Menu

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

શિક્ષક બન્યા પછી

 

દર પાંચ વર્ષે પોતાને પૂછવાનો સવાલ

મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, શિક્ષકમિત્રો અને મારી આંખ સામે મોટાં થયેલાં અનેક મનમંદિરોના પ્રિય દીવડાઓ,

આશા છે કે તમે સૌ મજામાં હશો. આજકાલ તો આપણને મોબાઇલ આપણા સ્વાસ્થ્ય વિશે આપણને યાદ કરાવ્યા કરે છે, “થોડું ઊભા થાઓ... થોડું ચાલો... પાણી પીવો... શ્વાસ લો!” ક્યારેક મને થાય છે કે શિક્ષકો માટે પણ એક એવું જ એપ હોવું જોઈએ, જે દર પાંચ વર્ષે આવીને કહે, “હવે થોડું થોભો... પાછળ જુઓ... અને પોતાને પૂછો કે તમે ખરેખર કેટલું શીખ્યા?” થોડા દિવસો પહેલાં એક શિક્ષકમિત્ર મળ્યા. વાતવાતમાં ગર્વથી કહે, “સર, મારી નોકરીને પચ્ચીસ વર્ષ પૂરાં થઈ ગયાં.” મેં અભિનંદન આપ્યાં. પછી સહેજ હસીને પૂછ્યું, “તેમાંથી કેટલાં વર્ષ શીખવાનું બન્યું?” એમણે સ્મિત કર્યું પણ પછી થોડી ક્ષણો માટે એક નાનકડું મૌન અમારી વચ્ચે ઊતરી આવ્યું. એ મૌન ન ભૂલાય તેવું હતું.

આપણે અનુભવ અને વિકાસને એક જ વસ્તુ માની બેસીએ છીએ. કોઈ શિક્ષકે વીસ વર્ષ ભણાવ્યું એટલે તેની પાસે વીસ વર્ષનો અનુભવ છે, એવું માનવું સહેલું છે. પરંતુ ક્યારેક એવું પણ બને કે વીસ વર્ષનું શિક્ષણ એટલે માત્ર એક જ વર્ષનું શિક્ષણ વીસ વખત પુનરાવર્તન પામ્યું હોય! કેલેન્ડર આપણને સેવાનાં વર્ષો ગણી આપે છે, પરંતુ પરિપક્વતાની ગણતરી તે રીતે થતી નથી. શિક્ષક જ્યારે પહેલી વાર વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વિશે એની કેટલીક માન્યતાઓ હોય છે. પાંચ વર્ષ પછી એ વિદ્યાર્થીઓએ શિક્ષકને પણ એટલા જ બદલ્યા હોવા જોઈએ, જેટલા શિક્ષકે તેમને બદલ્યા હોય. જરા તમારા પોતાના વર્ગખંડનું અવલોકન કરો. પાંચ વર્ષ પહેલાં કદાચ તમને લાગતું હશે કે જે વિદ્યાર્થી શાંત છે તે શિસ્તબદ્ધ છે. આજે કદાચ સમજાયું હશે કે એ જ શાંતિની પાછળ ભય હોઈ શકે, ગૂંચવણ હોઈ શકે, એકલતા હોઈ શકે કે આત્મવિશ્વાસનો અભાવ પણ હોઈ શકે. પાંચ વર્ષ પહેલાં કદાચ આપણને લાગતું હશે કે સારો શિક્ષક એટલે જે સમયસર અભ્યાસક્રમ પૂરો કરાવે. આજે કદાચ સમજાયું હશે કે અભ્યાસક્રમ પૂરો કરવો તે આસાન છે, પણ જિજ્ઞાસા જગાડવી એ જ સાચું શિક્ષણ છે.

વર્ગખંડ પણ બદલાયો છે. હાથમાં રહેલો મોબાઇલ હવે માત્ર મોબાઇલ રહ્યો નથી. એમાં પુસ્તકાલય છે, કમ્પ્યૂટર છે, અનુવાદક છે, વ્યાખ્યાન છે, મનોરંજન છે, ધ્યાનભંગ છે અને ક્યારેક તો આખું નાનું વિશ્વ જ સમાઈ ગયું છે! એટલે જો આપણે માત્ર એટલું જ કહીએ કે, “આજકાલના વિદ્યાર્થીઓ તો આખો સમય મોબાઇલમાં જ રહે છે,” તો કદાચ આપણે વધુ મોટો સવાલ ચૂકી જઈએ છીએ કે “મારા વર્ગખંડ કરતાં મોબાઇલ વિદ્યાર્થીને વધારે રસપ્રદ કેમ લાગે છે?” આ સવાલ શિક્ષકને થોડા અસ્વસ્થ કરે છે અને કદાચ આ જ અસ્વસ્થતા આપણને વધુ સારા શિક્ષક બનાવે છે.

