ક્યારેક મૌન જ આપણને આપણો પરિચય કરાવે છે.
પોતાના અંતરના દીવાને હજુ ઓલવાવા ન દીધા હોય એવા મારા પ્રિય વિદ્યાર્થીઓ,
વરસાદ પડે ત્યારે ધરતી ધોવાઈ જાય છે. મન માટે પણ આવો કોઈ વરસાદ પડતો હોત!
આપણે એક વિચિત્ર જમાનામાં જીવીએ છીએ. પહેલાં ગામમાં એક જ લાઉડસ્પીકર આખા ગામને પરેશાન કરતું. આજે દરેકના ખિસ્સામાં પોતપોતાનું લાઉડસ્પીકર છે. ફરક એટલો જ કે હવે ઘોંઘાટ બહારથી ઓછો અને અંદરથી વધુ આવે છે. સવારે આંખ ખૂલે તે પહેલાં મોબાઇલ જાગી જાય છે. કોઈ Good morning મોકલે છે, કોઈ રીલ મોકલે છે, કોઈ સમાચાર મોકલે છે, કોઈ ઓફર મોકલે છે અને આ બધાની વચ્ચે આપણું મન ધીમેથી પૂછે છે, "મારા માટે પણ બે મિનિટ છે?" પરંતુ એ સંદેશો વાંચવા માટે કોઈ એપ નથી.
થોડા દિવસ પહેલાં યુનિવર્સિટીના પરિસરમાં બે વિદ્યાર્થીઓને જોયા. બંને બાજુબાજુમાં બેઠા હતા. બંનેના હાથમાં મોબાઇલ હતો. બંને હસી પણ રહ્યા હતા, પણ એકબીજા સાથે નહીં. દુનિયાભરના લોકો સાથે જોડાયેલા હતા, બસ બાજુમાં બેઠેલા માણસથી જ થોડા દૂર હતા. માણસે પરિવહન માટે રસ્તા બહુ બનાવ્યા છે, પણ સંબંધોના પુલ બહુ ઓછા. આપણા ઋષિઓએ મૌનને ક્યારેય ખાલીપો માન્યો નહોતો. તેઓ જાણતા હતા કે બીજ જમીનમાં શાંતિથી જ ફૂટે છે. સૂર્યોદય પણ કોઈ અવાજ કર્યા વગર થાય છે. ફૂલ ખીલતા પહેલાં જાહેરાત કરતું નથી. કુદરતના મોટા ભાગના ચમત્કારો મૌનમાં જ જન્મે છે. તો પછી આપણે કેમએવું માની લીધું છે કે સતત બોલતા રહેવું, સતત દેખાતા રહેવું અને સતત વ્યસ્ત રહેવું એટલે જ જીવવું?
મન પાણી જેવું છે. શાંત હોય ત્યારે તેમાં આખું આકાશ દેખાય અને હલતુંચલતું હોય ત્યારે પોતાનો ચહેરો પણ તેમાં સ્પષ્ટ દેખાતો નથી. આજે ઘણા યુવાનોને જીવનનો રસ્તો દેખાતો નથી. કદાચ રસ્તો ગુમ નથી થયો, મનમાં બહુ ધૂળ ઉડી રહી છે. ગાંધીજીએ દર અઠવાડિયે મૌન પાળ્યું. તેમની પાસે શબ્દોની કમી નહોતી. પરંતુ તેઓ જાણતા હતા કે શબ્દોનું વજન મૌનમાંથી જ જન્મે છે. જે માણસ પોતાની સાથે થોડો સમય રહી શકતો નથી, તે આખી દુનિયાને કેવી રીતે સમજશે?
રોજીરોટી અને અભ્યાસ વચ્ચે દોડતા મારા મિત્રો અને શહેરના ઘોંઘાટમાં જીવતા પ્રિય યુવાનો, આ માટે તમારે હિમાલય જવાની જરૂર નથી. રોજ માત્ર દસ મિનિટ પૂરતી છે. ફોન બાજુ પર મૂકો, કાનમાંથી ઇયરફોન કાઢો, બારી ખોલો, આકાશ જુઓ, ઝાડ જુઓ, અને પોતાનો શ્વાસ સાંભળો. શરૂઆતમાં મન બહુ ઉછળશે. એક એવા મર્કટ જેવું, જેને આખું કેળાનું ખેતર મળ્યું હોય! તેને રોકવાની ઉતાવળ ન કરશો. થોડી વાર પછી એ પોતે જ શાંત પડી જશે. તે પછી કદાચ એક અજાણ્યો અવાજ સંભળાશે. એ અવાજ કોઈ દેવદૂતનો નહીં હોય, એ તમારો પોતાનો હશે.
શિક્ષણનો અર્થ
માત્ર માહિતી ભેગી કરવી એવો નથી. સાચું શિક્ષણ તો અંદર એવી જગ્યા
ઊભી કરે છે, જ્યાં
વિચારને ઉતાવળ ન હોય, નિર્ણયને
ઘોંઘાટની જરૂર ન હોય અને અંતરાત્માને બોલવાનો અવકાશ મળે. પુસ્તકો આપણને દુનિયા
બતાવે છે. ટેક્નોલોજી દુનિયાને નજીક લાવે છે. પરંતુ મૌન આપણને આપણા સુધી લઈ જાય
છે. પોતાના સુધી પહોંચી ગયેલો માણસ જીવનમાં બહુ ઓછો ભટકે છે.
મારા વહાલા વિદ્યાર્થીઓ, ડિગ્રી, હોદ્દા, પગાર અને પ્રસિદ્ધિ મેળવજો, જરૂર મેળવજો. પરંતુ એ દોડમાં એટલા વ્યસ્ત ન થઈ જશો કે તમારી અંદર બેઠેલો સૌથી સારો મિત્ર જ અજાણ્યો બની જાય. દુનિયાના દરેક અવાજને સાંભળવાની કળા તમે શીખી ગયા છો. હવે જરા વિચારજો કે છેલ્લે ક્યારે તમે તમારા અંતરના ધીમા અવાજને પણ એટલી જ ધીરજથી સાંભળ્યો હતો?
અને હા, તમને આ પત્ર ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો અન્ય મિત્રોને અવશ્ય મોકલશો.
સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.
-ભરત
જોશી “પાર્થ મહાબાહુ”
(અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)
ગુરુજી,વાત સાચી. પણ આ ઘોન્ઘાટિયા જગતમા મૌનને સમજનારા કેટલા?
જવાબ આપોકાઢી નાખોબોલે એના બોર વેચાય ત્યા શુ કરવું?
-અતુલ ઈ. કનૈયા
વાત સાચી હોય તો પછી કહેવાનું જ શું!
કાઢી નાખોસરસ લેખ સર, મૌન સ્વયંને પામવાનો 'નોન ગેઝેટેડ' માર્ગ.😂
જવાબ આપોકાઢી નાખોવાહ, કપિલભાઈ! આભાર.
કાઢી નાખોSilence, the essential condition for thought. The true power of man is his power of thought. It is thought that rules, that makes things happen, that creates. But thought needs certain conditions in order to work, and one condition that is absolutely essential to thought is silence.
જવાબ આપોકાઢી નાખોThank you very much for the response. May I know your good name?
કાઢી નાખો