કરુણા એટલે સૌથી શક્તિશાળી ટેક્નોલોજી
સપનાઓની કુંજગલીના મારા પ્રિય મુસાફરો,
આજે નાનો મતભેદ પણ સોશિયલ મીડિયા પર એવી ઝડપે ફેલાય છે કે જાણે મે મહિનાની
આગમાં સુકા ઘાસને ચિંગારી લાગી હોય. એક ગુસ્સાભરી પોસ્ટ દસ ગુસ્સાભર્યા જવાબોને જન્મ
આપે છે. એક બેદરકાર મેસેજ આખી ડિજિટલ ભીડને ઉશ્કેરી દે છે. ક્યાંક અમદાવાદમાં કોઈ
વિદ્યાર્થી મધરાતે કોઈ અજાણ્યા માણસ સાથે દલીલ કરી રહ્યો છે. ક્યાંક કચ્છમાં કોઈ
યુવાન શિક્ષક પોતાની પોસ્ટ ડિલિટ કારી રહ્યો છે કારણ કે પ્રતિભાવ અપેક્ષા કરતાં વધુ કડવા નીકળ્યા. ક્યાંક
કોઈ વ્યક્તિ એવા શબ્દોનું ભારણ લઈને ફરી રહી છે જે લખવામાં
પાંચ સેકન્ડ જ લાગી હતી પણ ભૂલવામાં કદાચ પાંચ વર્ષ લાગી શકે.
આ સમયે મને એક જૂનો વિચાર યાદ આવે છે જે આજે અદ્દભુત રીતે નવો લાગે તેવો છે “અહિંસા”. જ્યારે મહાત્મા ગાંધીએ અહિંસાની વાત કરી હતી, ત્યારે સ્માર્ટફોન નહોતા, સોશિયલ મીડિયા નહોતું, અને વાંચ્યા વગર મેસેજ ફોરવર્ડ કરી દેતા લોકો પણ નહોતા. છતાં તેમનો વિચાર આજે એટલો જ જીવંત છે. કારણ કે હિંસા માત્ર શરીરને ઇજા પહોંચાડતી નથી. શબ્દોથી પણ હિંસા થાય છે, લાગણીઓને પણ ઘા પડે છે, અને આજના સમયમાં તો ડિજિટલ દુનિયામાં ઘાવ ઊંડા પડી શકે છે.
એક સમયે કટુ વાણી બોલવા માટે સામસામે ઊભા રહેવું પડતું હતું. આજે માત્ર કીબોર્ડ પૂરતું છે. ટેક્નોલોજીએ આપણને અસાધારણ શક્તિ આપી છે. ગમે ત્યાંનો વિદ્યાર્થી દુનિયાના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી શીખી શકે છે. નોકરી સાથે ભણતો વિદ્યાર્થી પોતાની ફરજ પૂરી કર્યા પછી પણ અભ્યાસ ચાલુ રાખી શકે છે. હોસ્ટેલના રૂમમાં લખાયેલી એક કવિતા સવારના નાસ્તા પહેલાં દુનિયાના ખૂણે-ખૂણે પહોંચી શકે છે. આ આપણા યુગના ચમત્કારો છે. દરેક શક્તિ એક ભલામણ ચોક્ક્સ કરે છે: “મારો ઉપયોગ સમજદારીથી કરજો.”
મનોવિજ્ઞાન કહે
છે કે ગુસ્સો ચેપી હોય છે. સાહિત્ય તો સદીઓથી એ જ વાત કહે છે. એક વ્યક્તિની કડવાશ
ઘણી વખત બીજા કોઈના જીવનનો ભાર બની જાય છે. સોશિયલ મીડિયા આ અસરને અનેકગણી વધારી
દે છે. અફવા સત્ય કરતાં ઝડપથી દોડે છે. ઉપહાસને સન્માન કરતાં વધુ તાળીઓ મળે છે.
ગુસ્સાને સમજણ કરતાં વધુ વખાણ મળે છે. આવી દુનિયામાં ડિજિટલ અહિંસા કમજોરી નથી; એ તો શક્તિ છે. એનો અર્થ એ છે કે કોઈને
નુકસાન પહોંચાડી શકે એવો મેસેજ આગળ મોકલતાં પહેલાં એક ક્ષણ રોકાઈ જવું. મતભેદ
રાખવો, પણ કોઈને અપમાનિત કર્યા વગર. એ યાદ રાખવું કે દરેક પ્રોફાઇલ ફોટાની પાછળ એક
જીવંત માણસ છે, જે પોતાના અજાણ્યા સંઘર્ષો સાથે જીવી રહ્યો છે. સોશિયલ
મીડિયા નામની દીવાલ મળી ગઈ છે એટલે તેનૉ ઓથમાં રહી પથ્થર ફેંકવાની જરૂર નથી. મને ખબર છે કે તમારામાંથી કેટલાક એવા શહેરોમાં છો જ્યાં ટેક્નોલોજી સવારની ચા જેટલી સામાન્ય છે અને કેટલાક
એવા વિસ્તારોમાં છો જ્યાં દરેક
જીબી ડેટાનો હિસાબ રાખવો પડે છે. ઇન્ટરનેટ ઝડપી હોય કે ધીમું, આપણાં મૂલ્યો મજબૂત હોવાં જોઈએ.
સૌથી મોટું
અપગ્રેડ નવો મોબાઇલ નથી, સૌથી મોટું
અપગ્રેડ છે વધુ સારો
સ્વભાવ. જ્યારે
ટેક્નોલોજીમાંથી કરુણા ગાયબ થઈ જાય છે ત્યારે
ભાવનાઓનું પ્રદૂષણ શરૂ થાય છે. સ્ક્રીન વધુ ચમકે છે પણ મનમાં વધુ અંધારું
થાય છે. નેટવર્ક વધુ મજબૂત બને છે પણ સંબંધો વધુ
નબળા પડે છે.
મારા પ્રિય
વિદ્યાર્થીઓ અને જીવનમાં અર્થપૂર્ણ માર્ગ શોધતા પૂર્વ વિદ્યાર્થીઓ, આવનારો સમય
એમનો હશે જે બુદ્ધિને સહાનુભૂતિ સાથે જોડશે, ઝડપને વિવેક
સાથે જોડશે અને નવીનતાને માનવતા સાથે જોડશે. મશીનો માહિતી આપી શકે છે, પરંતુ માહિતીને
કરુણામાં ફેરવવાનું
કામ માત્ર માણસ કરી શકે.
તેથી હવે જ્યારે તમારા
ફોનની સ્ક્રીન પર ગુસ્સો ટકોરા મારે ત્યારે પોતાને
એક સાદો પ્રશ્ન પૂછજો: “હું આ વાતચીતમાં પ્રકાશ ઉમેરી રહ્યો છું કે
માત્ર ગરમી વધારી રહ્યો છું?” આ સવાલનો જવાબ માત્ર તમે કેવા ઇન્ટરનેટ વપરાશકર્તા છો એ
નહીં, પણ તમે કેવા માણસ બની રહ્યા છો એ પણ બતાવશે. આ દુનિયામાં
જ્યાં દરેક ક્લિક પોતાની છાપ છોડી જાય છે, ત્યાં તમે તમારા જીવનની કેવા પ્રકારની માનવીય
છાપ છોડવા માંગો છો?
સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા પ્રત્યુત્તરની
અપેક્ષા રહેશે.
-ભરત જોશી “પાર્થ મહાબાહુ”
(અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)
Screen ઉપર touch કરતાં પહેલા પોતાને પ્રશ્ન પૂછવાની વાત ખૂબ સારી અને વિચારશીલ બનાવે એવી છે. એક સારી આદત આપણા જીવનમાં
જવાબ આપોકાઢી નાખોઉમેરવા જેવી છે. Thank you