જૂનાં પુસ્તકોમાં અદૃશ્ય નિશાન
-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
પંદરેક દિવસ પહેલાં
કબાટમાંથી એક જૂનું પુસ્તક હાથમાં આવ્યું. વર્ષોથી શેલ્ફ પર પડ્યું હતું. પૂંઠું
ફિક્કું પડી ગયું હતું. પાનાંનો રંગ યુનિવર્સિટી કેન્ટીનની ઝાંખી ચા જેવો થઈ ગયો
હતો. પુસ્તક ખોલ્યું ને બસ,
એક ઓળખીતી ગંધ નાક સુધી આવી. તે કાગળની,ધૂળની,
શાહીની કે પછી કોઈ એવી વસ્તુની હતી જેને નામ આપવું મુશ્કેલ હોય. મને તો લાગ્યું, આ તો સમયની સુગંધ
છે. એક ક્ષણમાં ઓરડો બદલાઈ ગયો. હું પાછો કૉલેજની લાઇબ્રેરીમાં પહોંચી ગયો હતો. ભણવાનો ડૉળ કરતો ને વાર્તાઓ વાંચતો. અજબ છે ને! સુગંધ ક્યારેક ટ્રેન-વિમાન કરતાંય ઝડપથી આપણને ક્યાંક લઈ જાય છે. જૂનું પુસ્તક ખોલીએ એટલે માત્ર પાનાં નથી ખૂલતાં; આપણી અંદરના બંધ બારણાં પણ કચડાટ કરીને ખૂલી જાય
છે.
આપણે કહીએ કે પુસ્તક એટલે કાગળ, શાહી અને બાંધણી પણ વાત એટલી જ ક્યાં હોય છે! પુસ્તક એટલે આંગળીઓના નિશાન, પાનાંના વળેલા ખૂણા, વરસાદી બપોરનો ચાનો ડાઘ, બે પાનાં વચ્ચે ભૂલાઈ ગયેલી બસની ટિકિટ, કોઈ વાક્ય નીચે ખેંચેલી લીટી કે હાંસિયામાં લખેલું એક નાનકડું નામ. આ બધું મળીને પુસ્તક નામની વસ્તુને જીવંત બનાવે છે. જેમ જૂનાં ઘરની ભીંતોમાં ચાલ્યા ગયેલા માણસોના પડઘા સંભળાય, જેમ દાદીમાની પેટી ખોલીએ તો કપડાં સાથે તહેવારો, વિદાય, જૂના પત્રો અને ઘરની ગંધ પણ બહાર આવે એ જ રીતે જૂનું પુસ્તક પોતાના વાચકોને સાચવી રાખે છે. પાનાં મૌન હોય, પણ ખાલી નથી હોતાં. પાનાંમાં જીવન પડ્યું હોય છે
સ્મૃતિનું પણ કંઈ ધાર્યું ગણિત નથી. જે ચાવી ક્યાં મૂકી તે ભૂલી જતા હોય
કે ઓરડામાં શા માટે ગયા હતા એ યાદ ન રહેતું હોય, તેનેય વીસ વર્ષ પહેલાં દાદીમાના કબાટમાંથી આવતી ગંધ આજેય બરાબર
યાદ હોય. સ્મૃતિ ભારે નટખટ છે. તે મોલમાં વ્યવસ્થિત ગોઠવાયેલી
પ્રોડક્ટ જેમ નહીં, RTO કચેરીમાં પડેલી લાઈસન્સની મંજૂર થયેલી અરજીઓ જેમ પડી હોય છે.
તે અચાનક કહે,
“લો સાહેબ, આ યાદ છે?” કોઈ જૂનું પુસ્તક પણ
આવું જ કરે છે. કોઈ વાક્ય આંખે પડે, કે કોઈ જૂનું લખાણ
દેખાય કે પાનાંમાંથી કોઈ પરિચિત સુગંધ આવે અને મનનો કોઈ બંધ
ઓરડો ખૂલી જાય. તે વખતે અગાઉ વાંચી નાખેલી વાર્તા આપણે ફરી
વાંચતા નથી પરંતુ આપણી જ કોઈ વીતી ગયેલી
વયને ફરી મળીએ છીએ. આ સાહિત્યનો
અરવ ચમત્કાર છે. આપણે પાનાં ક્રમમાં તો આગળનાં વાંચીએ છીએ, પણ સ્મૃતિ આપણને
પાછળ લઈ જાય છે. સ્મૃતિને પોતાની મરજી હોય છે.
આજના સમયમાં આ
અનુભવ વધુ અર્થપૂર્ણ લાગે છે. ટેક્નોલૉજી અદ્ભુત છે. આખી
લાઇબ્રેરી મોબાઇલમાં સમાઈ જાય. હજારો પુસ્તકો ખિસ્સામાં આવી જાય. શોધવું સહેલું, સાચવવું સહેલું, વાંચવું સહેલું. અહીં એક નાનો તફાવત ધ્યાનમાં લેવા જેવો છે. યંત્રો
માહિતી સાચવે છે, પુસ્તકો અનુભવ સાચવે છે. સ્ક્રીન શબ્દોને save
કરે છે, પુસ્તક શબ્દો સાથે માણસને પણ save કરી
રાખે છે. સદીઓ પહેલાં જીવેલા માણસનો ડર, પ્રેમ,
આશા, એકલતા અને
હાસ્ય આજે પણ આપણને અડકે છે. અગાઉની સદીની કવિતા આજના એકાંતમાં સાથ આપે
છે. દૂરના દેશની વાર્તા આપણા પોતાના ઘરની ચિંતા જેવી લાગે છે. માણસ બદલાય છે, દુનિયા બદલાય છે, સાધનો બદલાય છે પણ મનની કેટલીક
તરસ બહુ લાંબુ ટકે છે. પ્રેમનો રંગ બદલાય, પ્રેમ પોતે ક્યાં
બદલાય છે. ભયનું કારણ બદલાય,
ભય તો ભય જ રહે. આશા નવા વસ્ત્ર પહેરે,
પણ આશા તો આશા જ રહે.
આપણે ઘણી વાર
બાળકને કહીએ છીએ, “પુસ્તક
વાંચ, કામ આવશે.”
પુસ્તકનું કામ ‘કામ આવવું’ એટલું નાનું નથી. કોઈ નવલકથા આપણને થોડા કલાક માટે બીજા
માણસની આંખ આપે છે. જીવનચરિત્ર કોઈ અજાણ્યા સંઘર્ષમાં લઈ જાય છે. કવિતા આપણને અટકીને જોવાનું શીખવે છે. કોઈ ઉપદેશ નહીં, બસ અનુભવ. આ અનુભવ માણસને
અંદરથી ધીમે ધીમે ઘડે છે. શિક્ષણનું આ એવું સ્વરૂપ છે, જેનું કોઈ ગુણપત્રક
નથી. બાળકના હાથમાં જૂનું પુસ્તક આપીને શિક્ષક કહે, “આ મેં તારી ઉંમરે વાંચ્યું હતું,” ત્યારે પુસ્તક
અચાનક બે પેઢીઓ વચ્ચેનો પુલ બની જાય છે. વાંચન શાળાનું કામ રહેતું નથી, એ
માનવીય વારસો બને છે. આ માટે પુસ્તકો અને ટેક્નોલૉજી વચ્ચે
ઝઘડો ઊભો કરવો જરૂરી નથી. કોઈ યુવાન મધરાતે ફોનમાં વાંચેલી કવિતા આખી જિંદગી સાથે
રાખી શકે. કોઈ બીજો એ જ કવિતા જૂના પુસ્તકમાં વાંચીને પાનાંની ગંધમાં પોતાનું
બાળપણ શોધી શકે. માધ્યમ બદલાય છે પણ માણસની અંદરની તરસ એટલી
ઝડપથી બદલાતી નથી. આપણે હજી પણ કંઈક યાદ રાખવા માગીએ છીએ, કોઈને
ઓળખવા માગીએ છીએ, એમ કદાચ પોતે પણ કોઈ રીતે ટકી જવા માગીએ છીએ.
એક દિવસ આપણે વાંચેલા, લખેલાં
કે વસાવેલાં પુસ્તકો પણ જૂનાં થશે. પછી ક્યારેક કોઈ કબાટ ખોલશે. આપણું પુસ્તક હાથમાં લેશે. અંદર આપણું નામ હશે. કોઈ જૂની
રસીદ હશે. કદાચ ચાનો ડાઘ કે કોઈ વાક્ય નીચે ખેંચેલી
પેન્સિલની લીટી હશે. તે વખતે એ માણસને
કદાચ ખબર નહીં હોય કે આ પુસ્તક ક્યારેક કોના હાથમાં હતું. છતાં આપણું કંઈક ત્યાં
હશે. ફોટો નહીં, સોશિયલ મીડિયા પ્રોફાઇલ નહીં. આપણે મોકલેલા
હજારો સંદેશાઓની ગણતરી પણ નહીં. ત્યાં હશે કાગળ પરનાં થોડાં મૌન નિશાન. સાહિત્યની ઉદારતા એટલે એક માણસના જીવનને
બીજા માણસના જીવન સુધી પહોંચાડવું. પોતે ચાલ્યા ગયા પછી પણ પોતાના શબ્દોને ચાલતા
રાખવા. તો હવે જ્યારે કોઈ જૂનું પુસ્તક ખોલો અને એની મહેક આવે ત્યારે માત્ર કાગળની
ગંધ છે એવું માનીને તરત પાનું ન ફેરવતા. કદાચ એ કોઈ વીતી ગયેલી બપોર હોય, કદાચ કોઈ અજાણ્યા વાચકની આંગળીઓ હોય, કદાચ તમારા જ
બાળપણનો કોઈ ખૂણો હોય, અથવા કદાચ એ સમય પોતે હોય જે ધીમેથી કહે છે, “હું અહીં હતો. મેં
આ જોયું હતું. મેં આ અનુભવ્યું હતું. હવે તું આગળ વાંચ.” કારણ કે સમય કાંઇ માત્ર ઘડિયાળમાં નથી રહેતો, તે ઘરમાં, ગીતમાં, જૂના પત્રમાં, પુસ્તકનાં
પીળાં પાનાંમાં અથવા આપણે જે કંઈ સ્પર્શ્યું
હોય તેમાં પણ થોડો થોડો ઊતરી જાય છે. આપણે પુસ્તકની નજીક જઈએ
છીએ. એક ઊંડો શ્વાસ લઈએ છીએ. પછી એક પળ માટે ભૂતકાળ ભૂતકાળ
રહેતો નથી. એ આપણી રાહ જોતો અહીં જ હોય છે, પાનાંઓની વચ્ચે.
અને
હા, તમારો નિખાલસ પ્રતિભાવ નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત
છે.
(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)
આ લેખ વાંચી ઘણી સ્મૃતિઓ ઊભરી આવી સર. જુના પુસ્તકો સાથેનું જોડાણ ભાવનાત્મક બની રહે છે. સમય જતા જુના પુસ્તકોથી શરદી થવાની શરૂ થઈ. ના છૂટકે પુસ્તકો વહેંચી દીધા. કિંડલ આવ્યા પછી આપે કહ્યું તેમ ઘણી બધી સગવડ થઈ. ફોન્ટ પણ અનુકૂળતા અનુસાર મોટા કરી શકાય. પણ ખરું કહું સર, પુસ્તક એ પુસ્તક જ છે. કિંડલમાં પુસ્તક જરૂર આવી ગયા પણ કિંડલ એ પુસ્તક અનુભૂતિ નથી જ આપતું.
જવાબ આપોકાઢી નાખોસાચી વાત છે, કપિલભાઇ!
કાઢી નાખોનમસ્કાર 🙏
જવાબ આપોકાઢી નાખોશુભ સવાર 💐🌺
✍🏻 સમય સમયની વાત છે; સમયને સમય આપો તો બધું જ સુમેળપૂર્વક પાર પડે. 🥰🌺
✍🏻 ખંત, ઉત્સાહ, પરિશ્રમ, સંઘર્ષ અને વિવેક વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે તથા તેના વ્યક્તિત્વને વધુ દૃઢ, મજબૂત અને પ્રભાવશાળી બનાવે છે. 🎉💐🥰🙌
🖊️ આપ નિયમિતપણે દરરોજ સવારે એક આદર્શ અને પ્રેરણાદાયી બીજવિચાર પ્રગટાવીને આજની યુવા પેઢીના જીવનમાં સકારાત્મકતા, ખંત, વિવેક અને પ્રેરણાનું બીજ વાવો છો. 🌱🌺
આપના આ સુંદર વિચારો અનેક યુવાનોના જીવનમાં નવી દિશા, નવી ઊર્જા અને સકારાત્મક અભિગમનો સંચાર કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
અભિનંદન તથા હાર્દિક શુભેચ્છાઓ, સાહેબશ્રી! 💐🙏
આભારી છું.
કાઢી નાખોજુના પુસ્તકો, વીતેલો અનુભવ સમય, જીવનની
જવાબ આપોકાઢી નાખોઆભાર
કાઢી નાખો