Menu

રવિવાર, 31 મે, 2026

2:17 વાગ્યે તડકામાં શેકાયેલી શાંતિ

ઉનાળાની બપોરનું સત્ય એટલે સ્થગિત જગતનું તત્ત્વજ્ઞાન

-ભરત જોશી “પાર્થ મહાબાહુ” 

આપણે ત્યાં ઉનાળાની બપોર એક ખાસ પ્રકારની શાંતિ લઇને આવે છે. ના, લાઇબ્રેરી જેવી શાંતિ નહીં કે પછી ફિલ્મોમાં બારીનાં પડદા પવનમાં લહેરાય અને પાછળથી કોઈ મંદમંદ વાંસળી વગાડતું હોય એવી શાંતિ પણ નહીં. આ શાંતિ તો જાણે તડકામાં શેકાઈને આવે છે. બપોરે બે વાગીને સત્તર મિનિટે તમે એને અનુભવો. શેરીનાં કૂતરાં પણ એ સમયે જીવનથી થોડાં કંટાળેલાં લાગે. જે રસ્તો સવારે ધમાલ મચાવતો હોય, એ અચાનક શાંત પડી જાય. રિક્ષાઓ ઓછી થઈ જાય. કૂકર પણ થોડો આરામ લઈ લે. ગપ્પાં મારનારા લોકોનાં અવાજ પણ ધીમા થઇ જાય. ઉનાળાની બપોર માત્ર અલગ દેખાય એવું નહીં, એ સંભળાય પણ અલગ રીતે. દરેક ઉનાળે મને વારંવાર વિચાર આવે કે આવું કેમ?

 ઉનાળાની સવારના ઉત્સાહનો અવાજ જોઇ શકાય તેવો હોય છે. દરવાજા પાસે દૂધની ઠંડી થેલીઓ પડવાનો અવાજ, સ્કૂટરનો હાંફતા હાંફતા સ્ટાર્ટ થવાનો અવાજ, સ્કૂલના બાળકોની બેગ સાથેની લડાઈનો અવાજ, શાકવાળો “ટમેટા…!” એમ એવી રીતે બૂમ પાડે જાણે રિયાલિટી શોમાં ઓડિશન આપતો હોય તેનો અવાજ. પણ બપોર? બપોર તો થાકેલી જ લાગે છે. સવારમાં ક્રિકેટ સ્ટેડિયમ જેવો લાગતો રસ્તો હવે કેરી-ભાત ખાઈને સૂવા ગયેલા કાકા જેવો લાગે. કાગડાઓ પણ ઓછું બોલે. ગરમી માણસને જ નહીં, બધાને બદલી નાખે છે. પંખા એમ ફરે જાણે સરકારી કર્મચારી ફરજ બજાવતા હોય. વૃક્ષો સંત જેવી શાંતિમાં ઊભાં રહે. ચાની કીટલીઓનો ઉત્સાહ પણ ઓછો થઇ જાય અને ક્યાંક દૂર કોઇક ઘરમાં કૂકર એવી સીટી મારે જાણે બીજા જ કોઈ ગ્રહ પરથી ટ્રેન નીકળવાની જાહેરાત થતી હોય. આ ગરમી આપણું એવું શું કરે છે?

ભલે ઓફિસના ઈમેઇલ્સ એ વાત માનવા તૈયાર ન હોય, પણ માણસ મશીન નથી. આપણું મન હવામાન સાથે ગાઢ રીતે જોડાયેલું છે. શિયાળામાં લોકો લાંબી વાતો કરે, વરસાદમાં કવિ બની જાય અને ઉનાળાની બપોરે પંખા નીચે પડ્યા પડ્યા ફિલોસોફર બની જાય કારણ કે ગરમી શરીરને ‘શાંત’ કરે છે જેમાં મગજ અંદરથી કહે, “બોસ, આજે બસ સાંજ પડે ત્યાં સુધી ટકી જવું પૂરતું છે.”

મે મહિનાની બપોરે ઝઘડાં પણ ઓછાં થાય. ગુસ્સો પણ પરસેવામાં ભીંજાઈને આળસુ થઈ જાય. ધ્યાનથી જોજો. સાંજે પાંચ વાગ્યે ક્રિકેટ રમતા રમતા કોમેન્ટેટર જેવી બૂમો પાડતો છોકરો બપોરે એક વાગ્યે માત્ર એક જ શબ્દ બોલે: “પાણી.” આખી ભાષા એક શ્રદ્ધેય સત્યમાં સમાઇ જાય. મનોવિજ્ઞાનના પુસ્તકોમાં કદાચ અઘરા પારિભાષિક શબ્દો હશે પણ ભારતીય ઘરો તો પહેલેથી જ આ વિજ્ઞાન જાણે છે એટલે મમ્મી કહે, “હવે બહાર ન નીકળતા. દિમાગ ઉકળી જશે.” (કોનું તે આપણે જ નક્કી કરી લેવાનું) અને તે જે કહે છે તે ખોટું પણ નથી.

 ઉનાળાની સુસ્ત બપોરે કે તડકાએ ઘણા કવિઓને ચેતનવંતા કર્યા છે. ઉમાશંકર જોશી, જયંત પાઠક, લાભશંકર ઠાકર, રાવજી પટેલથી માંડી છેક છેલ્લે જયંત દાંગોદરાએ તેની અનોખી ઓળખ આપતા ઉનાળો, બપોર કે તડકા વિશે કાવ્યો આપ્યાં છે. જૂની વાર્તાઓમાં બપોર એટલે વિરામ. ખેડૂત ઘટાદાર વૃક્ષ નીચે આરામ કરે, દાદી અડધી ઊંઘમાં વાર્તા કહે, દૂર ક્યાંક ધીમે રેડિયો વાગતો હોય. ઉનાળાની બપોર એટલે મેકઅપ ઉતારેલું જીવન. સવાર દેખાડો છે, સાંજ નાટક છે, બપોર સચ્ચાઈ છે. કદાચ એથી જ બપોરે જૂની યાદો અચાનક આવી ચડે અને જૂનાં મધુર અને ધીમા ગીતો, ખસના પડદાની સુગંધ, સ્ટીલના ગ્લાસમાં ઓરેન્જ રસના, અને હેલિકોપ્ટર જેવા અવાજ કરતો પંખો સહજ રીતે હૃદયમાં ઉભરી આવે. ઉનાળાની બપોર યાદોનું ખોદકામ કરનાર મજૂર જેવી છે. એ આપણી અંદર ધરબાયેલાં સ્મરણોને બહાર લાવે છે.

ટેકનોલોજીએ ઘણું કર્યું છે. દસ મિનિટમાં ઑર્ડરની ડિલિવરી, દુનિયાભરમાં વિડિયો કૉલિંગ, કે AIના ચમકારા ભલે ટેકનોલોજીનો જયજયકાર કરે પણ આપણા ઉનાળાની બપોર સામે ટેકનોલોજી પણ હાથ જોડી દે. વાઈ-ફાઈ ધીમું પડી જાય, લેપટોપ ભાજીપાવના તવા જેવું ગરમ થઈ જાય અને મોબાઈલ પોતે જ ગરમીની ફરિયાદ કરવા લાગે. મોટિવેશન પણ ઓગળી જાય. તમે YouTube ખોલો તો જીવન પરિવર્તનની પ્રેરણાનો વિડિયો જોવા માટે અને સાત મિનિટ પછી “દુનિયાની સૌથી ઠંડી જગ્યાઓ” વાળા વિડિયો જોતા હો. ગરમી માણસમાં નમ્રતા અને સમભાવ પ્રગટાવે છે. એસી સર્વિસનો કારીગર અને ચાવાળો બંને એક જ પંખા નીચે સમાન ભક્તિથી ઊભા રહે. પરસેવામાં એક પ્રકારની લોકશાહી છે જે ઉનાળામાં પ્રગટે છે.

ઉનાળાની બપોર અસમાનતા પણ સ્પષ્ટ દેખાડે છે. કોઈ માટે ગરમી માત્ર તકલીફ છે તો કોઈ માટે સજા. ડિલિવરી બોય 45 ડિગ્રીમાં મોટરસાયકલ ચલાવે, મજૂર તડકામાં ઈંટો ઊંચકે, ટ્રાફિક પોલીસ રસ્તા પર બફાતા ઊભા હોય અને એ જ વખતે કેટલાક લોકો એસી કારમાં બેસીને ગરમીની સખત ફરિયાદ કરતા હોય.

હવામાન માત્ર મૂડ નહીં, માણસોની હકીકત પણ ખુલ્લી પાડે છે. ધનિક કહે, “આજે કેટલી ગરમી છે!” આ સાંભળતો મજૂર કંઈ બોલતો નથી, શાંતિથી કામ કરતો રહે છે. એની શાંતિનું વજન તાપમાન કરતાં વધારે ઉષ્ણ હોય છે. ક્યારેક લાગે છે શહેરોએ ઉનાળામાં બે કલાક માટે થંભી જવું જોઈએ. જેમ જૂના સમયમાં સૌરાષ્ટ્રમાં બધું થંભી જતું; દુકાનોનાં બારણાં અડધા બંધ અને લોકો આરામમાં. ત્યારે જીવન હવામાન સાથે ઝઘડતું નહોતું, એને માન આપતું હતું. જો કે આજની દુનિયા આરામને અપરાધ સમજે છે. બપોરે તમે શાંતિથી બેઠેલા હો તો કોઈ જરૂર પૂછે: “કાંઇ કામ નથી?” અરે ભાઈ, સૂરજ વધારે કામ કરી રહ્યો છે, માણસને થોડો શ્વાસ લેવા દો.

ઉનાળાની બપોરમાં કંઈક ‘આધ્યાત્મિક’ પણ છે. મંદિરો શાંત થઈ જાય. રસ્તા ખાલી પડે. દુનિયા થોડી ક્ષણો માટે અટકી જાય અને એ વિશ્રાંતિમાં, સામાન્ય રીતે જે ઘોંઘાટમાં દબાઈ જાય છે એ પોતાના વિચારો સંભળાય છે. આ થોડી જોખમી બાબત છે કારણ કે ઘણા લોકો વ્યસ્ત એટલા માટે રહે છે કે પોતાને મળવું ન પડે. સવાર આપણું ધ્યાન ભટકાવે છે. રાત આપણું મનોરંજન કરે છે. બપોર આપણને ખુદનો સામનો કરાવે છે. પંખા નીચે છત જોતાં જોતાં અચાનક જીવનના મોટા પ્રશ્નો આવી જાય.

“હું શું કરી રહ્યો છું?”
“હું હંમેશા દોડતો કેમ રહું છું?”
“જૂના મિત્રોને ફોન કરવો જોઈએ?”
“માત્ર તરબૂચ ખાઈને માણસ જીવી શકે?”

બપોરની આ તાકાત છે. એ જીવનમાંથી નાટકને હટાવી દે છે અને માત્ર વાસ્તવિકતાને ટકાવે છે. ગરમી ભલભલાનાં મેકઅપ ઉતારી નાખે છે. આમ છતાં પરસેવાનાં રેલા, વીજળીનાં બિલ અને કંટાળાની દાદાગીરી વચ્ચે પણ ઉનાળાની બપોરમાં અજબ સુંદર અનુભુતિઓ હોય છેઃ  

દૂરથી આવતો ટ્રેનનો અવાજ.
અડધી ઊંઘમાં ભસતો કૂતરો.
અથાણાં સુકવતી અગાશીની સુગંધ.
ધીમે ધીમે ફેરવાતું અખબાર.
છોડવાને પાણી આપતા દાદા.

ઉનાળાની બપોર આપણને એ વાત શીખવે છે, જે આજની દુનિયા ભૂલી રહી છે: દરેક ક્ષણને મોટો અવાજ કરવાની જરૂર નથી હોતી. ક્યારેક શાંતિ પણ વાતચીત હોય છે. કદાચ એ માટે જ બપોરનો અવાજ અલગ લાગે છે કારણ કે દુનિયા એ સમયે ‘ખલ્લાસ’ થઇ જતી નથી, એ માત્ર ધીમા અવાજમાં બોલતી હોય છે; અને સાચું કહું તો જ્યાં રસ્તાથી લઈને ન્યૂઝ ચેનલ અને પરિવારના વોટ્સએપ ગ્રુપ સુધી બધે જ બૂમાબૂમ ચાલે છે ત્યાં કદાચ આવા ધીમા અવાજોની જરૂર છે. કદાચ ગરમી આપણને ધીમા થવા મજબૂર કરે છે, જેથી આપણે ફરી જીવનને સારી રીતે સાંભળી શકીએ.

તો કહો કે છેલ્લે ક્યારે તમે ઉનાળાની બપોરે શાંતિથી બેસીને તમારી ગલીનો શ્વાસ સાંભળ્યો હતો?

 અને હા, તમારો નિખાલસ ઉત્તર નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.

 (અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)

4 ટિપ્પણીઓ:

  1. આપના નિબંધમાં તડકાની તાજગી અને તરવરાટ ગૂંથાઈ આવે છે. અમદાવાદને કેન્દ્ર સ્થાને રાખી સર્જાઈ રહેલા આ નિબંધો અન્ય નિબંધો થી અલગ અને આગવી ભાત નિપજાવે છે. મજા પડી ગઈ સાહેબ.
    - જયંત ડાંગોદરાનાં વંદન

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પ્રોત્સાહક પ્રતિભાવ માટે આભારી છું. તમે સાહિત્ય સર્જક તરીકે અમદાવાદને જાણો છો. તેથી તમારા અભિપ્રાયનું વિશેષ મૂલ્ય છે. વાંચતા રહેજો અને પ્રતિભાવ આપતા રહેજો.

      કાઢી નાખો
  2. Sir, You are one most lucid writers in today's disruption-based society.. Your style is purely local and it appeals every common hearts. Request- Keep Writing and Keep Posting. Regards

    જવાબ આપોકાઢી નાખો

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts