હરતી-ફરતી નવલકથાઓ
-ભરત જોશી 'પાર્થ મહાબાહુ'
હું ટ્રેનમાં ચડ્યો ત્યારે મારો એક જ સાદો કાર્યક્રમ હતો ઊંઘવાનો. બસ એટલું જ. ન કોઈ તત્ત્વચિંતન, ન જીવનના પાઠ કે ન કોઈ આત્મશોધની સફર; માત્ર ઊંઘ. પણ અડધા કલાકમાં જ અમારો ડબ્બો જાણે માનવજીવનના મહાન રંગમંચનું દર્શકગૃહ બની ગયો. નીચેની સીટ પર એક નિવૃત્ત શિક્ષક બેઠા હતા. એમની પાસે એટલા થેપલા હતા કે નાનકડા ગામને જમાડી શકાય. સામે એક સોફ્ટવેર એન્જિનિયર નબળા નેટવર્ક સામે એમ ઝઝૂમી રહ્યો હતો જેમ મધ્યમવર્ગીય ગૃહિણી આખરી તારીખોમાં ઝઝૂમતી હોય છે. બારી પાસે બેઠેલું એક બાળક સતત એવા પ્રશ્નો પૂછતું હતું, જેના જવાબ મોટા લોકો નિશ્ચિતપણે આપી શકે એમ નહોતાં. “ટ્રેન ચાલે ત્યારે ઝાડ દોડતા કેમ લાગે છે?” વાહ! કેવો પ્રશ્ન! અને એ ક્ષણે મારું ઊંઘવાનું આયોજન રદ થઈ ગયું. ભારતીય ટ્રેનમાં એક અનોખી કળા છે. તમે તેમાં સામાન લઈને ચડો છો, પણ વાર્તાઓ લઈને ઉતરો છો. ક્યારેક તો બીજાની વાર્તાઓ પણ. ખેડૂત, ડૉક્ટર, કોલેજનો વિદ્યાર્થી, સૈનિક, નવદંપતી અને ફેરિયાઓ- આ બધા એકસાથે ક્યાં મળે? ટ્રેનનો ડબ્બો વાહન કરતાં વધુ તો એક અસ્થાયી બ્રહ્માંડ છે. જે લોકો સામાન્ય જીવનમાં ક્યારેય ન મળતાં હોય તેઓ થોડા કલાકો કે થોડા દિવસો માટે સહપ્રવાસી બની જાય છે. કોઈ નાસ્તો વહેંચે છે, કોઈ ફરિયાદો વહેંચે છે, અને કોઈ તો પોતાની આખી જીવનકથા પણ વહેંચી નાખે છે.
ભારતીય મુસાફરોને અજાણ્યા માણસ સાથે વાત શરૂ કરવાની અદ્ભુત આવડત હોય છે. શરૂઆત સામાન્ય હોય છેઃ “તમે ક્યાંના?” અને ત્રણ કલાક પછી તમને એમના ગામનું નામ, પરિવારની વિગતો, કઝિનના લગ્ન અને ક્રિકેટ ટીમની પસંદગી વિશેના અભિપ્રાયો બધું જ ખબર પડી જાય. લાગે થોડું ચોંકાવનારું, પણ એટલું જ સુંદર.
ટ્રેન નવલકથાઓ જેવી લાગે છે કારણ કે નવલકથા માત્ર કથાવસ્તુ નથી હોતી, એ માણસો વિશે હોય છે અને ટ્રેન માણસોથી છલકાતી હોય છે. દરેક બર્થમાં એક પ્રકરણ છુપાયેલું હોય છે, દરેક સ્ટેશન પર એક નવું પાત્ર પ્રવેશ કરે છે અને દરેક વિદાય એક ટૂંકી વાર્તાના અંત જેવી લાગે છે. મહાન લેખકો પાત્રો સર્જવા માટે સામાન્ય જીવનને ધ્યાનથી જુએ છે. ભારતીય રેલવે પણ જાણે એ જ કામ અજાણતાં કરે છે.
રડતું બાળક, ધીરજવાળી માતા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો યુવાન, કે મહિનાઓ પછી ઘરે પરત ફરતો મજૂર જેવા દરેક માણસ પોતાની અંદર લખેલાં અજાણ્યાં પાનાં ધરાવે છે. સામાન્ય રીતે આપણે એ પાનાં વાંચી શકતા નથી. પરંતુ ટ્રેન, ભલે આખું પુસ્તક નહીં, પણ તેની એક ઝલક જરૂર આપે છે. પરિણામે એટલું જરૂર કે આપણું મન વિચારવા લાગે.
