Menu

રવિવાર, 17 મે, 2026

લેખકનું અવસાન

લેખકે ધારેલા અર્થનો મહિમા

-ભરત જોશી “પાર્થ મહાબાહુ”

એક વાર એક મિત્ર સાથે કટિંગ ચા પીતા પીતા જોરદાર ચર્ચા છેડાઇ ગઇ. કારણ ખબર નથી પણ ચા કડક હતી અને વાતાવરણમાં ૪૫ ડિગ્રી ગરમી હતી.
એ કહેતો હતો કે કવિતાનો અર્થ તો એ જ હોય જે કવિએ વિચાર્યો હોય.
મેં કહ્યું, “અરે, તો પછી એ જ કવિતાના સંપૂર્ણ અલગ અર્થ કેમ થાય છે?”
અમે એકબીજાને એમ તાકતા હતા જાણે વોટ્સએપના ફોરવર્ડમાં ફસાયેલા બે ફિલસૂફ હોઈએ.
આ રીતે ચાની વરાળ અને વાહનના હોર્નના અવાજ વચ્ચે એક પ્રશ્ન શાંતિથી આવીને અમારી વચ્ચે બેસી ગયોઃ “લેખક ખરેખર પોતાના શબ્દોના અર્થનો માલિક હોય છે કે પછી આપણે, ભાવકો તરીકે તે અર્થની માલિકી ચૂપચાપ ધારણ કરી લઈએ છીએ?” અહીં લેખક એટલે સાહિત્ય સર્જક એમ સમજવાનું છે.

એક જાણીતી વિચારધારા છેઃ  “લેખકનું અવસાન(Death of the Author).” આ સાંભળવામાં જરા નાટકીય લાગે છે. વળી, એવું પણ લાગે કે જાણે સાહિત્યના ક્ષેત્રમાં કોઈ ગૂનાની ઘટના ઘટી હોય, પણ વાત સીધી અને સરળ છે. આ વિચારધારા કહે છે કે એકવાર લેખક પોતાની રચના દુનિયામાં તરતી મૂકે પછી તેનો કોઇ ઈરાદો(intention) મહત્ત્વનો રહેતો નથી. સાહિત્ય કૃતિ પોતાનું જીવન જીવવા લાગે છે. જેમ કોઈ સંતાન પુખ્ત થતાં ઘર છોડે, નોકરી-ધંધો કરે અને પછી તમારા ફોન પણ ન ઉઠાવે.

પણ આવું કેમ?  કારણ કે દરેક ભાવક પોતપોતાની કહાણી લઈને આવે છે. જેમાં પોતાના સુખદુઃખ, પોતાના વિચાર, પોતાની પૂર્ણ-અપૂર્ણ વાતોની દુનિયા ઢબૂરાયેલી હોય છે. તમે બ્રેકઅપ પછી પ્રેમકવિતા વાંચો તો એ દુઃખ જેવી લાગે. એ જ કવિતા પ્રેમમાં હો ત્યારે વાંચો તો એ જાદુ જેવી લાગે. શબ્દો તો એના એ જ, દુનિયા અલગ. તો તમે જ કહો કે સાચો અર્થ કોનો? આમાં લેખકનું અવસાન કહેવાય કે અવગણના? અથવા આ સ્વાભાવિક ગણાય?

આપણે ઘણીવાર પુસ્તકોને માર્ગદર્શિકા સમજી લઈએ છીએ, પ્રોડક્ટ ગાઇડ માની લઇએ છીએ. અને એમ વાંચીએ છીએ જેમાં “અહીં લેખક શું કહેવા માંગે છે?” જેવા પ્રશ્નના જવાબની જાણે ક્યાંક કોઈ કળ(key) અમુકમાં પાના ઉપર છુપાયેલી હોય. પરંતુ, સાહિત્યની તાસીર ગણિત જેવી નથી. સાહિત્ય તો રેલવે સ્ટેશનના ધુંધળા અરીસા જેવું છે. દરેક વ્યક્તિ તેમાં કંઈક થોડું અલગ જ જુએ છે અને ઘણીવાર તેમાં આપણે જે જોઈએ છીએ તે, અરીસો આપણા વિશે કહે તેનાથીયે વધુ હોય છે.

