“અન-લર્નિંગ”ની પ્રક્રિયા
-ભરત જોશી “પાર્થ મહાબાહુ”
ગઇકાલે નરેંદ્ર મળવા
આવ્યો હતો. તેણે આ વાત કરી કે એક વખત તે તેના પિતાજીને સ્માર્ટફોન ચલાવતાં શીખવવાનો પ્રયત્ન કરતો હતો. તેઓ ફોનને એમ પકડીને બેઠા હતા જાણે હાથમાં કાચનું બિસ્કિટ
હોય. દરેક બટનને શંકાશીલ નજરે ડરતા ડરતા દબાવતા હતા. પછી તેઓ બોલ્યા કે “આ ફોન વધુ પડતો સ્માર્ટ છે. તેમને એના ઉપર ભરોસો
નથી બેસતો.” પણ બે અઠવાડિયામાં જ તેઓ સવાર-સવારમાં રંગબેરંગી ચમકતા ફૂલોવાળા
“Good Morning”ના મેસેજ ફોરવર્ડ કરવા માંડ્યા!
એટલે કે શીખી ગયા. પણ મજા અહીંથી શરૂ થાય છે. હવે એમને કહી જુઓ કે આવા મેસેજ
મોકલવાનું બંધ કરે. અરે ભાઈ, સાચો જંગ તો ત્યાંથી શરૂ થાય છે.
ઑશો રજનીશે કહેલું આ
વિધાન બહુ જાણીતું છેઃ ज्ञान को खोने का कोई मार्ग नहीं है. તો ચાલો, આજે
Learning લર્નિંગ (શીખવું) અને Un-learning અન-લર્નિંગ (શીખેલું ભૂલવું)ની વાત કરીએ.
શીખવું એટલે
ઉમેરણ અને “અન-લર્નિંગ” એટલે તે ઉમેરાયેલાને દૂર કરવું યાને શીખાયેલાને ભૂલવું. ભૂલવાનું કે દૂર કરવાનું
કામ હંમેશા વધારે ગૂંચવણભર્યું હોય છે.
નવું શીખીએ ત્યારે એવું લાગે કે જાણે ખરીદી કરવા ગયા હોઈએ.
નવા વિચારો, નવી આવડતો, નવી ટેવો બધું ભેગું કરીએ. અંદરથી સમૃદ્ધ લાગવા લાગે. પણ “અન-લર્નિંગ”? એ તો જાણે દસ
વર્ષથી ભરેલા ઘરની સફાઈ કરવી હોય એવું છે! એક કબાટ ખોલો અને આખો ભૂતકાળ
બહાર ઢોળાઈ પડે. જૂની માન્યતાઓ, જૂના સંબંધો, જૂના ભય, જૂની સંવેદનાઓ. પછી આપણે જ વિચારીએ, “આ બધું મેં
અત્યાર સુધી શા માટે સાચવી રાખ્યું હતું?”
મનોવિજ્ઞાન એક
બહુ સરળ વાત કહે છે. મગજને ટૂંકો
રસ્તો ગમે છે. એકવાર તે કોઈ પેટર્ન શીખી જાય, પછી તે માટે અંદર એક
પાકો રસ્તો બની જાય ઝડપી, સરળ અને આરામદાયક એક્સપ્રેસ-વે અને “અન-લર્નિંગ” એટલે એ રસ્તો તોડવો. હવે પોતાનાં જ મનમાં ડાયવર્ઝન કોને ગમે? કલ્પના કરો કે તમે રોજ એક જ રસ્તે ઓફિસે જાઓ છો. એક
દિવસ કોઈ કહે, “બીજો રસ્તો લો. વધુ સારો છે.” તમે શાંતિથી માથું હલાવી દો પણ બીજા દિવસે ફરી
એ જ જૂના રસ્તે નીકળી પડો; એ સાચો છે એ કારણે નહીં, પણ એ પરિચિત છે એટલે. મગજને ટેવ બહુ ગમે છે.
શિક્ષણમાં આપણે
“શીખવા”ની ઉજવણી કરીએ છીએ. માર્કશીટ,
ડિગ્રી, સર્ટિફિકેટ વગેરે જેટલું વધારે, એટલું સારું. શિક્ષણમાં કોઈ આપણને “અન-લર્નિંગ” શીખવતું નથી. કોઈ કહેતું નથી કે, “બેટા, આજે જેના પર તને પૂરો વિશ્વાસ છે, કાલે કદાચ એની
ઉપર જ પ્રશ્ન કરવો પડશે.” શાળાએ આપણને
શું વિચારવું તે શીખવ્યું, કેવી રીતે પ્રશ્ન કરવો તે નહીં. આપણે જવાબો યાદ રાખીએ છીએ પણ એ જવાબોને પડકારતા ભાગ્યે જ શીખીએ છીએ. પછી તો સામે જીવન આવે
છે. જીવન
પાઠ્યપુસ્તક પ્રમાણે ચાલતું નથી. એ ખુલ્લા
પ્રશ્નો પૂછે છે. કોઈ વિકલ્પ નહીં, કોઈ multiple
choice નહીં અને ત્યારે આપણું ગોઠવેલું જ્ઞાન ધીમે-ધીમે હલવા લાગે છે.
જરા
ટેકનોલોજીને જ જુઓ. આપણે સ્ક્રોલ
કરવાનું શીખ્યા. પછી વધુ ઝડપથી
સ્ક્રોલ કરવાનું શીખ્યા. હવે રાત્રે બે
વાગ્યે સ્ક્રોલિંગ બંધ કરવાનો યાને “અન-લર્ન”
કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એક કલાક માટે
ફોન દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે ક્યારેય? ઘણાને
તો એવું લાગે જાણે ઓક્સિજનનો પુરવઠો કપાઈ ગયો હોય. શા માટે?
કારણ કે આપણે ફક્ત ટેકનોલોજી વાપરવી જ નથી શીખ્યા, એને આપણા
સ્વભાવનો ભાગ બની જવા દીધો છે. અને હવે એનાથી છૂટવું એટલે જાણે મનની અંદર
રહેતા જિદ્દી રૂમમેટ સાથે વાટાઘાટ કરવી. ટેકનોલોજી શીખવાનો સૌથી ઝડપી સાથીદાર છે, પણ આ સંદર્ભે તેમાં સૌથી ધીમું “Undo” બટન.
બાળપણથી જ
આપણને કેટલીક અદૃશ્ય સ્ક્રિપ્ટ્સ આપી દેવામાં આવે છે.
“છોકરાઓ રડતા
નથી.”
આ વાક્યોના શિક્ષણ સામે આપણે પ્રશ્ન
કરતા નથી. આપણે એને જીવવા
માંડીએ છીએ. આપણે જાણે એવા
કલાકારો બની જઈએ છીએ, જેઓ ભૂલી ગયા
હોય કે તેઓ અભિનય કરી રહ્યા છે. પછી એક દિવસ
અંદરથી કોઈ ધીમેથી પૂછે, “આ ખરેખર મારી જ વાત છે?” અને ત્યાંથી “અન-લર્નિંગ” શરૂ થાય છે.
પણ એ સહેલું
નથી કારણ કે ત્યારે તમારા માત્ર વિચાર નથી બદલાતા, તમે તમારી ઓળખ ફરી લખવાનો સંઘર્ષ કરી રહ્યા હો છો.
લેખકોએ આ સંઘર્ષની વાત હંમેશાં કરી છે. તેમનાં પાત્રો ફક્ત નવું શીખતા નથી, તેઓ જૂની ચામડી ઉતારે છે. કોઈ પણ શક્તિશાળી કથાને યાદ કરો. નાયક ફક્ત શક્તિ મેળવે છે એવું નથી. એ ભ્રમ છોડે છે, ભય છોડે છે, અહંકાર છોડે છે અને એ પ્રક્રિયા હંમેશાં પીડાદાયક હોય છે કારણ કે છોડવામાં પકડી રાખવા કરતાં વધારે દુઃખ થાય છે. એટલે કે સાહિત્ય તો આ વાત ઘણાં વહેલાંથી જાણતું હતું.
એક જાણીતી સરળ વાર્તા છે. એક વિદ્યાર્થી ગુરુ પાસે જાય છે અને કહે છે, “મને જ્ઞાન આપો.”
“અન-લર્નિંગ”
બહુ શાંતિથી થાય છે. તે માટે ફરી શરૂઆત
કરવાની હિંમત જોઇએ. કારણ કે તેમાં કોઈ
સર્ટિફિકેટ મળતું નથી, કોઈ તમારી ઝેરી માન્યતા છોડવા બદલ તાળી પાડતું નથી, mindset બદલવા માટે કોઈ
તમને મેડલ આપતું નથી. પણ તમારી અંદર કંઈક બદલાય છે.
તમે હળવા થાઓ
છો.
કારણ કે શીખવું
‘સ્તરો’ ઉમેરે છે, અને “અન-લર્નિંગ” એ ‘સ્તરો’ ઉતારે છે.
આવો, આપણે સ્વયંને એવું
પૂછીએ કે આપણે એવી કોઈ બાબત ભૂલવા તૈયાર છીએ, જે ક્યારેક આપણી ઓળખ હોય?
(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)
સર, Unlearning વિશે આપે બહુ ઊંડાણપૂર્વકની અને સરળતાથી સમજી શકાય તેવી રજૂઆત કરી છે. આ જીવનની સૌથી અઘરી ક્વાયત છે.
જવાબ આપોકાઢી નાખોખૂબ જ સરસ વિચારો રજૂ કર્યા છે.
જવાબ આપોકાઢી નાખો