પ્રગતિના હિસાબની નવી ચોપડી
પોતપોતાની નાની-મોટી દુનિયા
ઘડવામાં વ્યસ્ત મારા જૂના-નવા પ્રિય સહપ્રવાસી વિદ્યાર્થી મિત્રો,
આશા છે કે તમે સૌ મજામાં
હશો. ગયા અઠવાડિયે એક ઝડપથી વિકસતા શહેરના કેટલાક ચમકદાર ફોટોગ્રાફ્સ જોયા. ઊંચી ઇમારતો,
પહોળા રસ્તાઓ, ઝગમગતી ઓફિસો, વિશાળ શૉપિંગ મૉલ્સ... બધું જ સમૃદ્ધિનો ઢોલ વગાડતું હતું
પણ ફોટોગ્રાફ્સ જોતાં જોતાં મારા મનમાં એક નાનો પ્રશ્ન ઊગ્યો: આ ચિત્રમાં માણસો ક્યાં
છે? આપણે પ્રગતિ માપવામાં બહુ હોશિયાર થઈ ગયા છીએ. જી.ડી.પી.ના આંકડા છે, વિકાસદર છે,
માથાદીઠ આવક છે, નિકાસના આંકડા છે, ઉત્પાદનના આંકડા છે અને ગ્રાફ તો એટલા બધા છે કે
કોઈ નિર્દોષ માણસને બતાવો તો એને લાગે કે પરીક્ષા શરૂ થઈ ગઈ!
જી.ડી.પી. (GDP) વધે એટલે આપણે
ખુશ. જો કે એમાં કંઈ ખોટું પણ નથી. આર્થિક વિકાસ જરૂરી છે. ગરીબીમાંથી બહાર આવવા માટે
માત્ર આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી જવાથી કામ ચાલવાનું નથી! માણસને રોટલી જોઈએ, ઘર
જોઈએ, શિક્ષણ જોઈએ, દવા જોઈએ, રોજગાર જોઈએ અને આગળ વધવાની તક પણ જોઈએ. સમૃદ્ધિ માણસના
સ્વાભિમાનને ટેકો આપે છે. પરંતુ આ બધા આંકડાઓની વચ્ચે કોઈ રિપોર્ટમાં બરાબર દેખા દેતું
નથી તેવું એક નાનું સુખ અનિવાર્ય છે. જી.ડી.પી. તમે ખરીદેલી કાર ગણી શકે પણ એ નથી ગણી
શકતો કે એ જ કારમાં તમને તમારી માતાને ફરવા લઈ જવાનો સમય મળે છે કે નહીં. એ નવા દવાખાનાની
ગણતરી કરી શકે પણ અંદર બેઠેલ ડૉક્ટર દર્દીને માણસની જેમ જુએ છે કે માત્ર કેસ નંબરની
જેમ એ માપી ન શકે. એ નવી યુનિવર્સિટી ગણી શકે પણ એ યુનિવર્સિટીના વર્ગખંડમાં બેઠેલા
યુવાનને પોતાના જીવનનો અર્થ મળ્યો છે કે નહીં એ આ આંકડામાં દેખાડી ન શકે. અહીં જ કદાચ
‘પ્રગતિ’ની આપણી સમજને થોડું હોમવર્ક કરાવવાની જરૂર છે. મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે
જેઓ સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા અને પોતાના ઘરની આર્થિક સ્થિતિ બદલવા માટે રાત-દિવસ
મહેનત કરી. આવા વિદ્યાર્થીઓની સફળતા માત્ર એમની નથી હોતી. એમાં માતા-પિતાની અધૂરી ઊંઘ,
પરિવારના ત્યાગ અને કેટલીય અધૂરી ઇચ્છાઓનો હિસ્સો હોય છે. મેં એવા યુવાનો પણ જોયા છે
જેમની પાસે લગભગ બધું છે, છતાં તેમની અંદરથી કોઈ ધીમો અવાજ પૂછતો રહે છે: “હું આખરે
આ બધું શા માટે કરી રહ્યો છું?” બંને સાચા છે. બંનેમાં માણસ છે. આપણી ભારતીય
જ્ઞાન પરંપરાએ ક્યારેય એવું નથી કહ્યું કે ભૌતિક સમૃદ્ધિ નકામી છે. અર્થનું જીવનમાં
પોતાનું યોગ્ય સ્થાન છે પણ અર્થને ક્યારેય આખા જીવનનું સરનામું માનવામાં આવ્યું નથી.
