Menu

બુધવાર, 3 જૂન, 2026

નિષ્ફળતાના ખભા પર બેઠેલું જ્ઞાન

નિષ્ફળતા એટલે સફળ ગુરુ

 “રિઝલ્ટ આવ્યા પછી પણ WhatsApp DP ન બદલનારા” મારા પ્રિય મિત્રો,

સોમવારે(તા. 01-06-2026) રાત્રે આકસ્મિક આવેલા થોડા વરસાદે ગરમીમાં તાત્કાલિક રાહતનું કામ કર્યું, પણ હવે બફારો વધશે. વળી,ગુજરાતની આ ગરમી હવે માત્ર સૂર્યથી નથી વધતી. તેમાં તમારી સફળતા અંગે સગાંઓની ચિંતાભરી પૂછપરછનો પણ મોટો ફાળો છે! અનિશ્ચિતતાના આ સમયમાં આજે પણ બે વસ્તુઓ સમયસર આવે છેઃ વીજળીનું બિલ અને સગાંઓનો પ્રશ્ન: “કેટલા ટકા આવ્યા?”

પણ આજે વાત ટકાની નહિ, તકની કરીએ.

તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ આજે માર્કશીટને અરીસાની જેમ જોઈ રહ્યા હશે. કોઈને તેમાં ભવિષ્ય દેખાતું હશે, તો કોઈને પોતાની નિષ્ફળતા. પરંતુ યાદ રાખજો કે માર્કશીટ માત્ર કાગળ છે, તમારું “કર્મપત્ર” નથી. આજની દુનિયામાં બધાને બધું instant જોઈએ છે, જેમ કે reels, success, relationship, motivation! લોકો ધૈર્ય પણ “same day delivery”માં માંગે છે. પરંતુ જીવન Amazon Prime, Zepto કે JioMart નથી. અહીં તો સમજ અને વ્યક્તિત્વ ધીમે ધીમે આકાર લે છે.

ગઈકાલે ડાંગના એક વિદ્યાર્થીએ ફરિયાદ કરી કે “સર, દર દસ મિનિટે network જતું રહે છે.” અમદાવાદના એક બીજા વિદ્યાર્થીએ કહ્યું કે “સર, દર દસ મિનિટે મારો ઉત્સાહ જતો રહે છે.” બંનેને મારો એક જ જવાબ હતો: “બેટા, આધુનિક શિક્ષણમાં તમારું સ્વાગત છે!” હું ઉત્તર ગુજરાતના એક એવા વિદ્યાર્થીને મળ્યો હતો જે દિવસ દરમિયાન કામ કરતો અને રાત્રે અભ્યાસ. Examમાં નાપાસ થયો પછી તેણે ધીમે અવાજે કહ્યું: “સર, લાગે છે હું બુદ્ધિશાળી નથી.” મેં પૂછ્યું: “તારી માને આ ખબર છે?” એ બોલ્યો: “ના.” મેં હસીને કહ્યું: “તો પછી દુનિયામાં સૌથી મહત્વની વ્યક્તિએ હજુ સુધી તને નાપાસ માન્યો જ નથી!”

સમસ્યા નિષ્ફળતામાં નથી. સમસ્યા એ છે કે આપણે નિષ્ફળતાને Character Certificate ગણી લઈએ છીએ. એક ATKT એટલે જાણે જીવનનું મહાભારત! પરંતુ જો એક નિષ્ફળતા પછી જ જીવન પૂરું થઈ જતું હોત તો આંબા(ના વૃક્ષો) પહેલાં વાવાઝોડા પછી કેરી આપવાનું બંધ કરી દેત. ભારતીય જ્ઞાન પરંપરામાં ગુરુ હંમેશા સરળ નહોતા. તે ક્યારેક મૌનથી, ક્યારેક સંઘર્ષથી શીખવતા. નિષ્ફળતાનું પણ એવું જ છે. તે પહેલા અહંકાર તોડે છે, પછી સમજ આપે છે. નિષ્ફળતા સફળ ગુરુ છે. તમને બધાડૉ. રોબર્ટ એચ. સ્કૂલરનું " Success Is Never Ending, Failure Is Never Final" પુસ્તક વાંચી જવા મારી ભલામણ છે.

એટલે મિત્રો, પોતાની કિંમત ક્યારેય CGPA, placement package કે Instagram likesથી ન માપતા. કેટલાક લોકો 95% લઈને પણ અંદરથી ખાલી હોય છે તો કેટલાક 45% લઈને દુનિયાને 100% માનવતાથી ભરી દે છે. તો હા, પડી જાઓ તો થોડું રડો, પણ પછી ફરી ઊભા થજો કારણ કે ધરતીમાં દટાયેલું બીજ જ એક દિવસ સૌથી સુંદર વૃક્ષ બને છે.

જીવનમાં સાચી દુર્ઘટના પડવામાં નથી. સાચી દુર્ઘટના તો એ છે કે માણસ ફરી ઊભો થાય, પણ કંઈ શીખ્યા વગર.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી “પાર્થ મહાબાહુ”

 (અહીં રજૂ કરેલી પ્રથમ તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે. પુસ્તકના મુખપૃષ્ઠની તસ્વીર Google.com પરથી લીધી છે.)

 

 

4 ટિપ્પણીઓ:

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts