Menu

બુધવાર, 29 જુલાઈ, 2026

અંધકારમાં પ્રગટતો દીવો

 

સ્ક્રોલિંગની દુનિયામાં અર્થપૂર્ણ સર્જન

મારા સંવેદનાના સહયાત્રીઓ,

આશા છે કે તમારા ગામ-શહેરમાં વરસાદે આખરે પોતાની હાજરી નોંધાવી હશે. અને જો હજુ સુધી વાદળો રિસાઈને બેઠાં હોય તો પણ તમે પાણી પીવાનું ભૂલતા નહીં! કારણ કે શરીરમાં પાણી ઓછું હોય તો વિચારો પણ ક્યારેક સૂકાઇ જાય! હસવામાં હાની શી?

આજે ગુરુ પૂર્ણિમા છે અને રાશિની(NEP) 2020ના પ્રાગટ્યનો દિવસ પણ છે. એ નિમિત્તે તમને સૌને અભિનંદન અને શુભકામનાઓ. 

જીવનમાં એક વિચિત્ર વાત વારંવાર બનતી રહી છે. જ્યારે સમય કઠિન હોય, ત્યારે આપણને લાગે કે હવે તો કવિતાઓ લખાવાની બંધ થઈ જશે, ચિત્રો દોરાવાનાં બંધ થઈ જશે, ગીતો ગવાશે નહીં, પુસ્તકો કોણ વાંચશે? દુનિયામાં એટલી સમસ્યાઓ છે, તો આ કલા-સાહિત્ય જેવી "વૈભવી" વસ્તુઓ માટે સમય ક્યાંથી મળે? પણ ઇતિહાસ જણાવે છે કે માનવજાત જ્યારે પણ અંધકારમાંથી પસાર થઈ છે, ત્યારે ક્યાંક કોઈએ શાંતિથી એક દીવો પ્રગટાવ્યો છે. એ દીવો ક્યારેક કવિતા બનીને ઝળહળ્યો છે, ક્યારેક ચિત્ર બનીને બોલ્યો છે, ક્યારેક નવલકથા બનીને જીવ્યો છે અને ક્યારેક ખેતરમાંથી પરત ફરતા શ્રમિકના હોઠ પરનું એક લોકગીત બનીને ધબક્યો છે.

સંકટ ક્યારેય કલાને ચૂપ નથી કરતું. ઊલટું, એ તો કલાને બોલાવે છે. હકીકતો આપણને કહે છે કે શું બન્યું હતું, પણ વાર્તાઓ આપણને જીવતાં શીખવે છે કે એ બધું બન્યા પછી પણ માણસ કેવી રીતે ટકી રહે છે. પાઠ્યપુસ્તક આપણને કહી શકે કે પૂર કયા વર્ષે આવ્યું હતું, પણ એક કવિતા જ કહી શકે કે પોતાનું ઘર પાણીમાં તણાઈ જવાનું દુઃખ કેવું હોય છે. એક બુદ્ધિને સ્પર્શે છે તો બીજું હૃદયને.

તમારામાંથી ઘણા એવા હશો જેમના ગામમાં આજે પણ દાદા-દાદી દુકાળના દિવસોમાં ગવાતાં ગીતો ગાઈ શકે. અને ઘણા એવા પણ હશો, જે શહેરના ટ્રાફિક વચ્ચે દરરોજ કાનમાં ઇયરફોન લગાવીને પોતાના મનપસંદ ગીતો સાંભળતાં સાંભળતાં કોલેજ પહોંચતા હશો. રસ્તા જુદા છે પણ મનુષ્યનું મન એક જ છે.

હૃદય ભારે થાય ત્યારે દરેક માણસ ક્યાંક ને ક્યાંક કોઈ સૂર શોધે જ છે. મનોવિજ્ઞાન કહે છે કે લાગણીઓને વ્યક્ત કરવી એ તેમને અંદર કેદ કરી રાખવા કરતાં વધુ સ્વસ્થ માર્ગ છે.

આપણી ભારતીય પરંપરાએ તો આ વાત સદીઓ પહેલાં સમજી લીધી હતી. ભજન હોય, ગરબો હોય, દોહો હોય કે શાંત પ્રાર્થના, આપણી સંસ્કૃતિએ હંમેશાં શીખવ્યું છે કે સૌંદર્ય કોઈ શોખ નથી, એ તો આત્માની ઔષધી છે. એટલા માટે જ ગાંધીજી પોતાની મુસાફરીમાં પુસ્તકોને સાથી બનાવતા. તેઓ જાણતા હતા કે આંતરિક બળ વગરની સ્વતંત્રતા એ દોરી વગરની પતંગ જેવી છે. સાહિત્ય તેમના માટે વાસ્તવિકતાનો વધુ હિંમતથી સામનો કરવાની શક્તિ હતું.

