Menu

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

શિક્ષક બનવાની સતત સફર

 

વિદ્યાર્થી હંમેશાં શિક્ષકને વાંચે છે

મારા પ્રિય આવતીકાલના શિલ્પીઓ,

સવારે અરીસામાં ચહેરો જોઈને એક વાર હસવાનું ભૂલશો નહીં; દિવસભર વિદ્યાર્થીઓને સુધારતા પહેલાં પોતાને સુધારવાની આ એક સસ્તી અને અસરકારક કસરત છે!

થોડા દિવસ પહેલાં એક યુવાન શિક્ષક મળ્યા. હાથમાં ઉત્તમ ડિગ્રી, ખભા પર જવાબદારી અને મનમાં  ગૂંચવણનું વાદળ. વાત કરતાં કરતાં એમણે પૂછ્યું, “સર, શિક્ષક બનવા માટે હવે મારે બીજું શું ભણવું જોઈએ?” હું હસ્યો. મેં કહ્યું, “વિષયો તો તમે ભણી જ લેશો. હવે પોતાને ભણવાનું શરૂ કરો.” આપણે શિક્ષક બનવા માટે ડિગ્રી મેળવીએ છીએ. સ્નાતક, અનુસ્નાતક, પીએચ.ડી. જેવી લાયકાતો આપણને સૈદ્ધાંતિક વિષયોની દુનિયામાં પ્રવેશ અપાવે છે. પરંતુ વર્ગખંડમાં પ્રવેશતાં જ એક બીજી પરીક્ષા શરૂ થાય છે, જેનું કોઈ પ્રશ્નપત્ર નથી, કોઈ સમયમર્યાદા નથી અને કોઈ બાહ્ય પરીક્ષક નથી. એ પરીક્ષા છે આપણા પોતાના ચરિત્રની. વિદ્યાર્થીને આપણે ગણિત, વિજ્ઞાન, ભાષા કે શિક્ષણશાસ્ત્ર શીખવી શકીએ. પરંતુ વિદ્યાર્થી આપણું બોલવું જેટલું સાંભળે છે, એટલું જ આપણું વર્તન પણ વાંચે છે. જો આપણે સમયપાલન શીખવીએ અને પોતે વારંવાર મોડા પહોંચીએ, તો ઘડિયાળ આપણો સાચો શિક્ષક બની જાય છે. જો આપણે વાંચનની વાત કરીએ અને વર્ષો સુધી પોતે એક પણ પુસ્તક ન ખોલીએ, તો પુસ્તકાલય કદાચ આપણાથી વધુ વિશ્વસનીય શિક્ષક બની જાય! તેથી જ ગાંધીજીએ શિક્ષકને પાઠ્યપુસ્તક કહ્યા હતાં. આજના ડિજિટલ યુગમાં આ વાત વધુ મહત્ત્વની બની છે. વિદ્યાર્થી પાસે Google છે, YouTube છે, AI છે, અસંખ્ય ઑનલાઇન કોર્સ છે. માહિતી મેળવવા માટે હવે શિક્ષક એકમાત્ર દરવાજો નથી. પરંતુ એક બાબત માટે વિદ્યાર્થી હજુ પણ શિક્ષક તરફ જુએ છે: “કેવી રીતે જીવવું?”

સતત self-education એટલે માત્ર નવી ડિગ્રી મેળવવી નહીં. ક્યારેક તેનો અર્થ નવું પુસ્તક વાંચવું, ક્યારેક પોતાના વિદ્યાર્થીની વાત શાંતિથી સાંભળવી, ક્યારેક પોતાની ભૂલ સ્વીકારવી તો ક્યારેક નવી ટેક્નોલોજી શીખવી તેવો થાય છે. ક્યારેક વર્ષો જૂની માન્યતા સામે બેસીને પૂછવું કે “શું આ હજુ પણ સાચું છે?” તે પણ નવી ડિગ્રી મળવવા જેવું જ છે. સાચા શિક્ષક પોતાને ક્યારેય “પૂર્ણ” માનતા નથી. તે વિદ્યાર્થી પાસેથી પણ શીખે છે. બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થી પાસેથી જીવનની મિતવ્યયિતા શીખે છે. નોકરી સાથે ભણતા યુવાન પાસેથી ધીરજ શીખે છે. ગામડેથી આવતા વિદ્યાર્થી પાસેથી સંઘર્ષની ભાષા શીખે છે અને ક્યારેક તો એક નાનકડું બાળક પણ આપણને શીખવી જાય છે કે પ્રશ્ન પૂછવો એ અજ્ઞાનનું નહીં, જિજ્ઞાસાનું લક્ષણ છે.

મારા જૂના વિદ્યાર્થીઓ આજે શિક્ષક, પ્રાધ્યાપક, સંશોધક અને સંસ્થાના વડા બન્યા છે. પરંતુ મારી નજરે તેમની સૌથી મોટી લાયકાત તેમની ડિગ્રી નથી. તેઓ હજુ પણ ‘કંઈક નવું શીખવા તૈયાર છે કે નહીં’ એ છે કારણ કે શિક્ષક જ્યારે શીખવાનું બંધ કરે છે, ત્યારે તેનું પ્રમાણપત્ર જીવતું રહે છે, પણ શિક્ષક ધીમે ધીમે નિવૃત્ત થવા લાગે છે. જીવનભર શિક્ષક રહેવાનો અર્થ એટલો જ છે કે આપણે દરરોજ થોડુંક પોતાને ભણાવતા રહીએ. આપણે બીજાના જીવનમાં પ્રકાશ બનવા નીકળ્યા છીએ, ત્યારે આપણે પોતાની અંદરના દીવાને પ્રગટાવવા માટે રોજ થોડો સમય રાખીએ.

અને હા, તમને આ પત્ર ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો અન્ય મિત્રોને અવશ્ય મોકલશો.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

 (અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)

 

4 ટિપ્પણીઓ:

  1. મને લાગે છે સર કે, lકઈ રીતે જીવવાનું તે માટે ' ગુરૂ ' તરીકે લોકો સામાન્ય રીતે હવે ધર્મગુરુ ઉપર કળશ ઢોળે છે.
    - Kapil

    જવાબ આપોકાઢી નાખો
  2. ખૂબ સરસ આનુભવિક નિચોડ

    જવાબ આપોકાઢી નાખો

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts