ચૂલાથી ચિપ સુધીનું નવું સ્વપ્ન
રીચાર્જ ખલાસ થાય અને વાઇ-ફાઇ ન મળે એટલે તત્ત્વજ્ઞાનમાં સરી પડતા મારા પ્રિય વિદ્યાર્થીઓ,
છેલ્લા ઘણા સમયથી અખબારોમાં સેમીકન્ડક્ટર ચિપ ક્ષેત્રે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની સિદ્ધિઓના સમાચાર આવ્યા કરે છે. આ વિગતોને ધ્યાનમાં રાખી આજનો પત્ર વાંચજો.
આજે સવારે કૅમ્પસમાં એક વિદ્યાર્થી મળ્યો. બોલ્યો, “સર, ગરમી એટલી વધી ગઈ છે કે મોબાઇલ પણ ચાર્જિંગ લેતા પહેલા બે વાર વિચાર કરે છે!”
મેં કહ્યું, “બેટા, હવે માણસ કરતાં
ફોનને વધારે આરામ જોઈએ છે.”
સમય એવો આવી ગયો છે કે માણસ થાકી જાય તો ચા પીવે, અને મોબાઇલ થાકી
જાય તો ‘પાવર સેવિંગ મોડ’માં જઈ બેસે!
પણ આ જ સમયમાં એક મોટો પ્રશ્ન મારી અંદર વારંવાર ઊભો થાય છેઃ
અમદાવાદના એર-કન્ડિશન્ડ રૂમમાં બેઠેલો વિદ્યાર્થી હોય કે અમરેલીના ગામમાં ધીમા નેટવર્ક સાથે ઑનલાઇન ક્લાસ પકડતો વિદ્યાર્થી, બંનેની મુશ્કેલીઓ અલગ છે છતાં બંનેને એક જ વાત જોડે છે: “આપણા પ્રશ્નોના જવાબ મોટેભાગે આપણી પોતાની માટીમાં જ ધરબાયેલા હોય છે.”
ગાંધીજીએ “સ્વદેશી” કહ્યું ત્યારે ફક્ત કપડાંની વાત નહોતી કરી. એ તો વિચારધારાની વાત હતી. આજે જો બાપુ હોત, તો કદાચ ચરખા પર સૂતર કાંતવાની સાથે ઓપન-સોર્સ એપ પણ બનાવતા હોત!
હું એક વિદ્યાર્થીને જાણું છું જે ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામથી આવ્યો હતો. તે અંગ્રેજીથી ડરતો હતો અને તેની પાસે લેપટોપ પણ ન હતું. પરંતુ તેની અંદર તેજસ્વીતા હતી. તેણે પોતાના ગામના ખેડૂતો માટે હવામાનનો વરતારો અને બજારભાવ જણાવતી સરળ ગુજરાતી એપ બનાવી. એ એપમાં કોઈ “સિલિકોન વેલી”નો ગ્લેમર નહોતો, પણ એમાં પોતાના લોકો માટેની ચિંતા હતી. અને યાદ રાખજો, સમાજની સેવા વગરની ટેક્નોલોજી, સોનાની થાળીમાં પીરસાયેલું ખાલીપણું છે.
સિનેમા, ટીવી કે મોબાઇલના પરદે જોવા મળતી મુલાયમ જાહોજલાલી વાસ્તવમાં ઘણી ખરબચડી અને કપરી હોય છે. આજના ઘણા યુવાનો “સ્ટાર્ટઅપ” શરૂ કરવા માંગે છે એ સારી અને સરાહનીય વાત છે, પણ તેમાં માત્ર “ફંડિંગ” પાછળ ન દોડતા, “ફાઉન્ડેશન” પણ મજબૂત બનાવજો. આપણી જ્ઞાન પ્રણાલી જે મૂલ્યો શીખવે છે તે આપણા માટે “ફાઉન્ડેશન” છે. દેશને એવા યુવાનો ચોક્કસ જોઈએ છે જે એપ બનાવે, પણ સાથે સંબંધો પણ બચાવે; જે કોડ લખે, પણ અંતરમાં કરુણા પણ રાખે. ક્ષેત્ર ભલે ડિજિટલ હોય કે વર્ચ્યુઅલ હોય, પણ તમારા પગ તમારી માટીને અડેલા રહે તે જોજો, તમારાં હૃદય સ્વદેશી ધબકારો અનુભવે તે જોજો. ડિજિટલ સ્વદેશીનો અર્થ માત્ર “Made in India” નથી. એનો અર્થ છે “Made for Indian hearts, Indian roads, Indian villages, Indian realities.”
તમારા દાદાના અનુભવ અને તમારા ડેટા પૅક બંનેનું મિલન થાય ત્યાંથી જ ભારતનું સાચું ભવિષ્ય લખાશે.
અને અંતે, મારા પ્રિય વિદ્યાર્થીઓ, એક પ્રશ્ન તમારા માટે છોડું છુઃ તમે કેવી ટેક્નોલોજી બનાવશો કે અપનાવશો, માણસને વધુ માનવી બનાવે તેવી કે પછી માત્ર વધુ વ્યસ્ત રાખે તેવી?
અને હા, તમારા પ્રત્યુત્તર યાને ટિપ્પણીઓની અપેક્ષા રહેશે.
સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું.
-ભરત જોશી “પાર્થ મહાબાહુ”
(અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)
સુંદર વાત સર. ખેડુતો માટે વિદ્યાર્થીએ બનાવેલી એપ, ટેકનોલોજી ના યુગમાં સમાજને યોગ્ય પ્રદાન છે. (જેમ લોકભારતી, સણોસરાએ 'લોક -૧' ને પેટન્ટ મુકત રાખી છે.)
જવાબ આપોકાઢી નાખોખૂબ જ સુંદર લેખ….
જવાબ આપોકાઢી નાખો