આજે તમારી પેઢી પાસે ટેક્નોલોજીની અદ્ભુત શક્તિ છે. પળવારમાં ચિત્ર બનાવી શકો છો, સંગીત રચી શકો છો, વિચાર આખી દુનિયા સુધી પહોંચાડી શકો છો. પરંતુ યાદ રાખજો કે ટેક્નોલોજી માત્ર પીંછી છે, ચિત્ર શું દોરવું એનો નિર્ણય તો અંતઃકરણ જ કરે છે. માત્ર અનંત સ્ક્રોલિંગ કરતા દર્શક બનીને ન રહો, અર્થપૂર્ણ ક્ષણોના સર્જક બનો. તમારા દાદીમાના હાસ્ય વિશે લખો. તમારી શાળાની બાજુમાં ઊભેલા વડલાને દોરી લો, એ કપાઈ જાય તે પહેલાં. મહોલ્લાના ચાવાળાની વાતો સાંભળો. કદાચ તેને સોશિયલ મીડિયાથી વધુ ખબર હશે કે માણસોના દિલમાં કેટલાં તોફાન ચાલે છે.

તમને કદાચ લાગશે, "હું લખીશ તો વાંચશે કોણ?" કદાચ દસ માણસ. દીવો ક્યારેય ફરિયાદ કરતો નથી કે હું સૂર્ય કેમ નથી. તેનું કામ માત્ર એટલું જ છે કે પોતાની આસપાસનો થોડોક અંધકાર દૂર કરે. દુનિયાને હંમેશાં બહુ મોટા અવાજોની જરૂર નથી હોતી, તેને વધુ કરુણાસભર અવાજોની જરૂર હોય છે. એટલે જ્યારે જીવન તમને અનિશ્ચિતતાની વચ્ચે ઊભા રાખે, ત્યારે માત્ર જવાબો જ શોધતા નહીં. એક કલમ ઉપાડજો, કોઈ પસંદગીનું ગીત ગણગણજો, એક સારું પુસ્તક ખોલજો અને એવું કંઈક સર્જજો કે કોઈ અજાણ્યો માણસ પણ વાંચીને મનમાં કહી ઊઠેઃ "હું એકલો નથી."

વિદાય લેતા પહેલાં આજે માત્ર એટલું જ પૂછું છું કે આવતી કાલે જ્યારે ઇતિહાસ તમારી પેઢીને યાદ કરશે, ત્યારે શું તે માત્ર તમે કઈ ટેક્નોલોજી શીખ્યા હતા એ જ લખશે કે પછી એ પણ લખશે કે તમે તમારી કલા, તમારા શબ્દો અને તમારી માણસાઇથી કેટલાં અજવાળાં પ્રગટાવ્યાં હતાં?

અને હા, તમને આ પત્ર ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો અન્ય મિત્રોને અવશ્ય મોકલશો.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી “પાર્થ મહાબાહુ”

 (અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)

5 ટિપ્પણીઓ:

  1. કવિતા મનના અદૃશ્ય સ્પંદનોનું સર્જન છે.જ્યારે લાગણીઓ કલમને સ્પર્શે છે, ત્યારે દરેક પંક્તિમાં એક નવી દુનિયા જન્મે છે. આ વાસ્તવિક પરિસ્થિતિ પર પણ આધારિત હોય છે તે આપના આ પત્ર થકી સમજાયું.

    જવાબ આપોકાઢી નાખો
  2. ખૂબ સરસ . કળા દરેક સમયે પ્રાસંગિક હોય છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. જગતમાં માણસાઈનો દીપક પ્રગટાવીને અને જગતને નવી રચનાઓ આપીને આપણે પણ ઉજળા અને જગત પણ ઉજળું. -મહેશ કળસરિયા

    જવાબ આપોકાઢી નાખો
  4. ટેક્નોલોજી માત્ર પીંછી છે, ચિત્ર શું દોરવું એનો નિર્ણય તો અંતઃકરણ જ કરે છે.

    વાહ.. 🙏

    જવાબ આપોકાઢી નાખો
  5. ગુરુ પૂર્ણિમા નિમિત્તે વંદન સર.ખૂબ પ્રેરણાદાયી . ગમે તેટલી ટેક્નોલોજી આવશે તોયે જીવતા તો કલા જ શીખવાડશે. માત્ર શ્વાસ લેવા કરતા જીવીએ એ બહુ જરૂરી છે.

    જવાબ આપોકાઢી નાખો

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts