એક બિલ્લો, એક સ્મિત અને એક આખું જીવન
-ભરત જોશી “પાર્થ મહાબાહુ”
એકવાર હું રેલવે સ્ટેશન પર એવી લાંબી કતારમાં ઊભો હતો જેને
જાણે કે આગળ વધવાની કોઈ ખાસ ઉતાવળ ન હોય. સ્ટેશનમાં ટીંગાતી ઘડિયાળને લોકો એવી રીતે જોતા હતા જાણે ત્રાટક કરતા હોય. મારી પાછળ ઊભેલા ભાઈ ઊંડેથી નિઃશ્વાસ છોડતા હતા.
આગળ ઊભેલા બહેન વ્યવસ્થાની ફરિયાદમાં ઓતપ્રોત હતા. બારીની પાછળ બેઠેલો રેલવે કર્મચારી એક પછી એક ટિકિટ આપતો હતો. એક
ગણવેશધારી સિક્યુરિટી ગાર્ડની હાજરી બધાની શિસ્તનું કારણ હતી. એવામાં એક નાની ઘટના બની. એક નાનકડા બાળકે સિક્યુરિટી
ગાર્ડ તરફ જોઈને સ્મિત કર્યું. સિક્યુરિટી ગાર્ડે પણ હસીને જવાબ આપ્યો. એક ક્ષણ માટે કતાર, બારી અને
ગણવેશ ગાયબ થઈ ગયા. માત્ર એક માણસ બીજા માણસને
હસીને જોઈ રહ્યો હતો. એ નાની ક્ષણે મને વિચારવા પ્રવૃત્ત
કર્યો કે આપણે માણસ કરતાં ગણવેશની કેમ વધુ નોંધ લેતા હોઈએ છીએ?
ગણવેશ એક વિશિષ્ટ વસ્તુ છે. તેનું કામ વ્યક્તિની ભૂમિકા ઓળખાવવાનું છે જેમ કે પોલીસ, નર્સ, સિક્યોરિટી ગાર્ડ,
ડિલિવરી કર્મચારી, સફાઈ કામદાર વગેરે. સમાજને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ગણવેશની મોટી
ભૂમિકા છે પણ ક્યાંક ને ક્યાંક આપણું મન એક જાદુ કરી બેસે છે. આપણે માણસને જોવાનું
બંધ કરી દઈએ છીએ અને માત્ર તેની ફરજને જ જોતા રહી જઈએ છીએ;
ગાર્ડ એટલે માત્ર “ગાર્ડ”, વેઇટર એટલે માત્ર
“વેઇટર”, ડ્રાઇવર એટલે માત્ર “ડ્રાઇવર”. જાણે તેમનું જીવન
તેમની ડ્યૂટી શરૂ થાય ત્યાંથી શરૂ થતું હોય અને ઘરે પહોંચતા થંભી જતું હોય. હકીકતમાં
એવું નથી. ગાર્ડને પણ એક મા હશે,
જે તેની ચિંતા કરતી હશે. વેઇટરના પણ સપના હશે, જે મેન્યૂ (ભોજનપત્રક)
કરતાં ઘણા મોટા હશે.
ડ્રાઇવર પાસે કદાચ ત્રણ
નવલકથાઓ અને એક વેબ સિરિઝ બની શકે એવી વાર્તાઓ હશે. પરંતુ,
આપણે ઘણીવાર તેમની સાથે એવી રીતે વર્તીએ છીએ જાણે તેઓ કોઈ મશીનના
બટન હોય; દબાવો-માગણી કરો-આગળ વધો.
દરેક સામાન્ય માણસ એક અદૃશ્ય થેલો લઈને ફરે છે. એ થેલામાં રોજિંદી ચિંતાઓ, આજીવિકાના અભરખા, બાળકોની અબળખા, ઘરનાં મતભેદ, સ્વાસ્થ્યની કઠણાઇઓ, અધૂરાં સપનાં, નાનીનાની ખુશીઓ અને
મોટામોટા ડર હોય છે. ખૂબી
એ છે કે આપણો પોતાનો થેલો આપણને ખૂબ સ્પષ્ટ દેખાય છે પણ બીજાઓય
એવો જ થેલો ઊંચકી રહ્યા છે એ આપણે ભૂલી જઈએ છીએ. બીજાના આવા થેલાની
સભાનતાને મનોવિજ્ઞાન ‘સહાનુભૂતિ’ કહે છે. અઘરો
શબ્દ છે પણ મને એક સરળ ચિત્ર વધુ ગમે છે. કલ્પના કરો કે તમે બજારથી બે ભારે થેલીઓ લઈને આવી રહ્યા છો અને છતાં થોડા સમય માટે કોઈની થેલી પણ ઉપાડી લ્યો છો. બસ, એ જ સહાનુભૂતિ છે. એટલે કે કોઈનું આખું જીવન ઉકેલી લેવું નહીં, પણ તેમની મુશ્કેલીઓ પણ ભારે છે એટલું યાદ રાખવું એનું નામ સહાનુભૂતિ.
ટેકનોલોજીએ જીવનને
ઘણું સરળ બનાવ્યું છે. ભોજનની ડીશ ઘર સુધી આવી પહોંચે છે. પાર્સલ જાણે
જાદુઇ ઝડપે બારણે આવી જાય છે. ‘ટ્રેક યોર ઓર્ડર’માં નકશા પર નાનાં ટપકાં આગળ વધતાં
દેખાય છે. કેટલું સુવિધાજનક! પરંતુ
આમાં એક પ્રચ્છન્ન ખતરો પણ છે. માણસ ધીમે ધીમે
‘notification’ અને કર્મચારી માત્ર એક ‘status
update’ બની જાય છે. “3
મિનિટમાં ડિલિવરી.” એ વાક્ય તો સરળ છે પણ
એ ત્રણ મિનિટ પાછળ કોઈ માણસ ટ્રાફિક,
ગરમી, વરસાદ અને
પોતાની જિંદગીની ચિંતાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હોય છે. મને કાયમ લાગ્યું છે
કે ટેકનોલોજી આપણને જોડે છે પણ તે માનવીય પરિશ્રમને ઢાંકી પણ દે છે.
જીવન પોતે એક શાળા
છે. કેટલાક સૌથી અગત્યના પાઠ પુસ્તકો વગર શીખાય છે. જે બાળક પોતાના માતા-પિતાને ઘરકામ કરવા આવતા
કામવાળાઓ સાથે આદરથી વાત કરતાં જુએ છે, તે સન્માન શીખે છે.
જે કિશોર માનવતા શીખે છે તે બસના કંડક્ટરને ‘થેંક યૂ’ કહે છે. જે યુવાન ઓફિસના સહાયક કર્મચારીઓ સાથે સારો વ્યવહાર કરે છે, તે નેતૃત્વ શીખે
છે. આ કોઈ પાઠ્યપુસ્તકમાં લખેલું નથી; લોકો શીખવે છે, લોકોનાં વર્તન શીખવે છે અને બાળકો બધું જ જોતા હોય છે. ખાસ કરીને એ બધું, જે આપણને લાગે છે
કે તેઓ નથી જોતા. શિક્ષણ માત્ર વર્ગખંડમાં નથી મળતું.
લગભગ દરેક વૈચારિક પરંપરા એક જ વાત કહે છે; ભાષા અને રીતો જુદી હોય પણ મેસેજ એક જ. દરેક માણસમાં મૂલ્યનો એક ઝગમગતો અંશ વસે છે. તેના પગારને કારણે નહીં, તેના હોદ્દાને કારણે નહીં, તેના ગણવેશના રંગને કારણે નહીં, પણ એટલા માટે કે તે માણસ છે. વિચાર સાદો છે પણ અમલ મુશ્કેલ છે, ખૂબ મુશ્કેલ; ખાસ કરીને તણાવભર્યા સમયમાં. હું સ્વીકારું છું કે આ પરીક્ષામાં હું પણ નિષ્ફળ ગયો છું. આખરે માણસ તો માણસ જ છે. સુંદર રીતે અપૂર્ણ! આપણે મોટેભાગે આદર અને સૌજન્યને એક જ વસ્તુ માની લઈએ છીએ. તે બન્ને સંબંધિત છે, પણ એકસરખાં નથી. સૌજન્ય કહે છે, “આભાર.” અને સહાનુભૂતિ પૂછે છે, “તમે ખરેખર કેમ છો?” સૌજન્ય નિયમોનું પાલન કરે છે, સહાનુભૂતિ માણસને જુએ છે. એક વર્તન છે, બીજું દૃષ્ટિ છે. દુનિયાને બન્નેની જરૂર છે. સ્મિત મફત છે. ધીરજ માટેનો ખર્ચ બહુ ઓછો છે. વિવેકી કે માયાળુ બનવા માટે તો માત્ર થોડી ક્ષણો જ જોઈએ. મુશ્કેલ સમયમાંથી પસાર થતી વ્યક્તિ માટે આ નાનાં હાવભાવ પણ સૂર્યકિરણ સમાન બની શકે છે.
જ્યારે તમે કોઈને
કાઉન્ટર પાછળ, સ્ટિયરિંગ
પાછળ, ટેબલ પાછળ, દરવાજા પાસે કે કોઈ
બિલ્લા સાથે ક્યાંક જુઓ,
ત્યારે તમે ખુદને પૂછજો કે સૌથી પહેલાં તમને ગણવેશ દેખાયો કે પછી એ ગણવેશની અંદરનો માણસ?
અને હા, તમને આ યદૃચ્છભ્રમણ ગમ્યું હોય કે
ઉપયોગી લાગ્યું હોય તો અન્ય મિત્રોને અવશ્ય મોકલશો.
નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા નિખાલસ પ્રતિભાવોની અપેક્ષા રહેશે.
(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)
ગણવેશ વિશે આ લેખમાં આપે સુંદર ચર્ચા કરી, સર.આ લેખ આપણને યાદ અપાવે છે કે ગણવેશ પાછળ પણ એક જીવંત હૃદય ધબકે છે—અપણે માણસને જોવાનું શીખવું જોઈએ.નાની સહાનુભૂતિ અને એક સ્મિત દુનિયાને વધુ માનવીય બનાવી શકે છે.
જવાબ આપોકાઢી નાખોસાચી વાત કપિલભાઈ. આપણે ગણવેશમાં જ અટવાઈ જઈએ છીએ.
કાઢી નાખોખરી વાત સર.
કાઢી નાખો