ટ્રેન્ડિંગ ચહેરાઓ નહીં, સમયની
કસોટી પાર કરેલાં જીવન
મારી આત્મકથાના આગામી પ્રકરણના સર્જકો,
આશા છે કે ચોમાસાની
સુગંધ તમારા આંગણે પ્રસરી ગઈ હશે અને જીવનના રોજિંદા ઘોંઘાટ
વચ્ચે તમે તમારા માટે બે-ચાર શાંત પળો સાચવી રાખી હશે.
આજકાલ પ્રેરણા બહુ
સસ્તી અને હાથવગી થઈ ગઈ છે. મોબાઇલ ખોલો એટલે કોઈ કહે,
"મોટાં સપનાં જુઓ." બીજો કહે,
"ક્યારેય હાર ન માનશો." ત્રીજો કહે,
"તમે દુનિયા જીતી શકો છો." સવારે જે વાક્ય આપણને આકાશમાં ઉડતા કરી દે, સાંજ
સુધીમાં એ જ વાક્ય બીજી કોઈ રીલ નીચે દબાઈ જાય. પ્રેરણાના આ ફટાકડા ચમકે ખૂબ, પણ પ્રકાશ બહુ ઓછો આપે
છે. પરંતુ
સાહિત્યમાં ઉપલબ્ધ ઉત્તમ આત્મકથાઓ કે જીવનકથાઓ દ્વારા પ્રાપ્ત થતાં જીવનચરિત્રો
એવાં નથી. તે તમને ઉપદેશ આપતાં નથી. તે તમારી બાજુમાં આવીને
ધીમેથી બેસી જાય છે અને કહે છે,
"ચાલ, મારી સાથે
થોડો પ્રવાસ કર." અને પછી શરૂ થાય છે એક
સાચી સફર, કોઈ વિજ્ઞાનીની, કોઈ
શિક્ષકની, કોઈ કવિની, કોઈ ખેલાડીની, કોઈ સમાજસેવકની કે
કોઈ સ્વાતંત્ર્યસેનાનીની. આ બધાં લોકો જન્મથી મહાન નહોતાં. તેમણે
પણ પરીક્ષામાં નિષ્ફળતા જોઈ હતી. તેઓ પણ પોતાના નિર્ણયોમાં
ગૂંચવાયા હતા, તો ક્યારેક આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો. ક્યારેક ખિસ્સામાં પૈસા નહોતા તો ક્યારેક હૃદયમાં
આશા નહોતી. કેટલાય પ્રસંગે બધું છોડી દેવું તેમને સહેલું લાગતું હતું પણ તેઓ અટક્યા નહીં. એટલે જ તેમના જીવનનાં પાનાં આજે
આપણને સાદ કરે છે.
તમારામાંથી ઘણા એવા
છો, જેમના ઘરે દરેક
રૂપિયો વિચાર કરીને ખર્ચાય છે. ગામડાંગામમાંથી કે નાનાં શહેરમાંથી નીકળીને મોટા
સપનાં જોવાં ક્યારેક દૂરના ડુંગર જેવું લાગે છે. વળી,
તમારામાંથી કેટલાક એવા પણ છો, જેમની પાસે લગભગ બધી જ સુવિધાઓ છે; છતાં કયો રસ્તો
પકડવો તે જ સમજાતું નથી. જીવનચરિત્રો બધાને એક જ વાત શીખવે છેઃ મંજિલ સુધી પહોંચનાર દરેક માણસે શરૂઆત એક સામાન્ય પગલાથી જ કરી હતી;
કોઈએ ઢોલ વગાડીને યાત્રા શરૂ કરી નહોતી. ઉદાહરણ તરીકે ગાંધીજીની સત્યના પ્રયોગો કોઈ દેવપુરુષની ગાથા નથી; તે પોતાની ભૂલો
સ્વીકારવાની નિખાલસ હિંમતનો દસ્તાવેજ છે.
મને ઘણી વાર
વિદ્યાર્થીઓ પૂછે છે, "સર, અમે આજે કોને ફૉલો
કરીએ?"
મનોવિજ્ઞાન કહે છે
કે માણસ સૌથી ઊંડું શીખે છે વાર્તાઓમાંથી. તો શિક્ષણશાસ્ત્ર પણ એને સમર્થન આપે છે. માહિતી મગજને છલકાવે છે; પરંતુ
વાર્તાઓ મનુષ્યને ઘડે છે. ટેક્નોલોજી તમને સેકન્ડોમાં માહિતી આપી શકે છે; પરંતુ ડહાપણ આજે પણ
ધીમે ચાલવાનું પસંદ કરે છે. તે પહેલાં બીજા કોઈના જીવનમાંથી પસાર થાય છે, પછી જ આપણા હૃદયમાં
પ્રવેશ કરે છે.
જીવનચરિત્રો
વાંચવાનો સૌથી મોટો લાભ કદાચ એ છે કે તે આપણામાં નમ્રતા પ્રગટાવે છે. તેના વાચન પછી સમજાય છે કે દરેક સફળ માણસ
પોતાના ખભા પર કોઈ અદૃશ્ય ભાર લઈને ચાલ્યો હતો અને એ સમજણ સાથે આપણી પોતાની મુશ્કેલીઓ પણ સજા જેવી લાગવાને બદલે જીવનની
તાલીમ બની જાય છે.
મારા પ્રિય મિત્રો, પ્રમાણપત્રો જરૂર મેળવો, પણ સાથે વાચન દ્વારા થોડાં જીવન પણ એકત્ર કરતા રહેજો. કારણ કે એક દિવસ, જ્યારે કોઈ યુવાન તમારી પાસે જીવનનો રસ્તો પૂછશે, ત્યારે અભ્યાસક્રમના સિદ્ધાંતો ઉપરાંત કોઈ મહાન જીવનની એક નાની ઘટના તમે વધારે આત્મવિશ્વાસથી કહી શકશો. બને કે કદાચ એ જ ઘટના તેના જીવનની દિશા બદલી દે.
તો કહો, આજથી પચાસ વર્ષ પછી
જ્યારે કોઈ તમારા જીવનનું ચરિત્ર લખે અથવા તમે આત્મકથા લખો,
ત્યારે તેનું પહેલું પ્રકરણ તમારા કયા કર્મથી શરૂ થાય એવું તમે ઇચ્છો છો?
અને હા, તમને આ પત્ર ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો અન્ય મિત્રોને અવશ્ય મોકલશો.
સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.
-ભરત જોશી “પાર્થ મહાબાહુ”
(અહીં
રજૂ કરેલી તસવીર AI tools દ્વારા
બનાવાયેલી છે.)
Enchanted and encouraging thought.
જવાબ આપોકાઢી નાખોThank you.
કાઢી નાખોખૂબ જ સુંદર 👌👌 👌
જવાબ આપોકાઢી નાખોઆભારી છું.
કાઢી નાખોઆત્મકથા દ્વારા મળતી પ્રેરણા વ્યક્તિત્વ ઘડતર કરે છે. વિદ્યાર્થીઓ માટે આવું વાચન જીવનદૃષ્ટિ ઘડવાનું સશક્ત શૈક્ષણિક માધ્યમ છે.
જવાબ આપોકાઢી નાખો