Menu

બુધવાર, 12 ઑગસ્ટ, 2026

પેન અને પેન્સિલનો પાસપોર્ટ

પુસ્તકો દ્વારા વિશ્વનાગરિકનું સર્જન

હૃદયમાં નાનકડું પુસ્તકાલય લઈને ફરતા વહાલા વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને જીવનના સહયાત્રીઓ,

વરસાદે આખરે તમારું મન થોડું ભીનું કર્યું હશે એવી આશા રાખું છું. ગરમાગરમ ચાનો એક કપ, બારી પાસેની વરસતી ધાર અને કોઈ પ્રિય પુસ્તક… જીવન ક્યારેક આટલી નાની-નાની ઉપલ્બ્ધિઓથી પણ કેટલું સમૃદ્ધ બની જાય છે!

આજે એક વિચિત્ર પ્રશ્ન મનમાં આવ્યો. આપણાં હાથમાં આખી દુનિયા સમાઈ ગઈ છે કે પછી આપણે પોતે જ નાનકડી દુનિયામાં સમાઈ ગયા છીએ? મોબાઇલમાં વિશ્વ છે, પણ ઘણી વાર વિશ્વદૃષ્ટિ નથી. સોશિયલ મીડિયાનાં અલ્ગોરિધમ્સ આપણને એ જ બતાવે છે જે આપણને ગમે. જાણે કોઈ હોટલનો વેઇટર રોજ એ જ વાનગી પીરસતો રહે, કારણ કે એક દિવસ તમે તેની પ્રશંસા કરી હતી. ધીમે ધીમે આપણું મન પણ એક જ સ્વાદમાં બંધાઈ જાય. પણ પુસ્તક? પુસ્તક તો બહુ નટખટ મિત્ર છે. તે આપણી ખુશામત કરતું નથી. એ આપણને એવા લોકોની વચ્ચે લઈ જાય છે, જેમની ભાષા આપણે નથી જાણતા, જેમના તહેવારો આપણે ક્યારેય ઉજવ્યા નથી, જેમના ચહેરા અજાણ્યા છે, છતાં જેમના આંસુ અને સ્મિત આપણાં જ જેવા હોય છે. કચ્છના કોઈ ગામની દીકરી અને અમદાવાદની કોઈ એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી કદાચ ક્યારેય ન મળે. છતાં બંને સપનાઓનો ભાર સમજે છે. દિવસભર મહેનત કરીને સાંજે અભ્યાસ કરતો ડીસા કે ડાંગનો વિદ્યાર્થી અને આફ્રિકાના કોઈ લેખકની નવલકથાનાં પાત્ર વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હશે, પરંતુ થાકેલા પગ અને આશાથી ભરેલા હૃદયની ભાષા તો એક જ હોય છે. સાહિત્યનો આ સૌથી મોટો ચમત્કાર છે. તમે પુસ્તક બંધ કરો છો પણ એક બારી ખૂલી જાય છે.

આપણાં ઋષિઓએ બહુ પહેલાં કહી દીધું હતું- “वसुधैव कुटुम्बकम”. આખી પૃથ્વી એક કુટુંબ છે, પણ કુટુંબ માત્ર જાહેર કરવાથી બનતું નથી. કુટુંબ બનવા માટે એકબીજાને સાંભળવા પડે. વાંચન એ કદાચ સાંભળવાની સૌથી શાંત, સૌથી સુંદર અને સૌથી સચોટ રીત છે. મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે આપણે વાર્તા વાંચીએ છીએ ત્યારે થોડા સમય માટે આપણે બીજા કોઈના મનમાં વસવા લાગીએ છીએ.

શિક્ષણ આપણને માહિતી આપે છે, પરંતુ સાહિત્ય આપણને મનુષ્ય બનાવે છે. ટેક્નોલોજી આપણને સેકન્ડોમાં ખંડો સાથે જોડે છે, જ્યારે સાહિત્ય સદીઓ અને સંસ્કૃતિઓ વચ્ચે હૃદયનો પુલ બાંધી આપે છે. એક આપણને ઝડપ આપે છે, બીજું દિશા આપે છે. જરા કલ્પના કરો કે જો દરેક માણસ ફક્ત પોતાની જેમ વિચારે એવા લોકોને જ વાંચે, પોતાની જેમ જ બોલતા લોકોને સાંભળે, પોતાના જેવા જ વિશ્વમાં જીવતો રહે, તો દુનિયા કેવી હશે? દર્પણોથી ભરેલો એક મોટો ઓરડો, જેમાં પોતાનો ચહેરો વારંવાર દેખાય પણ કોઈ નવી બારી ન ખૂલે. વિકાસ દર્પણમાં નહીં, બારીમાં વસે છે. દરેક સાચા શિક્ષકને અંદરખાને સૌથી વધુ આનંદ ત્યારે થાય છે જ્યારે વિદ્યાર્થી સહેલો જવાબ યાદ કરવાને બદલે અઘરો પ્રશ્ન પૂછે.

મારા વહાલા વિદ્યાર્થીઓ અને ખાસ તો જેઓ આજે શિક્ષક છે, ડૉક્ટર છે, ઉદ્યોગસાહસિક છે, સરકારી કર્મચારી છે, ખેડૂત છે કે પોતાના પરિવારની જવાબદારીઓ નિભાવી રહ્યા છે તેવા મારા વિદ્યાર્થીઓ,

તમારું પુસ્તકાલય એક રેલવે સ્ટેશન જેવું બનાવજો જ્યાં ગુજરાતના કવિની બાજુમાં જાપાનનો નવલકથાકાર બેઠો હોય, જ્યાં આફ્રિકાની આત્મકથા અને ઉપનિષદ એક જ શેલ્ફ પર બિરાજમાન હોય, જ્યાં લેટિન અમેરિકાની કલ્પના અને ગાંધીજીનો વિચાર એક જ સાંજે તમારી સાથે ચા પીતા હોય. કારણ કે ડિગ્રી તમને રોજગાર અપાવશે. પરંતુ અભ્યાસક્રમની બહાર વાંચેલાં પુસ્તકો નક્કી કરશે કે રોજગાર મેળવનાર મનુષ્ય કેટલો ઉદાર, કેટલો સંવેદનશીલ અને કેટલો વિશ્વમાનવ બનશે. અને એ જ તો સાચું શિક્ષણ છેને?

આવતા અઠવાડિયે ફરી મળીએ ત્યાં સુધી એક પ્રશ્ન તમારી સામે મૂકી જાઉં છુઃ જો તમારું વાંચન તમારા વિશ્વને વિસ્તૃત ન કરતું હોય તો તમારા હૃદયમાં આખી માનવજાત માટે જગ્યા કેવી રીતે ઊભી થશે?

અને હા, તમને આ પત્ર ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો અન્ય મિત્રોને અવશ્ય મોકલશો. 

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી “પાર્થ મહાબાહુ”

 (અહીં રજૂ કરેલી પ્રથમ તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)

 

 

6 ટિપ્પણીઓ:

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts