મહત્ત્વાકાંક્ષાથી વિકાસ, સંતોષથી પ્રકાશ
મારા પ્રિય વિદ્યાર્થીઓ,
સૌપ્રથમ તો એ કહો કે આ વખતે ગુજરાતી ઉનાળે તમારી ધીરજને કસોટી પર મૂકી હોય તેવું લાગે છે? ગરમીનાં સંગમાં પરીક્ષા, નોકરી, ઘરની જવાબદારીઓ
અને વચ્ચે-વચ્ચે રીલ્સમાં ખોવાઈ જઇ જીવન સંભાળી રહ્યા છો કે સંભાળતા હોવાનો દેખાવ તો કરી જ રહ્યા છો! આ પણ એક કલા છે જે માટે કોઇ પ્રમાણપત્ર તો મળવું જ જોઈએ!
આજે મારે વાત કરવી છે સર્વસામાન્ય મહત્ત્વાકાંક્ષાની. મનુષ્યની પ્રગતિ અને
અધોગતિ કે સફળતા અને નિષ્ફળતામાં તે પ્રબળ કારણ છે. તેથી બધા તેને પ્રજ્જવલિત કરવા
મહેનત કરે છે. આજકાલ તેનો નવો ગુરુ છેઃ સામાજિક માધ્યમો.
તેમાં સફળતા કાયમ પ્રકાશિત, રંગબેરંગી
અને સંગીતની પૃષ્ઠભૂમિમાં દેખાય છે. તેમાં કોઈ પોતાની ગૂંચવણ, નિષ્ફળતા કે અપૂર્તતા નથી બતાવતું. Instagram, Whatsapp, FaceBook સફળતા બતાવે છે, શાંતિ નહીં. આ ડિજિટલ
મેળામાં તમને બધા દોડતા જોવા મળે છે. કોઈ ગામથી શહેર તરફ દોડે છે, કોઈ
આત્મસંદેહથી આત્મવિશ્વાસ તરફ, અને કોઈ માત્ર એટલા માટે દોડે છે કે બધાં દોડે છે. પણ એક
વાત ધ્યાનમાં લો કે આ દોડમાં કોઈએ ‘ફિનિશ લાઇન’ સ્પષ્ટ કરી જ નથી. એટલે કે સંતોષની વ્યાખ્યા કરાઇ
નથી.
ભારતીય તત્ત્વજ્ઞાને ક્યારેય મહત્ત્વાકાંક્ષા છોડવાની વાત કરી નથી (આળસનું તે વળી તત્ત્વજ્ઞાન હોય?). તેમાં તો કાયમ સંતુલનનો સંદેશ મળ્યો છે. તમે ભણ્યા છો કે મહાત્મા ગાંધીજી પણ એક સમગ્ર સામ્રાજ્ય સામે ઊભા રહીને સત્યાગ્રહ અને અહિંસા દ્વારા પોતાના અંતરમનમાં સંતુલન જાળવી શક્યા. બહાર ક્રાંતિ અને અંદર શાંતિ. આ કમજોરી નથી, આ જ સાચી શક્તિ છે. બુદ્ધ વિચારમાં ‘સમ્યક’નો મહિમા ગવાયો જ છે. તેથી તેને મધ્યમ માર્ગ પણ કહે છે.
આજે આપણી મહત્ત્વાકાંક્ષા અલગ-અલગ સ્વરૂપ લે છે જેમ કે સ્ટાર્ટઅપ,
સરકારી નોકરી, વિદેશમાં અભ્યાસ કે પોતાના પરિવારને ગૌરવપૂર્ણ સહારો આપવો.
દરેક માર્ગ સન્માનનીય છે. પરંતુ જ્યારે મહત્ત્વાકાંક્ષા અંધ બની જાય છે, ત્યારે એ એવી
કીમત વસૂલે છે જે માટે આપણે તૈયાર નથી હોતાં. તે તમારી ઊંઘ, તમારા સંબંધો, તમારું હાસ્ય, અને ક્યારેક
તમારું સ્વરૂપ પણ છીનવી લે છે.
સરળ રૂપકથી સમજાવું? મહત્ત્વાકાંક્ષા એક સુંદર ઘોડો છે, પણ ખરાબ અસવાર. જો તમે એને
કાબૂમાં ન રાખો, તો એ તમારા શ્વાસ અધ્ધર કરી દે, પરંતુ જો તમે
એને સંતુલનથી ચલાવશો, તો એ તમને સાથે લઇને ચાલશે, તમારા ઉપર નહીં
ચડે બેસે. મહત્ત્વાકાંક્ષા
પાંખ આપે છે, સંતોષ સાચી દિશા આપે છે. મારા મિત્રો, સંતોષ કાંઇ વિકાસનો શત્રુ
નથી. એ તો વહાણમાં હોય તેવું લંગર છે જે તમને ‘તુલનાનાં તોફાન’માં ભટકતા અટકાવે છે. એ કહે છે કે આગળ વધો, પણ જીવવાનું ભૂલશો
નહીં. એ યાદ અપાવે છે કે સફળતા માત્ર ક્યાં પહોંચ્યા એમાં નથી, પણ કેવી રીતે પહોંચ્યા એમાં પણ છે. ક્યાં પહોંચ્યા તે મહત્ત્વનું છે, પણ કેવી રીતે પહોંચ્યા તે
વધુ મહત્ત્વનું છે.
મને ખબર છે તમારામાંથી ઘણા લોકો અભ્યાસ, પરિવાર, નોકરી, ધંધામાં મદદ, લાંબી મુસાફરી
કરીને ક્લાસમાં આવવું જેવી એક સાથે અનેક જવાબદારીઓ સંભાળી રહ્યા છે. કેટલાક પાસે વધુ સગવડો છે પણ સાથે વધુ અપેક્ષાઓનો ભાર પણ છે. બંને યાત્રાઓ સાચી છે.
બંનેનું સન્માન છે. પણ બંને માટે
એક જ સત્ય છેઃ જીવનનો અર્થ માત્ર મહત્ત્વાકાંક્ષામાં નથી, એ સંતુલનમાં છે.
હવે પછી તમે કોઈનું “પરફેક્ટ જીવન” સ્ક્રોલ કરો તો થોડી ક્ષણ રોકાવું અને શાંતિથી “મારે પણ આવું કેમ નહીં?” ને બદલે “આ માટે કઈ કીમત ચૂકવવી પડે?” એમ પોતાને પૂછવું. કારણ કે સાચી જીત બીજાથી આગળ નીકળવામાં નથી, પણ પોતાને શાંતિમાં રાખીને આગળ વધવામાં છે. મારા પ્રિય વિદ્યાર્થીઓ, મહત્ત્વની વાત એ નથી કે તમે
કેટલે
દૂર જશો, પરંતુ એ છે કે ત્યાં
પહોંચ્યા પછી પણ તમે પોતાને ઓળખી શકશો કે નહીં?
સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ
સહ વિરમું છું. તમારા પ્રત્યુત્તરની અપેક્ષા નીચે કોમેન્ટ સેક્શનમાં રહેશે.
-ભરત જોશી “પાર્થ મહાબાહુ”
(06/05/2026)
(અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા
બનાવાયેલી છે.)
આગામી પોસ્ટની જાણકારી મેળવવા બ્લોગને ફૉલો કરવા વિનંતી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.