ભારતીય જ્ઞાન પરંપરામાં ‘સ્વાધ્યાય’ની વાત કરવામાં આવી છે (તૈત્તિરીય ઉપનિષદ). સ્વાધ્યાય એટલે માત્ર બીજાં પુસ્તકો વાંચવાં નહીં. ક્યારેક ‘પોતાને’ પણ વાંચવા પડે. ગાંધીજીએ પોતાના જીવનને સત્યના પ્રયોગોની ભૂમિ બનાવી હતી. પોતાને સંપૂર્ણ માનીને બેસી ગયા નહોતા. પોતાની માન્યતાઓ, પોતાની ભૂલો, પોતાના વર્તન અને પોતાના નિર્ણયો સામે પણ તેમણે વારંવાર નજર કરી હતી. શિક્ષક માટે પણ આવું સાહસ જરૂરી છે. વર્ગ ખરાબ ગયો હોય ત્યારે, “આ વિદ્યાર્થીઓ તો સમજતા જ નથી,” એવું કહેવું સહેલું છે પણ એની જગ્યાએ જો આપણે પૂછીએ, “આજે હું એમના સુધી કેમ પહોંચી ન શક્યો?” તો શિક્ષણનો એક નવો દરવાજો ખૂલે છે. વિદ્યાર્થી નબળું પરિણામ લાવે ત્યારે તરત જ, “એણે મહેનત જ નથી કરી,” એવું કહેવાને બદલે જો આપણે વિચારીએ કે “મેં એવી રીતે ભણાવ્યું હતું કે એ વિદ્યાર્થી સમજી શકે?” તો કદાચ શિક્ષક પણ પોતાના વર્ગખંડમાં ફરી વિદ્યાર્થી બની જાય.

દર પાંચ વર્ષે પોતાને થોડા સવાલો પૂછવા જોઈએ: પાંચ વર્ષ પહેલાં જે ખબર નહોતી પડતી, એમાંથી આજે શું સમજાયું છે? આજે હું એવું શું અલગ કરું છું, જે પાંચ વર્ષ પહેલાં મારાથી નહોતું થતું? વિદ્યાર્થીઓ વિશે મારી કઈ જૂની માન્યતા મેં બદલી છે? શિક્ષક તરીકેની કઈ જૂની આદત મેં સમજપૂર્વક છોડી છે? આ સવાલો નબળાઈનાં નહીં, જીવંત શિક્ષકનાં ચિહ્નો છે. જે શિક્ષક પોતાને સવાલ પૂછવાનું બંધ કરી દે છે, એ ધીમે ધીમે મુદ્રિત પુસ્તક બની જાય છે અને જે શિક્ષક પોતાને પણ શીખવતા રહે છે એ વિદ્યાર્થીઓ માટે સામયિક બની રહે છે. મને ગામનો જૂનો કૂવો યાદ આવે છે. આખું ગામ એમાંથી પાણી ભરે છે. લોકો જેટલું પાણી ખેંચે છે, એટલું જ એ કૂવાની અંદરનું ઝરણું જીવંત અને સ્વચ્છ રહેવું જરૂરી છે. શિક્ષક પણ એવો જ કૂવો છે. ઘણા લોકો એની પાસેથી જ્ઞાન લે છે. શિક્ષકે પોતાના અંદરના ઝરણાને સતત સ્વચ્છ, તાજું અને વહેતું રાખવું પડે.

શિક્ષક બની ચૂકેલા મારા વર્તમાન કે જૂના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, તમને એક નાની વિનંતી કરું છું. તમારી સેવા કેટલી લાંબી છે એની જ ગણતરી ન કરતા. એ પણ ગણજો કે તમે કેટલી અયોગ્ય માન્યતાઓ પર પ્રશ્ન કર્યો છે? કેટલી ભૂલોમાંથી કંઈક શીખ્યા છો? કેટલા વિદ્યાર્થીઓને હવે પહેલાં કરતાં વધુ ધ્યાનથી સાંભળો છો? અને સૌથી અગત્યનું તમારા વિદ્યાર્થીઓએ તમને શું શીખવ્યું છે? કારણ કે શિક્ષક બનવું એટલે માત્ર બીજાને ઘડવાનું કામ નથી. ક્યારેક વર્ગખંડમાં ઊભા રહીને આપણે અજાણતાં પોતાને પણ ઘડતા હોઈએ છીએ.

સાચો સવાલ “હું કેટલાં વર્ષથી ભણાવું છું?” એ નથી. “આટલાં વર્ષો ભણાવ્યા પછી હું કેવો માણસ અને કેવો શિક્ષક બન્યો છું?” તે સાચો સવાલ છે. Top of Form

Bottom of Form

અને હા, તમને આ પત્ર ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો અન્ય મિત્રોને અવશ્ય મોકલશો.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.

-ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

 (અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)

5 ટિપ્પણીઓ:

  1. શિક્ષક બન્યા પછી
    શિક્ષક બન્યા પછી હું વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ જીવન જીવવાના સંસ્કાર પણ આપીશ. દરેક વિદ્યાર્થીની ક્ષમતા અને જરૂરિયાતને સમજવાનો પ્રયત્ન કરીશ. શિક્ષણને રસપ્રદ અને પ્રવૃત્તિલક્ષી બનાવીશ તથા વિદ્યાર્થીઓમાં સત્ય, શિસ્ત, મહેનત, સહકાર અને માનવતાના ગુણો વિકસાવવાનો પ્રયત્ન કરીશ.
    રાહુલભાઈ b. Ed, A class

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. સરસ. જે કશુંક નક્કી કરી શકે છે તે કશુંક કરી શકે છે. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.

      કાઢી નાખો
  2. સાચી વાત છે. શિક્ષક એક સામયિક પણ બની શકે છે.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. શિક્ષકો આ સવાલો પોતાને પૂછી જવાબ મેળવતા થાય તો TAT TET કરતા વધુ લાયકાત વાળા બને તે ચોક્કસ છે.

      કાઢી નાખો

આપના નામ સાથે કોમેન્ટ લખવા વિનંતી છે.
Please comment with your name.

Featured Post

ધરતીનો સ્પર્શ, આકાશની ઝંખના!

મૂળિયાં આપે બળ , પાંખો આપે દિશા! AI generated image. મારાં પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો , કેમ છો સૌ ? ક્યારેય તોફાની પવનમાં ઊભેલા વ...

Popular Posts