તો પછી લેખકે ધારેલો અર્થ કે ઈરાદો આખરી સત્તા કેમ હોઇ શકે? છેલ્લે તો લેખક પોતે પણ પોતાને સંપૂર્ણ સમજી શકતો નથી. તે પણ અંતે તો રેલવે સ્ટેશનના ધુંધળા અરીસા સામે જ ઊભો હોય છે. એટલે કે લેખક પણ સર્જન કરી લીધા પછી પોતાની કૃતિનો ભાવક જ હોય છે. ઘણી વખત તો લેખકો એવી સંવેદનાઓ કે બાબતો વિશે લખી નાખે છે  જેને એમણે સારી રીતે ઓળખી પણ નથી હોતી. ફેર એટલો છે કે ભાવક માત્ર અર્થઘટનો કરી શકે છે જ્યારે લેખક પોતાની કૃતિમાં સુધારા પણ કરી શકે છે.

એક ક્ષણ માટે તમારું મન એક ચાની ગળણી જેવું છે એમ કલ્પો. તમે જે વાંચો છો, એ બધું એમાંથી પસાર થાય છે, પણ બહાર શું આવે એ ગળણી પર આધાર રાખે છે. આ ગળણી એટલે મનની અવસ્થા, જેમાં તમારા વિચાર, ભય, સ્મૃતિ, લાગણી જેવું બધું સાવ પોતીકું ભાતભાતનું કેટલુંયે પડ્યું હોય છે. એક જ વાક્ય બે લોકો વાંચે તો તેમને મળતા અનુભવ અનુભવ સંપૂર્ણ જુદા હોઇ શકે. એકને આશા દેખાય,
બીજાને જોખમ. વાક્ય બદલાયું નથી, ભાવક બદલાયા છે.

તો “લેખક શું કહેવા માંગે છે?” તે જ્યારે આપણે પૂછીએ ત્યારે કદાચ આપણે એમ પણ પૂછવું જોઈએ કે “મેં આને આ રીતે કેમ સમજ્યું?” આ પ્રશ્ન થોડો વિચિત્ર છે, પણ સત્યની અડોઅડનો છે.

આજના સમયને કેંદ્રમાં રાખીને જુઓ. લેખકની કોઇ ગંભીર ઉક્તિ મીમ બની જાય છે. ઊંડો વિચાર ઇન્સ્ટાગ્રામ પર સનસેટ સેલ્ફીના કેપ્શનમાં આવી જાય છે. ક્યારેક તો તેનો અર્થ ખોવાઇ જાય છે, તો ક્યારેક એને નવું જીવન મળે છે.  ગંભીર ઉક્તિ કે ઊંડા વિચારનું આ અપમાન છે કે વિકાસ? ટેકનોલોજીએ અર્થઘટનને જાહેર ઉત્સવ બનાવી દીધું છે. દરેક વ્યક્તિ પોતાની રીતે એને બદલાવે છે, ફરી ગૂંથી દે છે. અર્થ હવે લેખક અને વાચક વચ્ચેની ખાનગી વાત નથી. એ હવે એક વિસ્તીર્ણ ભરચક બજાર છે, જોરદાર, ગૂંચવણભર્યું અને કદાચ તેથી જ સુંદર અને અને થોડું ભ્રમિત કરનારું.

થોડી શાળા-મહાશાળાની વાત કરીએ. “કવિ અહીં શું કહેવા માંગે છે?” એવા પ્રશ્નો યાદ છે? તેનો હંમેશાં એક “સાચો” જવાબ હોય અને જો તમારો અર્થ જુદો હોય તો ગુણ કપાઈ જાય. આ થોડી અજાયબ વાત નથી? આપણે વિદ્યાર્થીઓને વિચારવા કહીએ છીએ, અને પછી જુદું વિચારવા બદલ સજા આપીએ છીએ. વિચારણીય એ છે કે આપણે શાળા-મહાશાળાઓમાં શું શીખવીએ છીએ વાંચીને અર્થોનાં અનુમાનો કરવાનું કે સૂચિત અર્થો યાદ રાખવાનું? કદાચ શિક્ષણમાં પ્રશ્ન બદલવો જોઈએ. “લેખક શું કહેવા માંગે છે?” એની જગ્યાએ “તમે શું અનુભવ્યું અને કેમ?” એવું પૂછાવું જોઇએ કારણ કે સાચું શીખવાનું ત્યાંથી શરૂ થાય છે. અર્થ યાદ રાખવાથી નહીં, પણ તેને શોધવાથી.

ચાલો, થોડા ચિંતનાત્મક લેખક બનીને વિચારીએ. લેખકોને નિયંત્રણ ગમે છે. આપણે ઈચ્છીએ છીએ કે આપણા શબ્દો એ જ રીતે સમજાય જેમ આપણે વિચાર્યા હોય. પણ જીવન એવું નથી ચાલતું. તમે કંઈ કહો અને એ સાવ જુદું સમજાય. તમે નિશાન સાધીને કોઇ તીર ચલાવો અને એ અજાણી દિશામાં પહોંચી જાય.  આ તો બાટલીમાં મોકલાયેલા દરિયામાં તરતા સંદેશ જેવું છે. કોણે શોધશે, કેવી રીતે વાંચશે એ લેખકના હાથમાં નથી. એટલે લેખકની ધારણાથી અનોખું અર્થઘટન એટલે કે “લેખકનું અવસાન” નુકસાન નથી. કદાચ એ મુક્તિ છે, વાચક માટે અને અજાયબી રીતે, લેખક માટે પણ કારણ કે હવે તમારા શબ્દો તમારા વિચાર કરતાં પણ વધારે હોઇ શકે છે.

તો પ્રશ્ન એ આવે કે શું લેખકનો ઈરાદો મહત્વનો છે?  તેનો ઉત્તર છેઃ હા અને ના.

જ્યારે તમે લખો છો ત્યારે તમારો ઈરાદો અત્યંત મહત્ત્વનો છે. એ લેખનને તમારી સચ્ચાઈ, અવાજ અને દિશાથી પોષે છે. પણ એક વાર શબ્દો તમારી પાસેથી બહાર નીકળી જાય, તે પછી એ તમારા રહેતા નથી. એ વાચકના બની જાય છે. તેમના ભાવ, તેમની સ્મૃતિઓ, તેમની આગવી વિચારધારાના ફિલ્ટર્સમાંથી તે પસાર થાય છે અને નવા જ રંગના પ્રકાશમાં પરિવર્તિત થઇ જાય છે.  અને કદાચ આ જ સાહિત્ય સર્જન સંદર્ભે સાચો જાદુ છે; સ્વિમિંગ પૂલનું નિયંત્રણ નહીં, નદીના પ્રવાહની સંગતિ.

અંતમાં એક વિચારઃ જો એક જ કૃતિ દરેક વ્યક્તિ માટે અલગ અર્થ ધરાવે તો શું લેખક અર્થ સર્જે છે? કે પછી તે ફક્ત એવી વાતચીત શરૂ કરે છે જે પૂરી કરવાની તક એને ક્યારેય નથી મળતી? અને સાચેસાચું કહેજો કે તમે કોઇ સાહિત્ય કૃતિ વાંચો ત્યારે તમે લેખકનો અવાજ સાંભળો છો કે તમારો પોતાનો?

તમારો નિખાલસ ઉત્તર નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.

અને હા, આગામી પોસ્ટ વાંચવા માટે આ બ્લોગને Follow કરવાનું ન ભૂલશો.

(09/05/2026)

(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)

2 ટિપ્પણીઓ:

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts