Menu

બુધવાર, 19 ઑગસ્ટ, 2026

સૌથી કઠિન સત્યાગ્રહ

અંદરની આઝાદીની લડાઈ

પોતાની આવતીકાલના પ્રિય શિલ્પીઓ,

દરેક પેઢીને પોતાની એક આઝાદીની લડાઈ લડવી પડે છે. આપણા દાદા-પરદાદાઓએ દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો. આપણા માતા-પિતાએ જીવનને સ્થિર બનાવવાની જહેમત ઉઠાવી. અને તમારામાંથી ઘણા એવા યુદ્ધમાં છો, જે બહારથી કોઈને દેખાતું જ નથી. એ યુદ્ધ દરરોજ એક નાનકડા વાક્યથી શરૂ થાય છે. "હવે પાંચ મિનિટ પછી શરૂ કરું છું..." કેટલાંય સપનાંઓને આ "પાંચ મિનિટ" ગળી ગઈ છે.

તમારામાંથી કોઈ દૂરના ગામથી બે બસ બદલીને વર્ગખંડ સુધી પહોંચે છે. કોઈ નોકરી અને અભ્યાસ વચ્ચે દોડધામ કરે છે. કોઈ પરિવારની જવાબદારીઓ ઉઠાવીને પણ ભણવાનું છોડતું નથી. તો કોઈ પાસે તમામ સુવિધાઓ છે. ઝડપી ઇન્ટરનેટ છે, મોંઘો મોબાઇલ છે, શાંત ઓરડો છે. છતાં એક વાત ખૂબ રસપ્રદ છે. આળસ અને ટાળાટાળ કોઈનું સરનામું પૂછતી નથી. એ ગરીબની ઓરડીમાં  બેસી જાય છે અને અમીરના ડ્રોઇંગરૂમમાં પણ ઘૂસી જાય છે. એટલે કે આજનો સૌથી મોટો સત્યાગ્રહ બહારનો નથી, અંદરનો છે. આપણે શીખ્યા છીએ કે સત્યાગ્રહનો જન્મ સત્યમાંથી થાય છે. સમાજ પાસે સત્યની અપેક્ષા રાખતાં પહેલાં પોતાની સામે તો સાચા બનવું પડે. જ્યારે આપણે કહીએ છીએ કે, "બે કલાક ઇન્સ્ટાગ્રામમાં ફસાઈ જવાયું એટલે વાંચી ન શકાયું" ત્યારે ખરેખર ઇન્સ્ટાગ્રામે આપણને બંધક બનાવ્યા હતા? યૂટ્યુબે દરવાજો બંધ કરી દીધો હતો? કે પછી આપણે જ હસતાં-હસતાં તેની પાસે પોતાની ચાવી સોંપી દીધી હતી? મોબાઇલ તો એક આજ્ઞાકારી નોકર છે. તે ક્યારેય જબરદસ્તી કરતો નથી; બસ, આપણા આગામી સ્પર્શની રાહ જોતો રહે છે. વાંધો મોબાઇલમાં નથી, વાંધો તો જેને છોડવાનું આવડતું નથી એ હાથમાં છે.

આપણું મન પણ કેવું અદ્ભુત વાર્તાકાર છે! તે દરરોજ સમજાવે છે કે "અસાઇનમેન્ટ તો કાલે વધુ સારી રીતે લખાશે." અને કાલ તો દરરોજ  નવા કપડાં પહેરીને ત્યાંની ત્યાં જ હોય છે. “હેમ્લેટ”માં શેક્શપિયરે લખ્યું છે તેમ તે કદી નથી આવતી (Tomorrow will never come.). તેથી કબીર કહે છે તે સાચું ઠરે છેઃ "કાલ કરે સો આજ કર".

શિક્ષણનો અર્થ માત્ર પ્રમાણપત્રો ભેગાં કરવા તેવો નથી. શિક્ષણ એટલે પોતાની ઉપર પોતાનું શાસન સ્થાપિત કરવું. જે પોતાના સ્વભાવ, પોતાની આદતો અને પોતાના મનને દિશા આપી શકતા નથી, તે આખી જિંદગી પોતાની ઇચ્છાઓના આદેશો જ પાળતા રહે છે. સાચી ડિગ્રી યુનિવર્સિટી નહીં, આપણી રોજની શિસ્ત આપણને ધીમે-ધીમે અર્પણ કરે છે. પ્રેરણાની રાહ ન જુઓ. પ્રેરણા અમદાવાદના હવામાનની આગાહી જેવી છે. સાંભળવામાં બહુ સારી લાગે, પણ વરસાદ પડે જ એવી કોઈ ખાતરી નથી. શિસ્ત જુદી વસ્તુ છે. એ તો આકાશ એકદમ નિર્મેઘ હોય ત્યારે પણ છત્રી સાથે લઈ નીકળે છે.

યાદ રાખજો કે કોઈ જોતું ન હોય ત્યારે તમે વાંચેલું દરેક પાનું તમારા આવતીકાલના વ્યક્તિત્વને અપાયેલો એક મત છે. તો આજે ટાળેલું દરેક કામ પણ એક મત જ છે. ફરક માત્ર એટલો છે કે એ મત તમે બનવા માંગો છો તે વ્યક્તિને નહીં, પરંતુ તમારી અંદરની આળસને મળે છે.

જીવન કોઈ એક મહાન નિર્ણયથી બદલાતું નથી. જીવન ત્યારે બદલાય છે, જ્યારે સામાન્ય દિવસો વેડફાવા બંધ થાય છે. આઝાદીનો અર્થ માત્ર બંધનો તોડવા તે નથી. આઝાદી એટલે મોબાઇલને બાજુ પર મૂકવાની હિંમત, પુસ્તક ખોલવાની તૈયારી અને પોતાની જાતને આપેલું વચન નિભાવવાની નિષ્ઠા. ઘણીવાર સૌથી મોટી જીત તાળીઓ વગર મળે છે અને એ જ જીત જીવનની બધી મોટી સફળતાઓનો પાયો નાખે છે.

આ અઠવાડિયા માટે એક વિચાર-પ્રશ્ન તમારી સામે છેઃ જો તમારો સૌથી મોટો વિરોધી તમારી અંદરનું આગલું બહાનું જ હોય, તો તમે આખરે કઈ આઝાદી જીતવાની તૈયારી કરી રહ્યા છો?

અને હા, તમને આ પત્ર ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો અન્ય મિત્રોને અવશ્ય મોકલશો. 

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી “પાર્થ મહાબાહુ”

(અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)

2 ટિપ્પણીઓ:

  1. ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ..........

    જવાબ આપોકાઢી નાખો
  2. આજના યુવા ની વાસ્તવિકતા, કે પછી કડવી હકીકત છે , ખબર હોવા છતાં પણ ખુદને વારંવાર " હું એ કામ કરીશ" , એવી માનસિક સહાનુભૂતિ આપમેળે મળી જાય છે.

    જવાબ આપોકાઢી નાખો

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts