ઓળખાણઃ અક્ષરની અને માણસની
અંતરના ઉજાસને શોધતા મારા પ્રિય સાથીઓ,
છેક ગઇકાલે બપોરે અમદાવાદમાં વરસાદ આવ્યો. ત્યાં સુધી વાદળોએ
આખું આકાશ પોતાની પાસે રાખી લીધું હતું. ક્યારેક કુદરત પણ શીખવે છે કે વરસવું જ જરૂરી નથી, છાંયો આપવો એ
પણ મોટી વાત છે.
થોડા દિવસ પહેલાં
બસમાં એક રસપ્રદ ઘટના જોઈ. મારી સામે બેઠેલો એક યુવાન મોબાઇલમાં અંગ્રેજી ભાષાનું
કોઈ ગંભીર પુસ્તક વાંચી રહ્યો હતો. બાજુમાં એક વૃદ્ધ ખેડૂત ઊભા હતા. બસ ઝટકો મારે
ત્યારે ખેડૂતનો હાથ ધ્રૂજતો હતો. પુસ્તકમાં ડૂબેલા યુવાને એક વાર પણ નજર ઊંચી કરી નહીં.
પાછળ બેઠેલા એક છોકરાએ, જે કદાચ
બહુ ભણેલો પણ ન હોય, તરત ઊભા
થઈ પોતાની બેઠક તેમને આપી દીધી.
મને એ દિવસે એક
વિચાર આવ્યો. અક્ષરો વાંચતાં આવડવું અને માણસ વાંચતાં આવડવું તે બંને
એક વાત નથી. સાક્ષરતા આપણને પુસ્તક સુધી લઈ જાય છે. શિક્ષણ આપણને મનુષ્ય સુધી લઈ
જાય છે. ઘણા લોકો શિક્ષણ અને કેળવણી વચ્ચે તફાવત દર્શાવવા પ્રયત્ન કરતા હોય
છે. તે બન્ને મને તો એક જ લાગે છે. તફાવત સાક્ષરતા અને શિક્ષણ કે કેળવણી વચ્ચે છે.
તમારામાંથી કેટલાક અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં નવી ટેક્નોલોજી સાથે ઉછર્યા છો. કેટલાક મિત્રો હજુ એવા ગામોમાંથી આવે છે જ્યાં ક્યારેક ઇન્ટરનેટ કરતાં પવન ઝડપથી દોડે છે. પરંતુ જીવનની એક સુંદર વાત છે. કરુણા શીખવા માટે ન તો વાઇ-ફાઇ જોઈએ, ન મોંઘો મોબાઇલ. એક સારા માણસ બનવા માટેની આજ સુધી કોઈ એપ્લિકેશન બની નથી.
આપણે સામાન્ય રીતે ડિગ્રીને શિક્ષણ સમજી લઈએ છીએ. દીવાલ પર લટકતું પ્રમાણપત્ર જોઈને સંતોષ માની લઇએ છીએ. પરંતુ જીવન વારંવાર પૂછે છે, "તમને ઘણું આવડે છે, એ સારું છે, પણ તમને કોઈની પીડા દેખાય છે?"
ગાંધીજી કદાચ એટલા
માટે મોટા બન્યા કે તેમણે પુસ્તકો કરતાં માણસોને વધુ ધ્યાનથી વાંચ્યા. સત્ય તેમના
માટે માત્ર વિચાર નહોતો. જીવન જીવવાની રીત હતી. અહિંસા માત્ર સૂત્ર નહોતું. બીજાના
દુઃખને પોતાનું માનવાની ક્ષમતા હતી.
મને ક્યારેક હસવું
પણ આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાંચ ગુણ વધે તો આખું ગામ ગજવી મૂકે
છે, પણ જો ધીરજ પાંચ ટકા વધે, તો ખબર માત્ર
માતાને પડે! ઉત્સવ ક્યારે કરવો જોઇએ તે પણ શીખવા જેવી વાત છે.
આપણું શિક્ષણ કયું
છે? જે માર્કશીટમાં
દેખાય છે તે કે જે વર્તનમાં દેખાય છે તે?
મેં મારા વર્ગોમાં ટેક્નોલોજી,
સાહિત્ય, શિક્ષણ અને જીવનને જોડવાના સતત પ્રયત્નો કર્યા છે તે તમે બધા જાણો છો. સાહિત્ય આપણને શબ્દો આપે છે. શિક્ષણ એ શબ્દોમાં હૂંફ ભરે છે. વિજ્ઞાન
આપણને સાધનો આપે છે. શિક્ષણ એ સાધનોનો સાચો ઉપયોગ શીખવે છે. ટેક્નોલોજી દુનિયાને
નજીક લાવે છે. શિક્ષણ હૃદયોને નજીક લાવે છે. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમારી
બુદ્ધિ તમને સફળ બનાવશે. પરંતુ તમારી સંવેદના તમને યાદગાર બનાવશે. ડિગ્રી રોજગાર
અપાવી શકે છે, પરંતુ માનવતા જ સંબંધો જાળવી શકે છે. એટલે
વાંચજો. ખૂબ વાંચજો. વચ્ચે વચ્ચે માણસોના ચહેરા પણ વાંચજો. ક્યારેક વૃક્ષ નીચે બેસી પવન
સાંભળજો. ક્યારેક ઘરમાં સૌથી વડીલ માણસની વાત નિરાંતે સાંભળજો. ક્યારેક પોતાની
જાતને પણ પૂછજો કે આજે તમે થોડા વધુ સારા માણસ બન્યા કે નહીં.
આવતા અઠવાડિયા સુધી
એક નાનું કામ કરજો... કોઈ એક એવી વ્યક્તિને ધ્યાનથી સાંભળજો, જેને લોકો સામાન્ય
રીતે ઉતાવળમાં અવગણી દે છે. કદાચ એ દિવસથી તમારું સાચું શિક્ષણ શરૂ થશે.
તમને આ પત્ર ગમ્યો હોય
કે ઉપયોગી લાગ્યો હોય તો તમે તે અન્ય મિત્રોને અવશ્ય મોકલશો.
સાનુકૂળ સમય માટેની
શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.
-ભરત
જોશી “પાર્થ મહાબાહુ”
(અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)
Sir, this is such a great column. It conveys a profound message in a simple and gentle way about the golden path of life and highlights the important gap between education and literacy.
જવાબ આપોકાઢી નાખોThank you very much for the response. May I know your name?
કાઢી નાખોસર, એક પ્રશ્ન હતો કે આવા સમૃદ્ધ અને નવા વિચારો લાવવા શું કરવું જોઈએ ?
કાઢી નાખોજેથી તમારી જેમ લખી શકીએ, બોલી શકીએ, અંદર ની ભાવનાઓ ને દર્શાવી શકીએ.અમે પણ ઘણું નવું જોઈએ છે, શીખીએ છે પણ શબ્દો દ્વારા દર્શાવી શકતા નથી.
-Ph.D Scholar (IITE)
લખતા લખતા લેખક થવાય!
કાઢી નાખો