માણસોમાં એક રસપ્રદ વાત છે. આપણે ઘણીવાર અજાણ્યા લોકોને એવી વાતો કહી દઈએ છીએ, જે પોતાના મિત્રોને પણ નથી કહેતા. આવું કદાચ એટલા માટે હશે કે અજાણ્યા લોકો સુરક્ષિત લાગે છે. તેઓ સાથે આપણો કોઈ ઇતિહાસ નથી, કોઈ અપેક્ષાઓ નથી, કોઈ જૂના મતભેદો નથી. ચાલતી ટ્રેનમાં લોકો સહેલાઈથી મન ખોલી દે છે. પાટા પરનાં પૈડાંનો “ખટાક ખટ્ટ ખટાક ખટ્ટ”નો લય જાણે પૃષ્ઠભૂમિમાં વાગતું સંગીત બની જાય છે. જાણે એ કહે છે કે “કહો... તમારી વાત કહો.” કદાચ ગતિ પોતે જ મનના દરવાજા થોડા ખોલી દે છે. બહારના દૃશ્યો બદલાય છે, અને અંદર પણ કંઈક બદલાય છે. હૃદય થોડું હળવું થાય છે. મન પોતાનું આસન પાથરીને આરામથી બેસી જાય છે.
ક્યારેક મને લાગે છે કે ટ્રેન ભારતની સૌથી અવગણાયેલી શૈક્ષણિક સંસ્થાઓ છે. ન પ્રવેશ પરીક્ષા, ન હાજરીપત્રક, ન શૈક્ષણિક ફી અને છતાં પાઠ તો દરેક બાજુ છે. ટ્રેન મોડી પડે ત્યારે બાળક ધીરજ શીખે છે. શહેરનો મુસાફર ગામડાંના જીવનની અલગ વાસ્તવિકતાની સમજ મેળવે છે. વ્યવસાયી પોતાના કરતાં વધુ મુશ્કેલીઓ ભોગવતા લોકો જોઈને નમ્રતા શીખે છે. શિક્ષણ હંમેશાં ઇમારતોની અંદર જ થતું નથી. ક્યારેક અચાનક ઝટકો ખાયેલી ટ્રેનમાં કપમાં રહેલી ચા બચાવતાં પણ શિક્ષણ થાય છે. આ બહુ ઊંચી કક્ષાની પ્રાયોગિક પરીક્ષા ગણાય! જો કે તેનું કોઈ પ્રમાણપત્ર મળતું નથી, પણ સમજણ વધી જાય છે.
આજની ટ્રેનયાત્રાઓ બદલાઈ ગઈ છે. દરેકના હાથમાં મોબાઇલ છે. લોકો ફિલ્મો જુએ છે, બેઠાં બેઠાં કામ કરે છે, ખાવાનું મંગાવે છે અને અનંત સ્ક્રોલિંગ કરે છે. ટેકનોલોજી દરેક ડબ્બામાં પહોંચી ગઈ છે. છતાં એક રસપ્રદ બાબત હજુ જીવંત છેઃ વાતચીત. આજે પણ કોઈક પૂછે જ છે કે “આગળ કયું સ્ટેશન આવશે?” અને તરત પાંચ નિષ્ણાતો તૈયાર! દરેકનો જવાબ અલગ. દરેકને પોતાના જવાબ પર સંપૂર્ણ વિશ્વાસ. ટેકનોલોજી આપણને માહિતી આપે છે. માણસો સાથેનો સંપર્ક આપણને સંબંધ આપે છે. બંને જરૂરી છે. એક કહે છે કે આપણે ક્યાં છીએ તો બીજું યાદ અપાવે છે કે આપણે કોણ છીએ. આ સંતુલન ખૂબ મહત્ત્વનું છે કારણ કે માત્ર સ્ક્રીનથી ભરેલી દુનિયા ધીમે ધીમે એકલતાભરી બની શકે. ટ્રેન હજુ પણ આપણને સાચા ચહેરા જોવાનું શીખવે છે. સાચું હાસ્ય, સાચી ચીડ, અને સાચું જીવન.
કદાચ ટ્રેન એટલા માટે પણ વિશેષ લાગે છે કે તે શાંતિથી એક સત્ય શીખવે છેઃ કંઈ જ કાયમી નથી. સ્ટેશનો આવે છે અને જાય છે, વેચાણકારો આવે છે અને અદૃશ્ય થઈ જાય છે, સહપ્રવાસીઓ જીવનમાં પ્રવેશે છે અને નીકળી જાય છે- કદાચ ફરી ક્યારેય ન મળે. જીવન પણ આવું જ છે. લોકો આવે છે, લોકો જાય છે, ક્ષણો રોકાતી નથી. ટ્રેન આ સત્ય સામે ક્યારેય વાંધો ઉઠાવતી નથી, તે માત્ર આગળ વધતી રહે છે. ટ્રેનની બારીમાંથી બહાર જોવું એટલું શાંતિકારક લાગે છે તેનું કદાચ એ જ કારણ છે.
ખેતરો પસાર થાય છે, નદીઓ પસાર થાય છે, શહેરો પસાર થાય છે અને થોડા સમય માટે ચિંતાઓ પણ. મુસાફરી જાણે ધીમેથી કહે છે કે “ચાલતા રહો.” જ્યારે પણ હું ટ્રેનમાંથી ઊતરું છું, ત્યારે મને લાગે છે કે મેં એક પ્રકરણ પૂરું કર્યું, ભલે સંપૂર્ણ પુસ્તક નહીં. મોડું પડવું, ઘોંઘાટ, ચાર્જર શોધવાની ઝંઝટ, અજાણી સુગંધો અને બેઠક નંબરને લઈને થતા નાના યુદ્ધો એ બધું પણ અલગ કૃતિઓ બની શકે, પણ આ બધા અવ્યવસ્થાના પડછાયામાં એક સુંદર સત્ય વસે છે.ભારત કોઈ આંકડો નથી, કોઈ સમાચારમથાળું નથી, કોઈ નકશો નથી. ભારત એટલે કરોડો વાર્તાઓ, જે એકસાથે મુસાફરી કરે છે અને ઘણી વખત એ બધી વાર્તાઓ એક જ ડબ્બામાં સમાઈ જાય છે.
આથી, હવે જ્યારે ટ્રેનમાં ચડો ત્યારે મોબાઇલમાં સંપૂર્ણપણે ખોવાઈ જવાની ઉતાવળ ન કરશો. જરા આસપાસ જોજો, નિરીક્ષણ કરજો, સાંભળજો. કદાચ તમારી સામે બેઠેલી વ્યક્તિ એવી વાર્તાનું એક પ્રકરણ લઈને ફરી રહી હશે, જેના અસ્તિત્વ વિશે તમને ક્યારેય ખબર જ ન હોય.
અને પછી એક સુંદર પ્રશ્ન ઊભો થાય કે જો ટ્રેનનો દરેક ડબ્બો એક હરતી-ફરતી નવલકથા છે, તો તમારી બાજુમાં મુસાફરી કરનારા અજાણ્યા લોકોની વાર્તાઓમાં તમે કયા પ્રકારનું પાત્ર હશો?
તમારા પ્રતિભાવો અને જવાબો નિખાલસ રીતે નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો.
(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)
ખરેખર સર. ટ્રેનની મુસાફરી દરમિયાન ઘણી વાર્તાઓ મળે જ. એમાં પણ સ્લીપર વર્ગના ડબ્બાઓમાં વધારે વાર્તાઓ મળી આવે. જેમ જેમ ઊંચા વર્ગમાં જઈએ તેમ તેમ વાતો અને વાર્તાઓનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય.
જવાબ આપોકાઢી નાખોખૂબ આભાર!
કાઢી નાખોનવો વિચાર મગજમાં દાખલ થયો અને જોવાનો દ્રષ્ટિકોણ બદલ્યો ,
જવાબ આપોકાઢી નાખોહું એ ટ્રેનના ડબામાં એના શ્રોતા આ પાત્ર તરીકે હોય કદાચ કોઈને સાંભળનાર ન મળે એવું પણ બને ને સર !
પ્રતિભાવ બદલ આભાર.
કાઢી નાખોલેખ ના અંતે પ્રશ્ન ના જવાબ તરીકે હું ......હું એવા પ્રકારનું પાત્ર રહીશ કે જે ટ્રેનમાં રહેલા અન્ય મુસાફરો ની વાર્તા સાંભળવા માટે ઉત્સુક જિજ્ઞાસુ તેમજ એમાંથી મળેલા જ્ઞાન અનુભવો અને ભૂલોને મારા જીવનમાં કંઈકને કંઈક જગ્યાએ સમય આવે ત્યારે યાદ રાખીને ઉપયોગ કરીશ. ટ્રેનમાં અમે આવી મુસાફર તરીકે રહીશ
જવાબ આપોકાઢી નાખો