પૈસા ઉપયોગી છે. મુશ્કેલી તો ત્યારે શરૂ થાય
છે જ્યારે આપણે માણસની કિંમત પણ એની પાસે કેટલા પૈસા છે તેનાથી નક્કી કરવા માંડીએ.
પ્રશ્ન માત્ર એટલો નથી હોતો કે આપણે કેટલું પેદા કરીએ છીએ. પ્રશ્ન એ છે કે આપણા વિકાસનો
પ્રકાશ છેલ્લે ઊભેલા માણસ સુધી પહોંચે છે કે નહીં. એના સ્વાભિમાનને સ્થાન મળે છે કે
નહીં. આપણું જીવન થોડું વધારે માનવીય બને છે કે નહીં.
એટલે, મારા પ્રિય વિદ્યાર્થીઓ, પૈસા જરૂર કમાજો. પ્રામાણિકતાથી કમાજો. બને તો ભરપૂર કમાજો. કંપનીઓ ઊભી કરજો. શિક્ષક બનજો. પુસ્તકો લખજો. નવી ટેક્નોલોજી ઘડજો. અમદાવાદ જજો, બેંગલુરુ જજો, લંડન જજો... અને તક મળે તો મંગળ પર પણ જજો! પણ જ્યાં જાઓ ત્યાં એક વાત ભૂલતા નહીં: એટલા સફળ ન બની જતા કે સફળ બનતાં પહેલાં જેમણે તમને પ્રેમ કર્યો હતો એમની પાસે બેસવાનો સમય જ ન રહે. તંદુરસ્ત (healthy) પગાર પ્રગતિ છે પણ તંદુરસ્ત હૃદય પોતે પ્રગતિ છે. મોટું ઘર પ્રગતિ છે પણ એ ઘરમાં લોકો મોબાઇલ બાજુએ મૂકીને એકબીજા સાથે હસીને વાત કરી શકે એ એનાથીયે મોટી પ્રગતિ છે. ઝડપી ઇન્ટરનેટ પ્રગતિ છે પણ ક્યારે ઇન્ટરનેટથી થોડા સમય માટે દૂર થવું એ સમજ આવી જાય તો એને ડહાપણ કહેવાય. કદાચ હવે આપણને જીવનની એક નવી હિસાબી ચોપડી બનાવવાની જરૂર છે. તેમાં એક બાજુ લખીએ: આપણે કેટલું કમાયા. બીજી બાજુ લખીએ: આપણે કેટલું જીવ્યા, કેટલું માણ્યું, કોને કામમાં આવ્યા, શું શીખ્યા, કોને સાચવ્યા અને આ સફરમાં આપણે કેવા માણસ બનતા ગયા કારણ કે આખરે દેશ માત્ર અર્થતંત્ર નથી. દેશ એટલે કરોડો માણસોની ધબકતી જિંદગીઓ. જો આપણે સમૃદ્ધ તો બની જઈએ, પણ જીવનમાં સુખી થવાનું, હળવા હૃદયે હસવાનું અને બીજા માટે થોડા વધારે સારા માણસ બનવાનું ભૂલી જઈએ તો એવી પ્રગતિનો હિસાબ કઈ ચોપડીમાં લખાશે? તો મારા પ્રિય વિદ્યાર્થીઓ, જે મંઝિલ સુધી પહોંચવા માટે આજે તમે આટલા દોડી રહ્યા છો, ત્યાં પહોંચ્યા પછી તમારા હાથમાં માત્ર વધુ વસ્તુઓ હશે કે તમારા હૃદયમાં પણ થોડું વધુ જીવન હશે?
અને હા, તમને આ પત્ર ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો અન્ય મિત્રોને અવશ્ય
મોકલશો.
સાનુકૂળ સમય માટેની
શુભકામનાઓ સહ વિરમું છું. નીચે કોમેન્ટ/ટિપ્પણીમાં તમારા
પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે.
-ભરત
જોશી ‘પાર્થ મહાબાહુ’
(અહીં
રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)
GDP એટલે ખુશી નહીં એ મૂળ વિચાર સમજાવતો ખૂબ સુંદર લેખ છે સર.
જવાબ આપોકાઢી નાખોઆભાર!
કાઢી નાખોJatin Kalvani
જવાબ આપોકાઢી નાખોઆ 'અર્થ' વિષય ઉપર blog જીવનનો સાચો "અર્થ" દર્શાવે છે.
આભાર!
કાઢી નાખો