સમય, સ્મૃતિ અને સ્થિરતાની છાંયડી
-ભરત જોશી “પાર્થ મહાબાહુ”
થોડા દિવસ પહેલાં હું અમારી સોસાયટીના ખૂણે ઊભેલા એક લીમડાના વૃક્ષ પાસેથી પસાર થતો હતો;એ જ વૃક્ષ, એ જ વાંકી ડાળી, એ જ ઘાટો છાંયો. અચાનક મને એક વાત સમજાઈ. હું શાળા બદલતો ગયો, નોકરીઓ બદલતો ગયો, મારા વાળ ઓળવાની સ્ટાઇલ અને તેનું પ્રમાણ બદલાયું, વિચારો બદલાયા, મોબાઇલ ફોન પણ અનેક વખત બદલાઈ ગયા પણ એ વૃક્ષ તો જાણે એનું એ જ. નવાઈની વાત એ છે કે આ વિચાર મને સહસા શાંતિ આપી ગયો. કદાચ એટલે જ વૃક્ષો જૂના મિત્રો જેવા લાગે છે. સવારના નાસ્તા પહેલાં જ વૉટ્સએપમાં પચાસ મેસેજ મોકલી દે એવા મિત્રો નહીં પણ એવા મિત્રો, જે ચૂપચાપ તમારી સાથે રહે, માત્ર હાજર રહે.
જરા વિચારીએ. ઘરની બહાર ઊભેલું એક વૃક્ષ પેઢીઓ પસાર થતી જુએ છે. દાદા તેની ડાળીએ હીંચકો બાંધે છે. વર્ષો પછી તેમનો દીકરો એની નીચે સ્કૂટર પાર્ક કરે છે. પછી પૌત્ર એ જ વૃક્ષની બાજુમાં ઊભો રહીને ફોટા ખેંચે છે. વૃક્ષ કશું બોલતું નથી. કોઈ ટિપ્પણી નહીં, કોઈ સલાહ નહીં, કોઈ જાહેરાત નહીં. માત્ર મૌન સાક્ષી. આ વાત આપણને આટલી સ્પર્શી કેમ જાય છે? કારણ કદાચ એ છે કે માણસ સતત દોડતો રહે છે. આપણે હંમેશાં કંઈક બીજું બનવાની ઉતાવળમાં હોઈએ છીએ; વિદ્યાર્થીથી કર્મચારી, કર્મચારીથી અધિકારી અને અધિકારીથી એવો માણસ જે સપ્તાહના અંતે થોડો આનંદ શોધવા માટે ખરીદીની વેબસાઇટો ખંગાળતો હોય. વૃક્ષોને તો કંઈ બનવાની ઉતાવળ જ નથી, એ તો માત્ર હોય છે અને ઝડપના આ યુગમાં આવી સ્થિરતા ક્રાંતિથી જરાય ઓછી નથી.
લોકો સહજ રીતે વૃક્ષ નીચે બેસવાનું કેમ પસંદ કરે છે? એરકન્ડિશનર અને ચમકદાર કેફે આવ્યાં તે પહેલાં પણ લોકો વડલા અને પીપળા નીચે ભેગા થતા. કોઈ નિષ્ણાત આ માટે લાંબી સમજણ આપી શકે. મને તો એક સરળ વાત સમજાય છે. ધારો કે આખો દિવસ તમે ખભા પર ભારે થેલો લઈને ફરતા હો અને એવામાં કોઈ ધીમેથી પાંચ મિનિટ માટે એ ભાર ઉતારી લે પછી જે રાહત મળે, કંઈક એ જ અનુભવ વૃક્ષની છાંયડીમાં થાય છે. એ તમારા પ્રશ્નો હલ નથી કરતું, પણ એ યાદ અપાવે છે કે તમારા પ્રશ્નો જ આખું બ્રહ્માંડ નથી. તેથી મન થોડું શાંત થાય છે, શ્વાસ ધીમો પડે છે, અને હૃદય સતત ધબકતી ચિંતાઓને અલ્પવિરામ આપે છે. પ્રકૃતિ આપણી ચિંતાઓ સાથે વાદવિવાદ કરતી નથી, એ માત્ર તેને અવગણે છે.
