળ નીકળો.” પરિવાર કહે છે, “ભવિષ્ય સુરક્ષિત બનાવો.” અને સામાજિક માધ્યમો સતત યાદ કરાવે છે કે કોઈક તમારી કરતાં આગળ નીકળી ગયું છે. યુવાન વર્ષો સુધી ભણે છે. પરીક્ષાઓ આપે છે. ફોર્મ ભરે છે. ઇન્ટરવ્યૂ આપે છે. ક્યારેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પોતાની યુવાનીનાં અમૂલ્ય વર્ષો ખર્ચી નાખે છે. છતાં પરિણામ ઘણીવાર શૂન્ય મળે છે. સરકારી ભરતીની રાહ લાંબી હોય છે, ખાનગી ક્ષેત્રમાં તક મર્યાદિત હોય છે અને મળતી નોકરીમાં પગાર તથા સુરક્ષા બંનેનો અભાવ હોય છે. આવી સ્થિતિમાં યુવાનને માત્ર નોકરી મળતી નથી એટલું જ નથી થતું; ધીમે ધીમે તેની પોતાની જાત વિશેની માન્યતા પણ ડગમગવા લાગે છે. તે વિચારવા માંડે છે કે તેનામાં જ કોઈ ખામી છે. પરંતુ દરેક નિષ્ફળતાનું કારણ વ્યક્તિની અયોગ્યતા જ હોય એવું નથી. રોજગારની વ્યવસ્થા કે ઉપલબ્ધ તકો અને યુવાનોની સંખ્યા વચ્ચેનું અંતર પણ એટલું જ જવાબદાર હોય છે.

આજના રોજગારજગતનું એક વિચિત્ર દૃશ્ય છે. એક યુવાને વર્ષો સુધી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય, પરંતુ અંતે તેને પોતાની આજીવિકા માટે ડિલિવરી બૉય તરીકે કામ સ્વીકારવું પડે. આ કામમાં કોઈ નાનપ નથી. મહેનત કરીને કમાવું એ સન્માનની વાત છે. દરેક વ્યવસાયનું પોતાનું ગૌરવ છે. પરંતુ અહીં સમસ્યા કામના ગૌરવની નથી; સમસ્યા તક અને યોગ્યતાના મેળની છે. યુવાને વિજ્ઞાન, સાહિત્ય, વાણિજ્ય કે વ્યવસ્થાપનનો અભ્યાસ કર્યા પછી તેણે મેળવેલી ક્ષમતાનો ઉપયોગ થાય એવી નોકરી તેને ન મળે તો સમાજે પણ વિચારવું જોઈએ. ડિગ્રી મેળવીને યુવાને માત્ર પ્રમાણપત્ર નથી મેળવ્યું હોતું. તેણે વર્ષોનો સમય, પરિવારનાં નાણાં અને પોતાની મહત્ત્વાકાંક્ષાઓનું રોકાણ કર્યું હોય છે. જો અંતે તેને પોતાના વિષય સાથે અસંબંધિત, કામચલાઉ અને ઓછી સુરક્ષાવાળી નોકરી જ મળે તો તેની નિરાશાને માત્ર વ્યક્તિગત નબળાઈ કહી શકાય નહીં. રોજગારની અનિશ્ચિતતા સાથે “આજે કામ છે, કાલે હશે કે નહીં? બીમાર પડીએ તો આવકનું શું? પરિવારની જવાબદારીઓ કેવી રીતે નિભાવવી?” જેવી આવતીકાલની ચિંતા પણ જોડાયેલી હોય છે. આવા પ્રશ્નો કોઈપણ યુવાનના મનમાં સતત ચાલતા રહે તો તેના ચહેરા પરથી યુવાનીનો ઉજાસ ઓછો થાય એમાં નવાઈ નથી.

એમાં પાછી ટેકનોલોજીએ આપણને અદ્ભુત સગવડો આપી છે. ટેકનોલોજી સમય બચાવે છે અને પછી એ જ બચેલા સમયમાં દસ નવા કામ ધરી દે છે. મેસેજ, નોટિફિકેશન, ઇમેઇલ અને સતત બદલાતી માહિતી વચ્ચે મનને ઘડીક શાંતિથી બેસવાનો અવકાશ મળતો નથી. જો કે બેરોજગાર યુવાન માટે મોબાઇલ માત્ર મનોરંજનનું સાધન નથી. તે નોકરીની જાહેરાતો, ભરતીના સમાચાર, ઇન્ટરવ્યૂના સંદેશા અને બીજાની સફળતાની તસવીરોનું સતત ખુલતું બારણું છે. દરેક નવી જાહેરાત આશા જગાવે છે. દરેક નકાર ફરી નિરાશા લાવે છે. બીજાની સફળતા જોઈને આનંદ થાય તો પણ પોતાના ભવિષ્યનો પ્રશ્ન અંદરથી ડંખે છે. એક સમય હતો જ્યારે યુવાન પોતાની સરખામણી થોડા પાડોશીઓ સાથે કરતો. આજે ઘડીવારમાં આખી દુનિયા સાથે પોતાની તુલના કરી લે છે. કોઈ વિદેશમાં નોકરી કરે છે, કોઈ મોટો પગાર મેળવે છે, કોઈએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. સામાજિક માધ્યમો પર બધાનું જીવન સફળ દેખાય છે; પોતાની મુશ્કેલીઓ જ જાણે અસામાન્ય લાગે છે. આ સરખામણીઓ તરસ્યા માણસને ખારું પાણી પીવડાવવા જેવી છે. જેટલું વધારે પીએ, તરસ એટલી વધે.

એક સમય હતો જ્યારે કંટાળો પણ જીવનનો સ્વાભાવિક ભાગ હતો. બાળકો વાદળો જોતાં, લોકો અગાસીમાં બેસતાં, પરિવારો વરસાદ નિહાળતાં. આજે થોડી ક્ષણની શાંતિ મળે એટલે હાથ મોબાઇલ તરફ લંબાય છે. પરંતુ યુવાનને માત્ર આરામ જ નહીં, નિષ્ફળતામાંથી બહાર આવવાનો અવકાશ પણ જોઈએ. નોકરી ન મળવી એ આખું જીવન નિષ્ફળ જવું નથી. થોડો વિરામ લેવો, પોતાની આવડત ઓળખવી, નવી કુશળતા શીખવી અને મદદ માગવી એ પણ આગળ વધવાના રસ્તા છે. સાથે સાથે, આ જવાબદારી માત્ર યુવાનના ખભે મૂકી દેવાથી ચાલશે નહીં. શિક્ષણને રોજગારની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવું પડશે. ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેનો સંબંધ મજબૂત કરવો પડશે. યુવાનોને માત્ર ડિગ્રી નહીં, યોગ્ય તાલીમ અને અર્થપૂર્ણ કામની તકો પણ મળવી જોઈએ. કામચલાઉ રોજગારને જ યુવાનોના ભવિષ્યનો કાયમી વિકલ્પ માની લેવો યોગ્ય નથી.

જીવનનું મૂલ્ય માત્ર ગતિથી માપાતું નથી. નદીનું મહત્ત્વ તેની ઝડપમાં નહીં, પરંતુ તે કેટલાને પોષે છે તેમાં છે. માણસનું મૂલ્ય પણ તેના પગાર, પદ કે ડિગ્રીથી જ નક્કી થતું નથી. પરંતુ આ વાત કહી દેવી સહેલી છે. જે યુવાન પાસે ઘરનું ભાડું ભરવાના પૈસા ન હોય, તેને માત્ર સંતોષનો ઉપદેશ આપવાથી પ્રશ્ન ઉકેલાતો નથી. તેને સહાનુભૂતિની સાથે તક જોઈએ, પ્રોત્સાહનની સાથે યોગ્ય રોજગાર જોઈએ અને આશ્વાસનની સાથે નક્કર પગલાં જોઈએ. કદાચ યુવાનો વીસીમાં જ વૃદ્ધ એટલા માટે થઈ રહ્યા છે કે તેઓ એકસાથે અનેક અદૃશ્ય લડાઈઓ લડી રહ્યા છે. બેરોજગારી સામે, સરખામણી સામે, પરિવારની અપેક્ષાઓ સામે અને પાછળ રહી જવાના ભય સામે. યુવાનીનો અર્થ માત્ર ઝડપથી દોડવું નથી. સપનાં જોવાં, ભૂલો કરવી, શીખવું, હસવું અને જીવનમાં પોતાની જગ્યા શોધવી તે પણ યુવાનીનો જ ભાગ છે. સમાજે યુવાનોને માત્ર સફળ થવાનું દબાણ નહીં, પરંતુ પોતાની ક્ષમતા ખીલવવાની તક આપવી જોઈએ.

પેલા તેવીસ વર્ષના યુવાનને ફરી મળું તો હું તેને એટલું જ કહીશ: “તારી ડિગ્રીનું મૂલ્ય કોઈ એક નોકરી નક્કી કરતી નથી. તારી હાલની પરિસ્થિતિ તારી આખી જિંદગીનો ચુકાદો નથી.” જો કે આપણે યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરીએ છીએ કે પછી તેમને આખી જિંદગી ભવિષ્યની ચિંતામાં જ જીવવા મજબૂર કરીએ છીએ તે આજે તો સ્પષ્ટ સમજાતું નથી.

તમારો નિખાલસ પ્રતિભાવ નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.

 

(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)


3 ટિપ્પણીઓ:

  1. સરસ લેખ સર. ટેકનોલોજી સમય બચાવે છે પણ એની સાથે જ 10 નવા કામ ધરી દે છે એ આપનું બહુ જ જોરદાર નિરીક્ષણ છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. આભાર સાહેબશ્રી

    જવાબ આપોકાઢી નાખો

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts