ખોવાઇ ગયેલા માણસની શોધખોળ
ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
થોડા સમય પહેલાં એક
જૂના મિત્રને વર્ષો પછી મળવાનો પ્રસંગ આવ્યો. અમે એક રેસ્ટોરાંમાં બેઠા હતા. કોઈ ઉતાવળિયા શિક્ષક
વર્ગમાં શાંતિ જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવો કોફી મશીનનો અવાજ આવતો હતો. આસપાસ બેઠેલા લગભગ બધા લોકો લેપટોપ પર કંઈક
અત્યંત જરૂરી કામમાં વ્યસ્ત દેખાતા હતા. હું મારા મિત્રને તેના જીવન વિશે પૂછું તે પહેલાં જ તેણે જાણે પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ
કરવાનું શરૂ કરી દીધું. “ત્રણ મોટા
પ્રોજેક્ટ પૂરા કર્યા. બઢતી મળી. એક સાઇડ બિઝનેસ શરૂ કર્યો. નવી ઓનલાઈન તાલીમ લઈ
રહ્યો છું. હવે ફક્ત છ કલાક ઊંઘું છું.” આમાંનું છેલ્લું વાક્ય તેણે એવી ગર્વિલ
રીતે કહ્યું જાણે કોઈ પરાક્રમ કર્યું હોય. હું
શાંતિથી સાંભળતો રહ્યો. પછી મેં પૂછ્યું, “પણ તું ખુશ છે?”
થોડી ક્ષણ માટે વાતચીત અટકી ગઈ, જાણે યુટ્યૂબનો વિડિયો
અચાનક અટકી ગયો હોય. એ વખતે મને સમજાયું કે આજે ઘણા લોકો પોતાની એ ઓળખ આપતા નથી કે તેઓ કોણ છે. તેઓ પોતાની એ ઓળખ આપે
છે કે તેઓ શું કરે છે. આપણે જાણે હરતાં-ફરતાં પ્રગતિપત્રક બની ગયાં છીએ. પરંતુ નવાઈની વાત એ છે કે આ વાત કોઈને અજુગતી લાગતી નથી.
એક સમય હતો જ્યારે
લોકોની ઓળખ અલગ રીતે થતી. કોઈ સાહિત્યકાર તરીકે ઓળખાતા, કોઈ બાગબગીચાના શોખીન તરીકે, કોઈ પોતાના હાસ્ય માટે
યાદ રાખવામાં આવતા તો કોઈ મુશ્કેલ સમયમાં બીજાની બાજુમાં મૌન
બેસી રહેવાની ક્ષમતા માટે. આજે આપણી અદૃશ્ય ઓળખપટ્ટી કંઈક નોખી દેખાય છે.
આપણા હાથમાં રહેલા
મોબાઇલ ખરેખર અદભુત સાધન છે. તે ગામડાંને શહેર
સાથે જોડે છે, વિદ્યાર્થીને શિક્ષક સાથે જોડે છે અને પરિવારને મહાસાગરો ઓળંગીને નજીક રાખે છે. પરંતુ બીજી બાજુ, તે આપણા ખિસ્સામાં બેઠેલા ઈન્સપેક્ટર યાને નિરીક્ષક
પણ બની ગયા છે. તેમાંનું દરેક એપ્લિકેશન આપણા સમય, આરોગ્ય, ધન કે ધ્યાન(attention)ને વધુ સારાં કે કાર્યક્ષમ બનાવવાનું કહે છે. હવે તો આરામ પણ એક પ્રોજેક્ટ બની ગયો છે. કેટલાક લોકો
ઊંઘનું એટલું માપન કરે છે કે ઊંઘની માત્રાની ચિંતા કરતાં
કરતાં તેમની ઊંઘ જ ઉડી જાય છે. કલ્પના કરો કે
આ વાત તમે તમારા દાદા-દાદીને કહો છોઃ “હું સારી
રીતે ઊંઘી શક્યો નહીં કારણ કે મશીને કહ્યું કે મારી ઊંઘની ગુણવત્તા
ઓછી છે.” તેઓ તમને આશ્ચર્યથી જોશે. મશીન
આપણા માનવત્વનું મૂલ્યાંકન કરવા લાગે ત્યારે સમસ્યા
શરૂ થાય છે
ક્યારેક લાગે કે પુખ્તાવસ્થા એટલે માત્ર ઔપચારિક વસ્ત્રો
પહેરેલી નિશાળ છે; એવી નિશાળ જેમાંથી
આપણે ક્યારેય બહાર આવ્યા જ નથી. નિશાળમાં આપણે ગુણોની પાછળ
દોડતા હતા, પછી ડિગ્રીની પાછળ, પછી
પગારની પાછળ, પછી બઢતીની પાછળ અને પછી સામાજિક સ્વીકૃતિની
પાછળ. દોડનો ટ્રેક બદલાતો ગયો, દોડવાનું
બંધ થયું નહીં. વિચિત્ર વાત એ છે કે કોઈ આપણને શીખવતું નથી કે વૃક્ષની છાયામાં
બેસીને અપરાધભાવ વિના કેવી રીતે જીવવું. એક બાળક કલાકો સુધી કીડીઓનું કામ નિહાળી
શકે. એક પુખ્ત માણસ દસ મિનિટ આરામ કરે તો તેને અગિયાર અધૂરાં
કામ યાદ આવી જાય. આપણે સિદ્ધિ મેળવવાનું શીખ્યા પણ જીવનને નિહાળવાનું ભૂલી ગયા.
માનવમન એક રસપ્રદ
જાળ છે. ધારો કે કોઈ વ્યક્તિ પોતાની સપનાની કાર ખરીદે છે. થોડા
મહિના સુધી તેને લાગે કે તેણે દુનિયા જીતી લીધી. પછી પડોશી નવી અને વધુ ચમકદાર કાર
લાવે. અને એ ખુશી ધડામ કરતી ધરાશાઈ થઈ જાય. જીવનમાં આવી
અદૃશ્ય દોડ ઘણી છે. આપણે દોડીએ છીએ, મેળવીએ
છીએ, ઉજવીએ છીએ ત્યાં તો લક્ષ્ય થોડું
આગળ સરકી જાય છે. આજની સિદ્ધિ કાલની અપેક્ષા બની જાય છે અને પછી માણસ સર્જનાત્મકતા
કે આનંદ માટે નહીં, પણ પાછળ
રહી જવાના, ધીમા પડી જવાના કે નવી સિદ્ધિઓ વિના
પોતાની ઓળખ ગુમાવી દેવાના ભયથી કામ કરવા લાગે છે. પરંતુ એ ભૂલી જવાય છે કે માણસ કોઈ કારખાનું નથી અને આત્મમૂલ્ય કોઈ માસિક અહેવાલ નથી. જગત
ભાગ્યે જ સૌથી વ્યસ્ત માણસને યાદ રાખે છે. તે સૌથી ઊંડા માણસને
યાદ રાખે છે, જે સૂર્યાસ્તને નિહાળી શક્યો, જે કરુણામય રહી શક્યો,. જે
બીજાને સમજવા માટે થોડું થંભી શક્યો. તેમની કથાઓ એટલા માટે
જીવતી રહે છે કે તે આપણને એવી બાબતની
યાદ અપાવે છે જેને કાર્યક્ષમતા ક્યારેય માપી શકતી નથી. કોઈ હિસાબી પત્રક
આશ્ચર્યનું મૂલ્ય માપી શકતું નથી. કોઈ આંકડો પ્રેમનું વજન બતાવી શકતો નથી. કોઈ
વાર્ષિક સમીક્ષા આંતરિક શાંતિની ક્ષણને પકડી શકતી નથી.
તમે કંઈ સાબિત કરો તે પહેલાં પણ તમારું મૂલ્ય છે. ફૂલ ખીલતા પહેલાં પોતાનો અહેવાલ રજૂ કરતું નથી. નદી વહેતા પહેલાં મંજૂરી માગતી નથી. આકાશ સુંદર બનવા માટે પ્રશંસાની રાહ જોતું નથી. પરંતુ માણસ સતત પોતાનું અસ્તિત્વ નોંધાય તે માટે પ્રયત્ન કરતો રહે છે. આપણું મૂલ્ય આપણા પદ કરતાં મોટું ગણાય, પરિવાર સાથેની એક સુખી સાંજ વેડફાયેલો સમય ન ગણાય, પુસ્તક વાંચવું, ચાલવા જવું, પડોશીની મદદ કરવી કે માત્ર થોડું મૌન બેસી રહેવું પણ મૂલ્યવાન ગણાય જેવી (માપી શકાય એવું કોઈ પરિણામ ન આપતી) બાબતો વિશેના વિચારો તો અસ્વસ્થ કરે છે કારણ કે આધુનિક જીવનને આંકડાઓ ગમે છે પણ જીવન પોતે ક્યારેય માત્ર આંકડો નથી હોતું.
થોડાં પાનામાં ચિતરાયેલા
તમારા બાયોડેટા, રેઝ્યૂમે કે સીવીમાં દર્શાવેલા તમારા હોદ્દા, સિદ્ધિઓ ને કાર્યક્ષમતાઓ
સિવાયનો તમારો પરિચય વિચારજો. કદાચ તમે એક સારા શ્રોતા છો, કદાચ તમે પ્રોત્સાહન આપતા માતા-પિતા છો, કદાચ તમે
જિજ્ઞાસુ મુસાફર છો, ધીરજવાન શિક્ષક છો અથવા રવિવારે સવારે
ગાતા એવા શોખીન ગાયક છો
જેમના કારણે પડોશીઓને મફત સંગીત સાંભળવા મળે છે! આ બધી ઓળખ પણ એટલી જ મહત્ત્વની છે, કદાચ વધુ મહત્ત્વની છે
કારણ કે એક દિવસ પ્રોજેક્ટ પૂરા થઈ જશે, લક્ષ્યાંકો
બદલાઈ જશે, બઢતી કોઈ બીજાને મળશે,પણ આ
બધાની પાછળ રહેલો માણસ તો રહેશે જ. તેથી જો આવતીકાલે તમારી
બધી સિદ્ધિઓ ગાયબ થઈ જાય,
તો પણ તમને ખબર હોવી જોઈએ કે તમે ખરેખર કોણ
છો. તમારા પોતાના બાયોડેટા, રેઝ્યૂમે કે સીવીની પાછળનો માણસ તમારા પરિચયમાં
હોવો જોઈએ.
તમારો નિખાલસ પ્રતિભાવ અને સૂચનો નીચે કોમેન્ટ સેક્શનમાં અપેક્ષિત છે.
કોઈ આપણને શીખવતું નથી કે વૃક્ષની છાયામાં બેસીને અપરાધભાવ વિના કેવી રીતે જીવવું.
જવાબ આપોકાઢી નાખોઆ વાત બહુ ગમી સર , ખૂબ જ સરસ આર્ટીકલ સર
સુરેશ પુરોહિત
તમારો આભાર.
કાઢી નાખોખરી વાત સર.
જવાબ આપોકાઢી નાખોઇતની શક્તિ હમે દેના દાતા...
આભાર, કપિલભાઈ!
કાઢી નાખોજીંદગી ને માણો તેને અનુભવો .
જવાબ આપોકાઢી નાખોજીવન મા આ લેખનુ ચિંતન કરવુ જોઈએ .
Thank You.
કાઢી નાખો