કવિઓ અને લેખકો સદીઓથી વૃક્ષો સાથે સંવાદ કરતા આવ્યા છે. કાવ્યોમાં વૃક્ષો છે, સંતોની સાધનામાં વૃક્ષો છે, વાર્તાઓમાં તો વૃક્ષો જ્ઞાનના પ્રતીક બને છે. વૃક્ષ એકસાથે મજબૂતી અને સૌમ્યતાનું સુંદર સંતુલન છે. તોફાન સામે અડગ રહે છે, પણ વિકાસ ધીરજથી કરે છે. કોઈ ટૂંકો રસ્તો નહીં. કોઈ ચમત્કારી સૂત્ર નહીં. માત્ર સૂર્યપ્રકાશ, માટી, વરસાદ અને સમય. કદાચ સાહિત્યને વૃક્ષો ગમે છે કારણ કે એ આપણને 'સાચો વિકાસ ઘણીવાર દેખાતો નથી' એવું અસરકારક રીતે કહી શકે છે. સૌથી મહત્ત્વપૂર્ણ પરિવર્તન પહેલાં મૂળમાં થાય છે. મૂળ પહેલાં, પછી શાખાઓ; ચારિત્ર્ય પહેલાં, પછી સિદ્ધિ.
આપણામાંના
મોટાભાગના લોકો પોતાના ફોનમાં કેટલી બેટરી બચી છે તે વિશે પૂરતા જાગૃત હોય
છે પણ પોતાના વિસ્તારમાં કેટલાં વૃક્ષો બચ્યાં
છે તે અને બચ્યાં છે તેના નામ જાણતા નથી. હું પણ એમાં સામેલ છું. ક્યારેક
તો મારા ફોનનો Data-Usage Report એવો લાગે કે જાણે કોઈ કમ્પ્લેઇન બુક હોય. ટેક્નોલોજી
અદ્ભુત છે. એ દૂર બેઠેલા પરિવારજનોને જોડે છે, વિદ્યાર્થીઓને
શીખવામાં મદદ કરે છે, આખી લાઇબ્રેરીને ખિસ્સામાં મૂકી આપે છે.
પરંતુ તે આપણને પ્રયત્નપૂર્વક એટલા એન્ગેજ -વ્યસ્ત કરી મૂકે છે કે એ આપણને બારી બહાર ચાલી રહેલા જૂના અને જાણીતા પરિચિત સંવાદથી
પણ દૂર હડસેલી દે છે. વૃક્ષ કોઈ Notification
મોકલતું નથી, કદાચ એટલે જ આપણે એને અવગણીએ
છીએ. એનો મેસેજ યાને સંદેશ બહુ ધીમો હોય છે. જીવનના સૌથી અગત્યના સંદેશ કોઈ ઘંટડી વગાડ્યા વગર-
notification આપ્યા વગર આવે છે.
ભારતના કોઈપણ વિસ્તારમાં ફરો તો તમને એક રસપ્રદ વાત દેખાશે. ચાની લારી મોટેભાગે કોઈ વૃક્ષની આજુબાજુ હોય છે. વડીલો ત્યાં બેસે છે. બાળકો તેની આસપાસ રમે છે. ફેરિયાઓ થોડો વિરામ લે છે. વાતોનો મેળાવડો જામે છે. વૃક્ષો કોઈ ભાડું લીધા વગર નાનાં જાહેર મિલન-સ્થળો ઊભાં કરે છે. શહેરો દર વર્ષે ઊંચાં થતાં જાય છે ત્યારે આવા સ્થળો વધુ મહત્ત્વનાં બનતાં જાય છે. માત્ર ઓક્સિજન માટે નહીં, સંબંધો માટે. સમાજ માત્ર મકાનોનાં કારણે ટકતો નથી, એ લોકો મળતા રહે તે કારણે ટકે છે અને ઘણીવાર એક વૃક્ષ એ મુલાકાતોનું કેન્દ્ર બની જાય છે. એક એવો કુદરતી સભાખંડ જેમાં પ્રવેશ માટે કોઈ સભ્યપદની જરૂર નથી.
વૃક્ષો એક સુંદર વાત શીખવે છે. એ લેવાં કરતાં વધુ આપે છે; ફળ, છાંયો, ફૂલ, આશ્રય! મજાની વાત તો એ છે કે તેઓ આ બધું એ લોકોને પણ આપે છે, જે ક્યારેય તેમનો આભાર માનતા નથી. આમાં એક નિઃશબ્દ જ્ઞાન છે, ઉપદેશ વગરનો આધ્યાત્મિક પાઠ છે. આધ્યાત્મિકતા કાંઇ કોઈ રહસ્યમય બાબત નથી, એ સાદી ઉદારતાથી શરૂ થાય છે. વૃક્ષ ક્યારેય કહેતું નથી કે કોણ એની છાંયડીનો હકદાર છે. એ તો માત્ર આપે છે. જો આપણે પણ આ ભાવનાનો થોડોક અંશ જીવનમાં ઉતારી શકીએ, તો દુનિયા કેટલી અલગ લાગે!
જૂના મિત્રો અને જૂના વૃક્ષો વચ્ચેનું સામ્ય પણ અજાયબ છે. જૂના મિત્ર તમને તમારા એ સ્વરૂપોમાં ઓળખે છે, જે હવે તમે રહ્યા નથી. તે તમને અણઘડ કિશોર, મૂંઝાયેલો યુવાન, કે પછી અસંભવ જણાતાં સપનાં જોનાર વ્યક્તિ તરીકે ઓળખે છે. વૃક્ષો પણ કંઈક આવું જ કરે છે. એ આપણા જીવનની કથાની બાજુમાં અડોઅડ ઊભાં રહે છે. બાળપણનું એક વૃક્ષ આપણા વિશે એવી વાતો જાણે છે, જે કોઈ સોસિયલ મિડિયાની આપણી પ્રોફાઇલમાં હોતી નથી. એને યાદ છે તમારા ઘૂંટણ છોલાયાં હતાં એ દિવસો, તમારી છાની વાતો, પહેલો પ્રેમ, પહેલો પ્રેમભંગ, અને કંઇ કેટલું! એ આમાંનું કોઇને કંઈ કહેતું નથી. એ તો માત્ર સમયને પોતાના વલયોમાં સાચવીને ઊભું રહે છે.
વૃક્ષો ખરેખર તો અનેક સમસ્યાઓ
વચ્ચે સ્થિર રહેવાનું શીખવે છે તે નોંધવા જેવું છે. ભાવનાત્મક
સ્થિરતા, રોમાંચ નહીં, મનોરંજન નહીં,
નરી સ્થિરતા. આપણે જીવનમાં આગળ વધવાના નામે એટલી
દોડ લગાવીએ છીએ કે જેથી વસ્તુતઃ આપણી પાસે
છે તેની કિંમત ભૂલી જઈએ છીએ. વૃક્ષો રોજ આપણને આ વાત યાદ અપાવે છે અને
તે પણ Like, Share, Subscribe કરવાનું કીધા વગર. કદાચ એટલે જ એ
આપણને જૂના મિત્રો જેવા લાગે છે. જ્યારે તમે વર્ષોથી ઓળખીતા કોઈ વૃક્ષ પાસેથી પસાર
થાઓ, ત્યારે
થોડી ક્ષણ રોકાઈ જજો. એને સાચેસાચ જોજો, માત્ર
દૃશ્ય તરીકે કે સેલ્ફીના બેકગ્રાઉન્ડ તરીકે નહીં પણ સમયના
પ્રવાસમાં તમારી સાથે ચાલતા એક સાથી તરીકે. વિચારી જોજો કે
તમારા સમગ્ર જીવનપ્રવાસ દરમિયાન કેટલા એવા સાથી રહ્યા છે, જેઓ ક્યારેય તમને
છોડીને ગયા જ નથી?
અને હા, તમારા
નિખાલસ પ્રતિભાવો યાને ટિપ્પણીઓની અપેક્ષા રહેશે.
(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)
મુકેશ મહેતા ગાંધીનગર
જવાબ આપોકાઢી નાખોવૃક્ષો અને મિત્રતા અદભૂત. "પ્રકૃતિ આપણી ચિંતાઓ સાથે વાદવિવાદ નથી કરતી પરંતુ અવગણે છે." ખૂબ સમજવા જેવું.
જવાબ આપોકાઢી નાખો